ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019: 7થી 20 ડિસેમ્બર 5 તબક્કામાં મતદાન, પરિણામ 23 ડિસેમ્બર
Jharkhand Assembly Election Schedule : મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ યોજાશે. 7 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું, 12 ડિસેમ્બરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.
Trending Photos
નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ(CEC Sunil Arora) એક પત્રકાર પરિષદમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી-2019ની(Jharkhand Assembly Election 2019) તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 5 તબક્કામાં(5 Phase) વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરના(23 December) રોજ આવશે. તેમણે કહ્યું કે, આ પત્રકાર પરિષદ પુરી થવાની સાથે જ રાજ્યમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. રાજ્યમાં કુલ 2.26 કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં જોડાશે.
શુક્રવારે પત્રકાર પરિષદમાં આ અંગે વધુ વિગતો આપતા મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ યોજાશે. 7 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું, 12 ડિસેમ્બરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરના રોજ, જ્યારે 20 ડિસેમ્બરના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાશે.
પ્રથમ તબક્કામાં 13 સીટ પર મતદાન યોજાશે. બીજા તબક્કામાં 20 સીટ પર, ત્રીજા તબક્કામાં 17 સીટ પર, ચોથા તબક્કામાં 15 સીટ પર અને પાંચમા તબક્કામાં 16 સીટ પર મતદાન યોજાશે.
ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. નાયબ ચૂંટણી કમિશનરોએ તાજેતરમાં જ 17-18 ઓક્ટોબરના રોજ ઝારખંડની મુલાકાત લીધી હતી. ઝારખંડમાં કુલ 19 જિલ્લા નકસલવાદ પ્રભાવિત છે, તેમાંથી 13 જિલ્લામાં તો સૌથી વધુ નકસલવાદ ફેલાયેલો છે. રાજ્ય વિધાનસભાની 81માંથી 67 સીટ નકસલ પ્રભાવિત વિસ્તારમાં આવે છે.
કુલ 81 વિધાનસભા બેઠકમાં ભાજપ સત્તાધારી પાર્ટી છે અને મુખ્યમંત્રી રઘુબર દાસે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. વર્ષ 2000માં રાજ્યની રચના થયા પછી આ ચોથી વિધાનસભાની ચૂંટણી યોજાશે. રઘુબર દાસ અને તેમની પાર્ટી આ વખતે ચૂંટણીમાં 65+ મિશન સાથે ઝંપલાવાની છે.
સત્તા પક્ષ અને વિરોધ પક્ષની તૈયારી
મુખ્યમંત્રી રઘુવર દાસ જન આશિર્વાદ યાત્રા દ્વારા ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપને સત્તામાં આવતી રોકવા માટે વિરોધ પક્ષો પણ ભેગા થવાની તૈયારી કરી રહ્યા છે. ઝારખંડ મુક્તી મોરચાના હેમંત સોરેન ફરીથી સત્તા મેળવવા માટે બદલાવ યાત્રા પર નિકળ્યા છે અને ભાજપ વિરોધી હવા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
છેલ્લે વર્ષ 2014માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 37 સીટ જીતી હતી અને તેને 31.3 ટકા વોટ મળ્યા હતા. તેની સહયોગી પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયને 5 સીટ પર વિજય મેળવ્યો હતો. મુખ્ય વિરોધ પક્ષ ઝારખંડ મુક્તી મોરચાએ 19 સીટ જીતી હતી અને કોંગ્રેસનો 7 સીટ પર વિજય થયો હતો. આ ઉપરાંત જેવીએમ(પી)નો 8 સીટ પર વિજય થયો હતો. જોકે, ચૂંટણી પછી જેવીએમના 6 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ ઉપરાંત 6 સીટ પર અપક્ષોનો વિજય થયો હતો.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે