જામનગરમાં આધાર કાર્ડ કઢાવવા 6-6 મહિનાથી લોકોને હેરાનગતિ, સર્વરમાં સમસ્યા, લોકો પરેશાન
આજના સમયમાં સરકારે દરેક વસ્તુ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દીધા છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પણ આધાર કાર્ડની જરૂર પડે છે. પરંતુ આધાર કાર્ડ કઢાવવામાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ આધાર કાર્ડ.... એક એવો દસ્તાવેજ છે, જે હાલ કોઈપણ સરકારી કામગીરી કરવા માટે સૌથી પહેલાં માગવામાં આવે છે. લોકો પણ બાળકોના જન્મ બાદ તરત જ આધારકાર્ડ કઢાવવા માટે દોડાદોડી કરવા લાગતા હોય છે. ત્યારે જામનગર શહેરમાં આધારકાર્ડ કઢાવવાની કામગીરીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
જામનગર મહાનગર પાલિકાની ICDC શાખા દ્વારા નવજાત બાળકથી લઈ 5 વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે જામનગરના જોલી બંગલો પાસે આવેલા આધાર કાર્ડ સેન્ટર સહિત અનેક સેન્ટરો પર આધારકાર્ડ કઢાવવામાં ધાંધિયા થઈ રહ્યા છે. લોકો પોતાનો કામ ધંધો છોડીને આધારકાર્ડ સેન્ટરો પર પહોંચે છે, પરંતુ આધારકાર્ડ નીકળી નથી રહ્યા...
જામનગર શહેરના આધાર કાર્ડ સેન્ટરો પરથી છેલ્લા 6-6 મહિનાથી બાળકોના આધારકાર્ડ નથી નીકળી રહ્યા. માતા-પિતા પોતાના વ્હાલસોયા બાળકોના આધારકાર્ડ કઢાવવા માટે આવે છે, તો અમુક વાલીઓ પોતાના બાળકોના આધારકાર્ડ કઢાવવા માટે શાળાએથી રજાઓ લઈને આધારકાર્ડ સેન્ટરો પર પહોંચે છે. પરંતુ ટેક્નિકલ એરરના કારણે દરવખતે વાલીઓને ધરમ ધક્કો જ ખાવાનો વારો આવે છે.
બાળકોના આધારકાર્ડ કઢાવવાની કામગીરીમાં કેમ સમસ્યા આવી રહી છે. તેની તપાસ કરવાનો પ્રયાસ ZEE 24 કલાકના સંવાદદાતાએ કર્યો... અમારી પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો કે સરકારના જ એક નિયમના કારણે બાળકોના આધારકાર્ડ નીકળી રહ્યા હતા. જોલી બંગલો પાસેના આધારકાર્ડ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટરે દાવો કર્યો કે તેઓ આધારકાર્ડની એન્ટ્રી માટે તેઓ પહેલાં જે રીતે બાળકોના નામ લખતા હતા. તેની જગ્યાએ નવી રીતથી નામ લખવાનો પરિપત્ર આવ્યો છે. અને આ પરિપત્ર આવ્યા બાદથી બાળકોના આધારકાર્ડ નથી નીકળી રહ્યા...
ICDS વિભાગ અને સરકારના નિયમોના તાલમેલના અભાવે આજે હજારો બાળકો આધારકાર્ડ વગર હેરાન થઈ રહ્યા છે. શૈક્ષણિક કાર્યોમાં પણ આભાકાર્ડ સહિતના દસ્તાવેજ માટે આધારકાર્ડ જરૂરી છે. ત્યારે છેલ્લા 6-6 મહિનાથી બાળકોના આધારકાર્ડ ન નીકળતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે