કોહલીનો 'વિરાટ' રેકોર્ડ... ODI ક્રિકેટમાં આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો, સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
Trending Photos
Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. કોહલીએ આ મેચમાં ભારત માટે એક ખાસ ચમત્કાર કર્યો છે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
કોહલીએ 299મી વનડે મેચની 287મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ સચિનના નામે હતો જેણે પોતાની 350મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન પછી શ્રીલંકાના કુમાર સંગાકારા હતા જેમણે 378 ઇનિંગ્સમાં 14 હજાર વનડે રન બનાવ્યા હતા.
નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં કોહલીએ બાંગ્લાદેશ સામે 22 રન બનાવ્યા હતા. ત્યારે તે આ ઐતિહાસિક રેકોર્ડથી માત્ર 15 રન દૂર હતો. પરંતુ હવે તેમણે દુબઈમાં પાકિસ્તાન સામે રમાયેલી આ મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ 13મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો છે.
ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 14000 રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી- 287 ઇનિંગ્સ
સચિન તેંડુલકર- 350 ઇનિંગ્સ
કુમાર સંગાકારા - 378 ઇનિંગ્સ
ભારત માટે ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી
વિરાટ કોહલીએ 2008માં ટીમ ઈન્ડિયા તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે અત્યાર સુધી 299 ODI મેચોમાં કુલ 14000થી વધારે રન બનાવ્યા છે, જેમાં તેમણે 51 સદી અને 73 અડધી સદી ફટકારી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 123 ટેસ્ટ અને 125 T20I મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં ભારત માટે 100થી વધુ મેચ રમનાર તે એકમાત્ર બેટ્સમેન છે.
રોહિતે પણ તોડ્યો સચિનનો આ રેકોર્ડ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પાકિસ્તાન સામેની આ મેચમાં એક રન બનાવીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. તે ઓપનર તરીકે ODIમાં 9000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ઓપનર તરીકે 181 વનડે ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે 197 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે