ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરમાં ચોરીથી ચકચાર, આખરે ભેદ ઉકેલાયો, જાણો કેમ થઈ હતી ચોરી?

પુછપરછમાં આરોપીએ છઠ્ઠીબારી પાસે વિશેશ્વરી માતાજીના, ગોસ્વામી સમાજવાડી પાછળ શંકર ભગવાનના મંદિરમાંથી, લાલટેકરી જૈન દેરાસર અને અંજારના ખોડિયાર મંદિરમાંથી ચોરીની કબુલાત આપી, દાહોદનો મદદગારી કરતો અન્ય શખ્સ ફરાર

ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરમાં ચોરીથી ચકચાર, આખરે ભેદ ઉકેલાયો, જાણો કેમ થઈ હતી ચોરી?

ઝી બ્યુરો/કચ્છ: ભુજના આશાપુરા મંદિરમાં દાનપેટીના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. જે ઘટનામાં એ ડિવિઝન પોલીસ અને એલસીબી દ્વારા કરાયેલી તપાસમાં અંતે સફળતા મળી છે, જેમાં દાહોદના શખ્સને ઝડપી લેવાયો છે. પોતાના મોજશોખ માટે નાણા મેળવવા દાહોદના શખ્સે પોતાનો રખડતા -ભટકતા વ્યક્તિ જેવો હાલ બનાવી અલગ અલગ મંદિરોમાંથી ચોરી કરી હતી. પુછપરછમાં તેણે નવ મંદિર ચોરીની કબુલાત આપી છે. 

જાણવા મળતી વિગતો મુજબ એસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી આર.ડી. જાડેજાએ જિલ્લામાં મંદિર ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓ શોધવા સુચના આપી છે. જે અન્વયે પ્રોબેશનર ડીવાયએસપી પાર્થ ચોવટીયા અને પીઆઈ આર. આઈ. સોલંકીના માર્ગદર્શનમાં ડી સ્ટાફ સર્વેલન્સમો હતો. તે દરમ્યાન બાતમીના આધારે દાહોદના આરોપી રામસિંઘ કાળુભાઈ રેવાલાભાઈ પરમારને ઝડપી લેવાયો હતો. 

આરોપીએ મંદિરની દાનપેટી તોડીને રૂપિયાની ચોરી કરીને કબુલાત આપી હતી. તેની પાસેથી પ૬ર૦ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સહ આરોપી તરીકે દાહોદના દિનેશ મંગાભાઈ ભાભોરનું નામ ખુલ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મોટાભાગે રાતના સમયે એકલો પગપાળા રખડતો હતો, અને મંદિરોમાં પ્રવેશ કરીને દાન પેટીમાંથી રૂપિયા ચોરી પોતાના મોજશોખમાં વાપરી નાખ્યા છે.

ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુના નોંધાયેલા છે. ભુજની આશાપુરા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેકટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન આરોપીએ અન્ય નવ મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. મંદિર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવાની કામગીરીમાં એ ડિવિઝન ડી સ્ટાફના જોડાયા હતા. એલસીબી પીઆઈ ટીમે સહયોગ આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news