બનાસકાંઠાની લોકસભા સીટ જીતનાર ક્યારેય નથી જીતતો વિધાનસભા સીટ, આ છે સમીકરણો
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. આ સીટ પર મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તેવામાં જુઓ શું છે આ સીટના સમીકરણો...
Trending Photos
બનાસકાંઠાઃ વાવમાં વિધાનસભા ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે, બન્ને પાર્ટીના ઉમેદવાર મતદારોને રિઝવવા માટે જાતભાતના નુસખા અજમાવી રહ્યા છે. સભા અને સરઘસો નીકળી રહ્યા છે. એકબીજા સમાજના આગેવાનોને જવાબદારી સોંપાઈ છે, બન્ને પાર્ટીના સીનિયર નેતાઓએ વાવમાં ધામા નાંખ્યા છે ત્યારે વાવમાં હવે પાઘડી પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. ઉમેદવારો પાઘડી ઉતારીને પોતાની લાજ રાખવા મતદારોને આજીજી કરી રહ્યા છે ત્યારે જુઓ પાઘડી પોલિટિક્સ પર અમારો આ ખાસ અહેવાલ....
વાવમાં કોણ કોની રાખજે લાજ?
વાવથી કોણ પહોંચશે ગાંધીનગર?
વાવના મતદારો કોની સાચવશે આબરુ?
ક્ષત્રિય કે ઠાકોરમાંથી કોના પર મુકાશે વિશ્વાસ?
પાઘડી ઉતારવાથી મળી જશે પ્રજાના મત?
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જઈ રહી છે, તેમ તેમ નવા નવા રંગ આ ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. પહેલા ઉમેદવારના નામ પર છેલ્લે સુધી સસ્પેન્સ રહ્યું. નામ જાહેર થયા બાદ બન્ને પાર્ટીમાં નેતાઓના રિસામણાં શરૂ થયા. ક્યાંક મનામણાં થઈ ગયા. ક્યાંક રિસાયેલાએ અપક્ષ ઝંપલાવી દીધું છે. જેના કારણે ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. વાવના મતદારોની સાથે ભાજપ હોય કે કોંગ્રેસ, બન્નેની જીતનો મદાર અપક્ષ ઉમેદવારો પણ રહેલો છે. કારણ કે અપક્ષ જે મત લઈ જાય છે તે કઈ પાર્ટીને નુકસાન કરાવે છે તે જોવાનું રહેશે પરંતુ આ બધાની વચ્ચે વાવમાં હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે પાઘડીનો છે. ઉમેદવાર મતદારોને રિઝવવા માટે એવા એવા નુસખા અજમાવી રહ્યા છે.
ઠાકોર સમાજની બહુમતિવાળી વાવ વિધાનસભામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારીને પોતાને મત આપવા અપીલ કરી. સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજની એક સભામાં એવું કહ્યું કે મારી લાજ રાખજો અને પાઘડી ઉતારીને પોતાની આબરુ રાખવાની સમાજને વાત કરી. સ્વરૂપજીની આ પાઘડી ખુબ જ ચર્ચામાં રહ્યા બાદ હવે બનાસકાંઠાના સાંસદ અને વાવથી પૂર્વ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ કોંગ્રેસના ઉમેદવારની જીત માટે લાજ રાખવાની વાત કરી છે. આબરુ, લાજ અને પાઘડી સાથે ગેનીબહેનને જૂનો નાતો છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેઓ પોતાના પ્રચારમાં આ શબ્દો સતત લાવતા રહ્યા હતા ત્યાં ફરી વાર તેમણે વાવમાં કહ્યું કે, હું કોલર ઊંચો કરીને નીકળી એવી પાઘડીની આબરુ રાખજો...
પાઘડી પોલિટિક્સ નેતાઓનું એક ઈમોશન કાર્ડ છે. આ કાર્ડ રમી ઘણા નેતાઓ જનપ્રતિનિધિ બની પણ ગયા છે. ગેનીબહેન ઠાકોર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગેનીબહેને લોકસભા ચૂંટણીમાં આ કાર્ડ ખેલીને ભાજપ ગઢમાં ગાબડું પાડી દીધું હતું. તો પાટણથી લોકસભા લડેલા ચંદનજીએ પણ પાઘડી ઉતારીને ભાજપના ઉમેદવારને જોરદાર ટક્કર આપી હતી. જો કે ચંદનજી જીતી શક્યા ન હતા. દેશમાં આ ઈમોશન કાર્ડ કંઈ નવું નથી. અનેકો ચૂંટણી તેના પર અત્યાર સુધી લડાઈ છે...
હવે સૌથી મહત્વની વાત એ પણ કરી લઈએ કે છેલ્લી પેટા ચૂંટણીમાં લોકસભા સીટ જીતનારી પાર્ટીની હાર થઈ છે.ઉદાહરણ સાથે સમજીએ તો, 2009ની લોકસભા ચૂંટણીમાં બનાકાંઠાથી ભાજપના હરિભાઈ ચૌધરીની કોંગ્રેસના મુકેશ ગઢવી સામે હાર થઈ હતી. ત્યારપછી 2009માં દાંતા વિધાનસભાની પેટા ચૂંટણી આવી જેમાં ભાજપના વસંત ભટોળે કોંગ્રેસના નૂર ઉમતિયાને હાર આપી હતી. 2014માં પાટણથી ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતા. 2014માં ડીસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગોવા રબારીએ ભાજપના લેબજી ઠાકોરને હાર આપી હતી. 2019ની લોકસભામાં બનાસકાંઠાથી ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને હરાવ્યા ત્યારપછી 2019માં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ ચૌધરીને હરાવ્યા હતા. હમણાં જ 2024માં બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ગેનીબહેને ભાજપના રેખા ચૌધરીને હરાવ્યા હતા...
2009માં બનાસકાંઠાથી ભાજપના હરિભાઈ ચૌધરીની કોંગ્રેસના મુકેશ ગઢવી સામે હાર
2009માં દાંતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના વસંત ભટોળની જીત
2014માં પાટણથી ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને હરાવ્યા
2014માં ડીસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગોવા રબારીની જીત
2019માં બનાસકાંઠાથી ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને હરાવ્યા
2019માં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત
2024માં બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ગેનીબહેને ભાજપના રેખા ચૌધરીને હરાવ્યા
હવે વાવની પેટા ચૂંટણી આવી છે ત્યારે ભાજપ જીતે છે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે મુકાબલો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. આમ છેલ્લી ત્રણ ટર્મમાં દાંતા, ડીસા અને થરાદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ વખતે ભાજપ બાજી મારે તો નવાઇ નહીં. જો કે, વાવ બેઠક પર પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે તો આવનારો સમય જ બતાવશે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે