72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવ્યું! આરોપીઓને દબોચી લેવાયા, તપાસમાં ખુલાસો
ત્રણ આરોપીઓ સાથે રૂપિયા લૂંટમાં ગયેલા 68.03 લાખ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો, ગુનામાં સામેલ રાહિદે જ લૂંટની ટીપ્સ આપી હોવાનો ખુલાસો, નાણાં રાખનાર ઈસમો સુધી પોલીસ પહોંચી મુખ્ય સૂત્રધાર આરોપી હજી પણ ફરાર.
Trending Photos
નચિકેત મહેતા/ખેડા: ખેડા નજીકના અમદાવાદ-મુંબઈ હાઈવે પર 20 જાન્યુઆરીની સાંજે 1 કરોડ રોકડની લૂંટની ઘટના બની હતી. પોલીસે સીસીટીવીની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી આ સમગ્ર ઘટનાનું પગેરુ મેળવી આરોપીઓને દબોચી લેવાયા છે. પોલીસે માત્ર 72 કલાકમાં જ લૂંટના ગુનાનું પગેરું મેળવ્યું છે.
જેમાં રૂપિયા રાખનાર ધોળકાના બે ઈસમો અને લૂંટની ટીપ્સ આપનાર મળી ત્રણની ધરપકડ કરાઈ છે. સાથે સાથે આ લૂંટમાં ગયેલા રૂપિયા 1 કરોડ પૈકી રૂપિયા 68.03 લાખ અને કાર સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ગુનામાં સામેલ રાહિદે જ લૂંટની ટીપ્સ આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઉપરાંત તેની સાથે મળી અરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો છે. જોકે લૂંટને અંજામ આપનાર લૂંટારુ ટોળકી સુધી પોલીસ પહોંચી નથી માત્ર આ લૂંટના મુદ્દામાલ રાખનાર ઈસમો સુધી પોલીસ પહોંચી છે.
20મી જાન્યુઆરીના રોજ સાંજે ખેડા પાસેના અમદાવાદ-મુંબઈ હાઈવે પર બેટડીલાટના બ્રીજ પાસે લૂંટની ઘટના બની હતી. ઈકો કારે રીક્ષાને આંતરી રીક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી રીક્ષામાં રાખેલ રૂપિયા 1 કરોડ રોકડ રૂપિયાનો થેલો આ કારમાં આવેલા લોકો લઈ ગયા હતા. આ મામલે રીક્ષા ચાલક હસમુખભાઈ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે એફએસએલ અને અન્ય રીતે ગુનાનો પગેરું મેળવવા તપાસ શરુ કરી હતી. બનાવના 72 કલાકમાં જ પોલીસે આ કેસને ઉકેલી દીધો છે પોલીસે સીસીટીવીની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી ઈકો કારને ટ્રેસ કરી તેના માલિક સુધી પહોંચ્યા હતા.
ખેડા પોલીસે ગત રાત્રે પોલીસે ધોળકા-રઢુ હાઈવે પરથી આ લૂંટને અંજામ આપનાર ત્રણ ઈસમોને દબોચી લીધા છે. જેમાં મુજીબહુસેન મકબુલહુસેન મલેક (ઉ.વ.22 રહે. ધોળકા, ચાચાની હવેલી તા.ધોળકા જી.અમદાવાદ) (મુખ્ય આરોપીનો સગો ભાઇ લુંટનો મુદ્દામાલ રાખનાર), ઇલ્યાસભાઇ સાબીરભાઇ મન્સુરી (ઉ.વ.40 રહે.ધોળકા, લોધીના લીંમડા પાસે ડમારવાડ તા.ધોળકા, જી.અમદાવાદ) (લુંટ કરનાર આરોપીનો સગો ભાઈ લુંટનો મુદ્દામાલ રાખનાર) અને રાહીદમીયા રીયાઝમીયા સૈયદ (ઉ.વ.35 રહે. ધોળકા, મુનશીનો ડેલો પરમારવાડા તા.ધોળકા, જી.અમદાવાદ) (ગુનાની ટીપ્સ આપનાર) આમ પોલીસે આ ગુનામાં આ ત્રણની અટકાયત સાથે લૂંટમાં ગયેલા 1 કરોડ રોકડ પૈકી રૂપિયા 68 લાખ 3 હજાર રિકવર કર્યા છે.
આ સાથે સાથે આ ગુન્હા માં સામેલ અન્ય આરોપી જે ફરાર છે તેના નામ પણ સામે આવ્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર મુબસ્સીરહુશેન ઉર્ફે રાજા મકબુલહુસેન મલેક (રહે. ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ), શાહીદ ઉર્ફે હૈદો સાબીરભાઇ મન્સુરી (રહે. ધોળકા, લકી ગેરેજ તા.ધોળકા જી.અમદાવાદ), નિયામત ઉર્ફે ભુરો મહેલજ બશીરમીયા મલેક (રહે. ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ), સુજાનબાનુ રાહીદમીયા રીયાઝમીયા સૈયદ (રહે.ધોળકા, અમનપાર્ક તા.ધોળકા જી.અમદાવાદ) અને અન્ય એક ઇસમનો સમાવેશ થાય છે.પોલીસે લૂંટના ગુનામાં વપરાયેલી ઈકો કાર (GJ 13 CD 2555), મોટરસાયકલ, મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા છે અને આ લૂંટને અંજામ આપનાર ફરાર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ તો નું છે કે આ લુપના આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર આરોપી મુબસ્સીરહુશેન ઉર્ફે રાજા મકબુલહુસેન મલેક વિરુદ્ધ અગાઉ જુદાજુદા પોલીસ મથકે 11 ગુનાઓ નોંધાયેલા છે, તો શાહિદ ઉર્ફે હૈદો સામે અગાઉ ત્રણ અને નિયામત ઉર્ફે ભુરો સામે ત્રણ ગુનાઓ નોધાયેલા છે. આમ આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે પકડાયેલા ઈસમોની વાત કરીએ તો મુજીબહુસેન મકબુલહુસેન મલેક સામે અગાઉ વિવિધ કલમ હેઠળ ગુનાઓ નોધાયા છે. જ્યારે ઇલ્યાસભાઇ સાબીરભાઇ મન્સુરી પશુ ચોરીના ગુનાઓ આચરેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ હજી મુખ્યસૂત્રધાર આરોપી સુધી પહોંચી નથી એટલે લૂટનું કારણ અસ્પષ્ટ છે. પરંતુ આ કેસમાં પહેલેથી જ સામેલ ટિપ્સ આપનાર રાહીદમીયા રીયાઝમીયા સૈયદની પુછપરછમાં વધુ માહિતી બહાર આવી શકે છે. પોલીસે આ તમામના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ કેસમાં ફરિયાદી જે છે તે રીક્ષા ચાલક છે અને તેના મિત્ર મેહુલભાઈના નાણાં લેવા નડિયાદ આવ્યા હતા. આ મેહુલભાઈના મિત્ર રાહીદ કે જે ધોળકાના છે તેમના નામનું એક્સિસ બેન્કમાં એકાઉન્ટ હતું. જ્યાથી રૂપિયા એક કરોડ લઈને આ રીક્ષા ચાલક અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ખેડા ટાઉન પોલીસની હદમાં આવેલ હાઇવે પર એક ઇકો કાર આંતરિ ઊભી રહી હતી. અને ઇકો કારમાંથી ઉતરેલા શખ્સોએ રીક્ષા ચાલક સાથે ગાળા ગળી કરી મારામારી કરી આ રોકડ રૂપિયા લઈને શખ્સો પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનાની ગંભીરતા લઈને આઠ જેટલી ટીમો કાર્યરત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આ ટીપ્સ આપનાર રાહદ સૈયદ છે તેને ઝડપી લેવયો છે તેણે મેહુલ જે વ્યાપાર કરે છે તેનું એકાઉન્ટ ખોલાવેલ હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે. હાલ આ ટિપ્સ આપનાર રાહિદની કડક પુછપરછ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે