ગુજરાતી વિદ્યાર્થીઓની સરકારી નોકરીના સપના પૂરા કરતા અનોખા શિક્ષક
Banaskantha New : બનાસકાંઠાના એક ખેડૂત પોતે GPSC પાસ કરીને સરકારી અધિકારી ન બની શક્યા, તો તેમણે હજારો વિદ્યાર્થીઓનું સરકારી નોકરીનું સપનુ સાકાર કર્યું
Trending Photos
Farmer Teacher અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના નાનકડા ગામના ખેડૂતે GPSC ની પરીક્ષા તો ત્રણ વાર પાસ કરી પરંતુ તેઓની નોકરી ના લાગતા તેમને ખેતીની સાથે સાથે પોતાના ઘરે જ ક્લાસીસ શરૂ કર્યા અને એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને પધ્ધતિસર ભણાવીને નોકરીએ લગાડ્યા. કોણ છે આ ખેડૂત શિક્ષક જોઈએ.
GPSC ક્લિયર ન કરી શક્યા જિતેન્દ્રકુમાર
ઋતિક રોશનની એક ફિલ્મ આવી હતી સુપર 30, જેમાં ઋતિક રોશને આનંદ કુમાર નામના શિક્ષકનો રોલ ભજવ્યો હતો. સુપર 30 ફિલ્મમાં આનંદ કુમાર કોઈપણ પ્રકારની સુવિધાઓ વિના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી તૈયારીઓ કરાવે છે અને વિદ્યાર્થીઓ સફળ થાય છે. તેવી જ કહાની છે બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામના જિતેન્દ્રકુમાર મગનાજી ટાંકની. અત્યારના આધુનિક યુગમાં લોકો ભણી ગણીને સારી એવી સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી સારી નોકરી મેળવી રહ્યા છે. પરંતુ એવા અનેક લોકો છે જેવો ખૂબ જ મહેનત કરવા છતાં સારી સરકારી પોસ્ટ હાંસિલ કરી શક્તા નથી. પરંતુ અન્ય લોકો સારી સરકારી નોકરીની પોસ્ટ હાંસિલ કરી શકે તે માટે અનેક લોકોની મદદરૂપ પણ બનતા હોય છે. ડીસાના માલગઢ ગામના જીતેન્દ્રકુમાર ટાંક પણ GPSC ની વર્ગ 1/2ની લેખિત પરીક્ષા 3 વાર પાસ કરવા છતાં પણ તેઓ મૌખિક પરીક્ષા પાસ ના કરી શકતા તેમનું સિલેક્શન ના થયું. તેથી તેઓએ અન્ય લોકો સારી રીતે સરકારી નોકરીની તૈયારી કરી સારી પોસ્ટ મેળવે તે માટે મદદરૂપ થઈ રહ્યા છે. અને અત્યાર સુધી એક હજાર જેટલાં દીકરા દીકરીઓ તેમના માર્ગદર્શન હેઠળ સારી એવી નોકરી પણ મેળવી ચૂક્યા છે.
આ અનોખા શિક્ષકની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના જોધપુરયા ઢાણી ખાતે રહેતા જીતેન્દ્રકુમાર મગનાજી ટાંકની ઉંમર 49 વર્ષ છે. તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. તેમના પાસે 1 વિઘા જમીન છે.અને તેમના પરિવારમાં 5 સભ્યો છે. તેમને નાનપણથી વાંચવા લખવાનો ખુબજ શોખ હતો. 1984માં તેમના પિતાની પ્રેરણા લઈ પુસ્તકો વાંચવાની અને લખવાની શરૂઆત કરી. જીતેન્દ્રકુમાર ટાંક ધોરણ 10માં પ્રથમ નંબર મેળવ્યો. તે બાદ ધોરણ 12માં તેમને 55 ટકા આવ્યા. અને કોલેજના ત્રણ વર્ષમાં પ્રથમ નંબર મેળવ્યો. બાદમાં બીએમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. કોલેજમાં તેઓએ અર્થશાસ્ત્ર કર્યું. અંગ્રેજી ઓછું આવડતું હોવાથી ટ્યૂશન ક્લાસ લેવાના શરૂ કર્યાં. વિદ્યાર્થીઓને ગમ્મત સાથે અંગ્રેજી શીખવાડવા લાગ્યા અને પોતે પણ જાતે અંગ્રેજી શીખ્યા. આ રીતે તેમણે અત્યાર સુધી તેઓએ 5000 બાળકોને અંગ્રેજી શીખવાડ્યું છે.
જોકે, તેમનું સપનુ ટ્યુશન ક્લાસ ન હતું, કંઈક બીજું જ હતું. જીતેન્દ્રકુમાર ટાંકે જી.પી.એસ.સી વર્ગ 1/2 પરીક્ષા ત્રણ વાર પાસ કરી. પરંતુ તેઓનું સિલેક્શન ન થયું. પરંતુ અહી તેઓ હિંમત ન હાર્યા. અન્યોના દીકરા દીકરીઓ સારી સરકારી નોકરી મેળવી શકે અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે ઉદ્દેશથી વર્ષ 2010 માં ઘરે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કર્યાં. જેમાં અનેક દીકરા દીકરીઓને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ આપવાનું શરૂ કર્યું.
આજે 1000 કરતા વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ સારી એવી સરકારી નોકરી મેળવી સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે. જીતેન્દ્રકુમાર ખેડૂતની સાથે કવિ અને લેખક પણ છે. તેમજ કવિ જીમ તરીકે ઓળખાય છે. તેમના ઘરે મીની લાઇબ્રેરી બનાવી છે. જેમાં 3000 કરતા વધુ પુસ્તકો પણ તેમના પાસે છે. તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. સાથે અનેક વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા પણ આપે છે. જીતેન્દ્રકુમાર ટાંકે અનેક આર્ટિકલ લખ્યા છે. અને આરતી, શ્રુતિ, ભજન ,અષ્ટક જેવા લેખ અનેક વાર છપાયા પણ છે. તેમજ તેમના આર્ટિકલ ભારત સિવાય અન્ય 12 દેશોમાં પણ પ્રસિદ્ધ થયા છે.
ખેડૂત શિક્ષક એવા જીતેન્દ્રકુમાર ટાંક કહે છે કે, મેં ત્રણ વખત GPSC પાસ કરી પણ નોકરી ન મળી તો મેં નિર્ણય કર્યો કે હું અન્ય લોકોને ભણાવીને તેમને કાબીલ બનાવીશ. જીતેન્દ્રકુમાર નામના ખેડૂત પોતાના ઘરે જ નજીવી ફી માં ટ્યુશન ક્લાસીસ્ ચલાવે છે કોઈપણ સુવિધા વિના માત્ર પતરા અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે સાથે gpsc ને લગતા તમામ વિષય પણ જીતેન્દ્રકુમાર ભણાવે છે અને વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્રકુમાર પાસે ભણવા ઉમટી પડે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઈબ્રેરી માંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યાં છે.
તેમના વિદ્યાર્થીઓ કહે છે કે, હું બારમાં ધોરણમાં અભ્યાસ કરું છું હું અહી અંગ્રેજી શીખવા આવું છું અહીં મને અન્ય વિષયો અને સમાજ ઘડતરનું જ્ઞાન મળી રહે છે. તો અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, મેં ધોરણ 12ની પરીક્ષા આપી છે મને અહીંથી તમામ વિષયોનું IMP મળ્યું હતું. હું હાલ અહીં અભ્યાસ માટે આવું છું. અહીં ખુબજ સરસ રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જીતેન્દ્ર સરના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી છે અહીં વિદ્યાર્થીઓને સરકારી નોકરી લક્ષમાં રાખીને અભ્યાસ કરાવાય છે.
જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું પરંતુ તેમનું સપનું પૂરું ન થતા તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે. જેને લઈને આ શિક્ષક આ વિસ્તારમાં ખુબજ પ્રસિદ્ધ થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે