'મારી બધી બહેનોને જય માતાજી', પરિવારને છેલ્લો વીડિયો મોકલી કોન્ટ્રાક્ટરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત

રાજકોટમાં વ્યાજખોરોને કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા છતાં વ્યાજકોરોના ત્રાસથી એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. 

 'મારી બધી બહેનોને જય માતાજી', પરિવારને છેલ્લો વીડિયો મોકલી કોન્ટ્રાક્ટરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત

દિવ્યેશ જોશી, રાજકોટઃ ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી અત્યાર સુધી અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની વાતો તો કરવામાં આવે છે પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. હવે રાજકોટમાં વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું છે. પોલીસે આ કેસમાં પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે.

રાજકોટના કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો જે બાબતે પોલીસે તપાસ કરતા તેમાં વ્યાજખોરોનો આતંક હોવાનું સામે આવ્યું છે. બનાવમાં પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મૃતકે અગાઉ લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરો તેને હેરાન કરતા હોવાથી તેણે આખરે કંટાળીને મોતને વ્હાલું કરી લીધું. તેની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે 10 વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે સ્યુસાઇડ નોટમાં આશા વ્યક્ત કરી છે કે તેના મોત બાદ પણ તેને ન્યાયતંત્ર ન્યાય અપાવશે. ત્યારે આ અંગે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે 10 વ્યાજખોર સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૃતકે ઘટનાની રાત્રે પરિવારજનોને વોટસએપમાં એક વીડિયો મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું કે મારી બધી બહેનોને જય માતાજી, આ મારો છેલ્લો વીડિયો છે, સુખી રહેજો. આ વીડિયો જોઈ પરિવારજનો અને સગાસંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. જેથી તેઓએ તાત્કાલીક અલ્પેશભાઈને કોલ કરતાં તેઓ રેસકોર્સ હોવાનું જણાવ્યું હતું. તેમનો આ વીડિયો જોતા જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યાં જો કે તે પહેલાં જ અલ્પેશભાઈએ બાલભવનના શૌચાલય નજીક ઝેરી પાવડર ખાઈ લીધો હતો. જેથી તાત્કાલીક તેમને 108 મારફતે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જો કે તેઓએ વહેલી સવારે દમ તોડી દીધો હતો. 

મૃતક પરિણીત છે અને તેના અચાનક મોતથી પરિવારજનોમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે જ્યાં એક તરફ પરિવારમાં આક્રંદનો માહોલ છે ત્યાં બીજી તરફ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા આ ત્તવો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news