કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને BJP આપશે વિધાનસભાની ટિકિટ

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને BJP આપશે વિધાનસભાની ટિકિટ

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. હવે, તેમણે ખાલી કરેલી વિધાનસભાની બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં ભાજપે તેમને જ તેમના વિસ્તારમાંથી ટિકિટ આપીને ચૂંટણી લડાવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસમાંથી આશાબેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. 

લોકસભા ચૂંટણી 2019ની સાથે જ ભારતીય ચૂંટણી પંચે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ બેઠકો પર લોકસભા ચૂંટણીની સાથે જ 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. 

ભાજપના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઊંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા આશાબેન પટેલને ભાજપ તેમના જ વિસ્તારમાંથી ફરીથી વિધાનસભા ચૂંટણી લડાવશે. એ જ રીતે જવાહર ચાવડાને તેમની માણાવદર બેઠક, પરસોત્તમ સાબરિયાને ધાંગધ્રા બેઠક અને વલ્લભ ધારવિયાને જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પરથી ચૂંટણીની ટિકિટ આપવાનું ભાજપે નક્કી કર્યું છે. આ ધારાસભ્યો જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ભાજપે તેમને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. 

જામનગર ગ્રામ્યની બેઠક પર પરસોત્તમ સાબરિયા સામે સ્થાનિક ભાજપમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે, તેમ છતાં પાર્ટીએ તેમને જ ટિકિટ આપવાનું મન બનાવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ ધારાસભ્યોમાંથી જવાહર ચાવડાને તે કેબિનેટ મંત્રી પણ બનાવી દેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news