હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Vadodara Boatkand : વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના 1 વર્ષને 21 દિવસ બાદ હરણીકાંડના મૃતકો માટે સહાય જાહેર... વડોદરા કલેક્ટર દ્વારા સહાયની કરવામાં આવી જાહેરાત... હરણી બોટકાંડના મૃતક બાળકો અને શિક્ષકો માટે વળતર જાહેર કરાયું
Trending Photos
Vadodara News : 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે? દેશ જ્યારે રામના રંગમાં રંગાયો હતો ત્યારે વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને 2 શિક્ષકના મોતથી માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાને ગત મહિને એક વર્ષ વીતી ગયું છે, ત્યારે એક વર્ષ બાદ હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. એક વર્ષથી ન્યાય ઝંખી રહેલા પરિવારજનોને આખરે તંત્રએ વળતર જાહેર કર્યું છે.
વડોદરામાં ગત વર્ષે બનેલા હરણી બોટકાંડના બનાવ બાદ વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. એટલે કે, પ્રત્યેક બાળ મૃતકના પરિવારજનને 31,75,700 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 નું વળતર જાહેર કરાયું છે. મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું વળતર જાહેર કરાયું છે. આ ઉપરાંત બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે. આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
કોને કેટલું વળતર
- 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયા
- મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 રૂપિયા
- મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 રૂપિયા
- બે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા
હરણી બોટ દુર્ઘટના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક આરોપી ધર્મિન ભટાણી પણ છે જેની બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે