ગુજરાતના એક શહેરમાં મૂકાયો છે આ સોનાનો પથ્થર, જાહેરમાં મૂકાયો હોવા છતા કોઈ ચોરતું નથી
The Golden Stone : ભરૂચમાં આવેલી લાલ બજારમાં એક એવી જગ્યા છે જ્યાં રસ્તા પર સોનાનો પથ્થર પડેલો છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે
Trending Photos
Gujarat Tourism : સામાન્ય રીતે સોનું જાહેરમાં જોવા મળતું નથી, તેમાં પણ રસ્તે રઝળતું સોનું હોય તેવું તો કોઈ વિચારી પણ ન શકે. સોનું એ કિંમતી ઘરેણું છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં જાહેરમાં સોનાનો પથ્થર મૂકાયો છે, અને કોઈ તેને ચોરી કરવાની હિંમત પણ નથી કરતું. આ સોનું ન તો સિક્યુરિટીમાં મૂકાયું છે, ન તો પેક કરેલું છે. ગુજરાતના ભરૂચ શહેરમાં એક સોનાનો પથ્થર જાહેરમાં મૂકાયો છે. હકીકતમાં આ પથ્થર ભરૂચ શહેરની આન બાન અને શાન ગણાય છે. આ સોનાનો પથ્થર ભરૂચના જોવાલાયક સ્થળોમાંથી એક છે. લોકો દૂર દૂરથી આ સોનાનો પથ્થર જોવા આવે છે.
તમને નવાઈ લાગશે કે આ સોનાના પથ્થર માટે કાયદાકીય લડત લડાઈ છે. આ પથ્થરે ભરૂચમાં ઐતિહાસિક સ્થાન મેળવ્યું છે. પહેલા તો તમને જણાવી દઈએ કે, આ પથ્થર માટે લગભગ દોઢસો વર્ષ પહેલા કાયદાકીય લડત લડાઈ હતી. ગુજરાતમાં આવેલા ભરૂચમાં આવેલી લાલ બજારમાં એક એવી જગ્યા છે જ્યાં રસ્તા પર સોનાનો પથ્થર પડેલો છે. પણ આ સોનાનો પથ્થર આ રીતે રસ્તા પર શા માટે પડ્યો છે તેને કોણે મુક્યો હશે પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે છે. તો જાણીએ તેની કહાની.
સોનાના પથ્થરની કહાની
આ પથ્થર હવેલી બચાવવા માટે મૂકવામાં આવ્યો હતો. તે આજે પણ અહી અડીખમ છે. વાત અંગ્રેજોના સમયની છે. ઇતિહાસ એવો છે કે ભરૂચમાં રહેતા દેસાઈજીના ઘર નજીક ઈસ 1870માં ચુનારવાડથી જૂના બજાર સુધી નગરપાલિકાએ રસ્તો તૈયાર કર્યો હતો. આ રસ્તો દેસાઇજીની હવેલી સુધી આવ્યો હતો. પરંતુ રસ્તો બનાવ્યા બાદ ત્યાં હવેલીના ખૂણાના ભાગને વાહનોની અવરજવરના કારણે નુકસાન થઈ શકે તેમ લગાતા દેસાઈજીએ હવેલીના ખૂણામાં એક મોટો પથ્થર મૂક્યો હતો. પરંતુ તે સમયે પાલિકાને લાગ્યું કે, આ પથ્થર નડતરરૂપ છે. જેનાથી નગરપાલિકાએ દેસાઈજીની હવેલીમાં રહેતા લોકોને નોટિસ આપી. પરંતુ તેમણે આ પથ્થર હટાવવાની ના પાડી હતી.
આ બાદ પથ્થર મટે ભરૂચની કોર્ટમાં કેસ ચાલ્યો. પણ હવેલીવાળા કેસ હારી ગયા. તેથી તેઓ આ કેસ બ્રિટિશ પ્રિવી કાઉન્સિલ સુધી લઈ ગયા. ઈ.સ. 1875 માં આ કાયદાકીય લડત શરૂ થઈ હતી, જે 1895 સુધી ચાલી હતી. 20 વર્ષ બાદ આખરે હવેલીવાળા કેસ જીત્યા હતા. પથ્થર જ્યાં છે ત્યા જ રાખવા માટે હુકમ કરાયો હતો.
જાણકારોના મત મુજબ દેસાઈની હવેલીના ખૂણા પર ઊભેલો આ પથ્થર, હવેલી ભલે તૂટી ગઈ પણ હવેલી બચાવવા માટે રાખેલો આ પથ્થર આજે પણ ઊભો છે. આ પથ્થર દેસાઈની હવેલીમાં રહેતા લોકોએ આપેલી લડતનો સાક્ષી પુરે છે. તેથી આ પથ્થર સોનાનો પથ્થર કહેવાય છે. ભલે તેના પર સોના જેવો રંગ ચઢાવ્યો હોય, પરંતુ તે સોનાનો નથી તે તેની અસલી ખાસિયત છે.
તેને સોનાનો પથ્થર એટલા માટે કહેવાય છે, કારણ કે, સોનાનો પથ્થર બનાવવામાં જેટલો ખર્ચ આવે તેટલો ખર્ચ દેસાઈજની હવેલી અને ભરૂચ પાલિકાના લોકોએ તેની કાયદાકીય લડત માટે કર્યો હતો. આ પથ્થર આજે ભરૂચનો ગોલ્ડન સ્ટોન બની ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે