ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ : રત્નાકરે મોરચો સંભાળ્યો, પૂર્વમંત્રી પ્રભારી

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે વર્ચસ્વનો સવાલ બની છે. વાવ વિધાનસભા સીટ જીતવા માટે બંને પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 
 

ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ : રત્નાકરે મોરચો સંભાળ્યો, પૂર્વમંત્રી પ્રભારી

બનાસકાંઠાઃ 30 વર્ષના ભાજપના શાસન વચ્ચે ગુજરાતની જાહેર થયેલી એક માત્ર વાવ બેઠકની પેટા ચૂંટણી એ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી માટે પણ લિટમસ ટેસ્ટ બની રહેશે. ગેનીબેન ઠાકોરની જીતે બનાસકાંઠાના ભાજપના દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દી સામે સવાલ ઉભા કરી દીધા છે. વાવ વિધાનસભા બેઠક ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. 1967થી 2017 સુધીમાં યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં 7 વાર કોંગ્રેસનો, 2 વાર ભાજપનો, જ્યારે અપક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનતાદળનો એક-એકવાર વિજય થયો છે. 2022ની જેમ પેટા ચૂંટણીમાં પણ ત્રિપાંખિયો જંગ ખેલાય તો નવાઈ નહીં. ભાજપ માટે એક સારી બાબત છે કે વાવની બેઠક પરથી લોકસભામાં ભાજપને સરસાઈ મળી હતી. ભાજપના નેતાઓ હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રવાસે છે પણ સંગઠને વાવ જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના મહામંત્રી રત્નાકરે ખાનગીમાં બેઠકો કરીને મોરચો સંભાળી લીધો છે. ભાજપ તડજોડની નીતિ અપનાવીને પણ વાવ પર કોંગ્રેસને પાણી લાવી દેશે એ નક્કી છે.  

વાવ વિધાનસભા બેઠક (બનાસકાંઠા)
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ અહીં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો મુખ્ય છે. એટલે આ બે સમાજ જેને સમર્થન આપે તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે. વાવ એ સામાન્ય વર્ગની બેઠક છે. જેમાં ગેનીબેન ઠાકોરનો દબદબો છ. એકવાર અહીંથી શંકર ચૌધરી પણ વિજેતા બન્યા છે. બનાસ ડેરીનું સુકાન ધરાવતા ચૌધરીએ લોકસભાની બનાસકાંઠા બેઠક પર જીતનો દાવો કરી ભારે ધમપછાડા કર્યા હતા પણ તેઓ ગેનીબેન ઠાકોરને હરાવવામાં સફળ રહ્યાં ન હતા. વાવની આ બેઠક પરની ચૂંટણીમાં ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચેની લડાઈ જોવા મળે તો નવાઈ નહીં.  ભાજપે શંકર ચૌધરીને એક્ટિવ થઈ જવાનો ઈશારો કર્યો છે. શંકર ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ હોવાથી સક્રિયપણે મેદાને નહીં આવે પણ એમનો રોલ વાવની બેઠક પર મોટો રહેશે. 

આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારો મેદાને છે. વાવ બેઠક માટે ગેનીબેન પહેલાંથી ખુલાસો કરી ચૂક્યા છેકે આ ચૂંટણીમાં ઠાકોર સમાજે મદદ કરવાની રહેશે એમને ટીકિટ મળે તેવી સંભાવના ઓછી છે. આ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ ગેનીબેન અને ભાજપ વચ્ચે છે. 
 
2017ની ચૂંટણીમાં રસાકસી
2012માં વિજેતા બન્યા બાદ શંકર ચૌધરી આ બેઠક પરથી ફરી જીતના સપનાં જોઈ રહ્યાં હતા પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ગેનીબેને અહીં એમને ધોબીપછાડ આપી હતી. આ વિસ્તારમાં ગેનીબેનની છબી લોકપ્રિય નેતાની છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત દર્જ કરાવી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી.

‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર  
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના સાંસદ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ગેનીબેન ઠાકોર સમાજના અગ્રણી નેતા ગણાય છે. એમને લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા પરથી જીત મેળવીને ભાજપનું હેટ્રીક ફટકારવાનું સપનું રોળી દીધું હતું. 

કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવીએ  પ્રતિષ્ઠાનો સવાલ છે. લોકસભાની ચૂંટણીને હજુ ત્રણેક મહિના થયા છે, ત્યારે વાવ મત વિસ્તારના મતદારોને ફરી એક વાર જનપ્રતિનિધી ચૂંટવાની તક મળી છે.  કોંગ્રેસે પણ વાવ બેઠક પર મજબૂત-સક્ષમ ઉમેદવાર ઉતારવા તૈયારીઓ આદરી છે. પૂર્વ ધારાસભ્ય  ગુલાબસિંહ રાજપૂત, કે.પી. ગઢવી, ઠાકરશી રબારી , સ્વરુપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ સહિતના દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. વાવ વિધાનસભા બેઠક પર સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ જોતાં અહીં ખૂબ જ રોમાંચક હરીફાઈ થવાની છે. ગુજરાતમાં ભલે એક બેઠકની પેટાચૂંટણી છે પણ આ બેઠક પર રસાકસી રહેશે એ ફાયનલ છે.

ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર સિવાય શૈલેષ ચૌધરી પણ દાવેદાર છે. શૈલેષ ચૌધરી 2007 વિધાનસભા બેઠક પર વિજેતા ઉમેદવાર પરબત પટેલના પુત્ર છે અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. તેમનું ચૌધરી સમાજમાં મોટું નામ છે. વાવ બેઠક પર ઠાકોર બાદ બીજા નંબર પર ચૌધરી સમાજ આવે છે એટલે વાવ બેઠક માટે શૈલેષ ચૌધરીના નામની ચર્ચા પણ થઈ રહી છે. વાવમાં ભાજપે અર્જુનસિંહ ચૌહાણને મોટી જવાબદારી આપતા તેમને પ્રભારી તરીકે જાહેરાત કરી છે. અર્જુનસિંહ ચૌહાણની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહેમદાવાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news