ચોંકાવનારી ઘટના: ગરીબોના ઘરના ઘરમાં મોટી ગોલમાલ! મહેસાણામાં 150 લાભાર્થીઓ સાથે થઈ ગયો 'કાંડ'

મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરીમાં કંઈક આવું જ થયું છે. વર્ષ 2018માં નગરપાલિકા દ્વારા 150 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે એડવાન્સ હપ્તા પેટે 30000 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.

ચોંકાવનારી ઘટના: ગરીબોના ઘરના ઘરમાં મોટી ગોલમાલ! મહેસાણામાં 150 લાભાર્થીઓ સાથે થઈ ગયો 'કાંડ'

તેજસ દવે/મહેસાણા: ગરીબોને ઘરનું ઘર મળે તે માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહેસાણામાં લાભર્થીઓ દ્વારા ગોલમાલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મહેસાણામાં 150 લાભાર્થીને 30000 રૂપિયાના એડવાન્સ ચુકવણી કર્યા બાદ 32 લાભાર્થીએ મકાન બનાવવાને બદલે અન્ય જગ્યાએ નાણાં ખર્ચી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. મહેસાણા નગરપાલિકાએ આ 32 લાભાર્થીને વારંવાર મકાનનું કામ કરવાની નોટીસ ઈશ્યુ કર્યા બાદ પણ બાંધકામ ન કરતા આખરે નગરપાલિકાએ આ લાભાર્થીઓ સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે. 

આમ તો કોઈ પણ સરકારી યોજનામાં જો થોડો ઘણો વિલંબ થાય તો તંત્ર સામે માછલાં ધોવામાં આવે છે. પણ જો કોઈ લાભાર્થી સરકારી યોજના ના પૈસા લઈને એ પૈસા જે કામ માટે લેવામાં આવ્યા હોય તેને બદલે બીજે ખર્ચી નાખે તો. મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરીમાં કંઈક આવું જ થયું છે. વર્ષ 2018માં નગરપાલિકા દ્વારા 150 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે એડવાન્સ હપ્તા પેટે 30000 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. પણ વર્ષ 2018 થી અત્યાર સુધી 32 લાભાર્થી એવા નીકળ્યા કે જેમણે ઘર બનાવવાને બદલે આ પૈસા અન્ય જગ્યાએ ખર્ચી નાખ્યા.

નગરપાલિકા તંત્ર દ્વારા આ પરિવારો ને મકાન બનાવવા અનેક વખત નોટિસ ઈશ્યુ કરવામાં આવી. પણ આ પરિવારોએ મકાન ન જ બનાવ્યા તે ન જ બનાવ્યા. આખરે આ મામલે સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો અને ઉચ્ચ સ્તરે થી આ તમામ પરિવાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી. આ સૂચના અન્વયે નગરપાલીકા દ્વારા 32 લાભાર્થી સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે લાભાર્થીનું લિસ્ટ સુપરત કરવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારી નિયમ મુજબ લાભાર્થી નક્કી થયા બાદ સરકારી નિયમ મુજબ લાભાર્થીના ખાતામાં જ સીધા નાણાં જમા કરાવવામાં આવે છે. આ યોજના ના નિયમ મુજબ લાભાર્થી મકાન બનાવવાની તૈયારી કરી શકે તે માટે એડવાન્સ હપ્તા પેટે 30000 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. મહેસાણામાં વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કુલ 1134 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી 150 લાભાર્થીઓ નિયત સમયમાં હપ્તો મળ્યા બાદ મકાનનું બાંધકામ શરૂ કર્યું ન હતું. જેથી નગરપાલિકાએ આ તમામ લાભાર્થીને નોટિસ ઈશ્યુ કરી હતી.

નોટિસ ઈશ્યુ થયા બાદ 150 પૈકી 118 લાભાર્થી એ મકાન બનાવી દીધા હતા. પરંતુ 32 લાભાર્થીએ મકાન નહીં બનાવતા કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ 32 માંથી 2 લાભાર્થી એ પૈસા પરત કર્યા અને 30 લાભાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માહિતી પાલિકા તંત્ર ધ્વારા આપવામાં આવી.

સરકારી યોજના અંતર્ગત મકાન બનાવવા માટે નાણાં મેળવી મકાન કેમ ન બનાવ્યું તે પણ એક તપાસ નો વિષય છે. જો કે નોટિસ નો પણ આ પરિવારો દ્વારા કોઈ ખુલાસો અત્યાર સુધી કરવામાં આવ્યો નથી. ત્યારે મકાન નહીં બનવા પાછળ ના અસલી કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. જો કે હાલમાં તો આ 30 લાભાર્થી સરકારી સહાય લઈને અન્ય જગ્યાએ ખર્ચ કરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news