સળગતો સવાલ : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તો બીજા પરના કેમ નહિ?
Patidar Anamat Andolan : પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતાઓ પર થયેલા કેસ પરત ખેંચાયાનો દાવો.. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો માન્યો આભાર.. કહ્યું, રાજદ્રોહના કેસ પરત ખેંચાયા..
Trending Photos
Patidar Anamat Andolan : પાટીદાર અનામત આંદોલન દરમિયા થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચાયાનો દાવો કરાયો છે. ત્યારે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયાએ સરકારનો આભાર માન્યો. આજ સાંજ સુધીમાં આ મામલે જાહેરાત થઈ શકે છે. પરંતું આ દાવાથી ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. જો પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાય તો ગુજરાતમાં અન્ય કેસ પણ પરત ખેંચાય તેવી માંગ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના ગંભીર કેસો પાછા ખેંચવા બદલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ, આદિવાસી, ઓબીસી સહિત તમામ સમાજ અને ખેડૂતો તથા રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના ગંભીર કેસો પાછા ખેંચવાની માંગ કરી છે. તેમજ પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનોના કેસ પરત ખેંચાવવા જોઈએ તેવી અપીલ સરકારને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરાઈ છે.
તમામ આંદોલનને કેસ પરત ખેંચે સરકાર - અલ્પેશ ઠાકોર
પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનોના કેસ પરત ખેંચાવવા જોઈએ તેવી અપીલ સરકારને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરાઈ છે. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનના કેસો પાછા ખેંચવાના સંદર્ભમાં સરકારનો આભાર માનવામાં આવ્યો. જોકે ઓબીસી આંદોલન આદિવાસી આંદોલન સહિતના આંદોલન વખતેના પણ કહેશો પાછા ખેંચવા જોઈએ તેવી માંગણી કરી.
પોલીસે ઘરમાં ઘૂસીને યુવકોને ઉઠાવ્યા હતા એ કેસનું શું?
પાટીદાર આંદોલન સમયે પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે, આ મામલે સરકાર દ્વારા કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, જેમાં એક પ્રક્રિયા છે. જેમાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જાણ કરી પ્રક્રિયા કરવાની રહે છે. સરકારનો આ નીતિ વિષયક નિર્ણય છે. રાજદ્રોહનો કેસ તો કોર્ટે કાઢી જ નાંખ્યા છે. જોકે જે સુરત સહિતના કેસ હતા એ હવે પરત ખેંચી લેવામાં આવી રહ્યા છે. આજ કેસો નહિ, પરંતુ તમામ કેસ જેમાં નિર્દોષ યુવાઓ સામે કેસ થયેલા છે. પરંતું ઘરે હોઈ અને પોલીસે ઘરમાં ઘુસીને કેસ કરેલા છે એ યુવકો સામેના કેસનું શું. માત્ર હાર્દિક પટેલ કે અન્ય ગણતરીના યુવાનો સામે ના કેસ નહિ પણ અન્ય 12 થી વધુ કેસ છે, જે યુવાઓ સામે છે એ તમામ કેસ પણ પાછા ખેંચી લેવા જોઈએ.
પાટીદાર યુવકોના બીજા કેસ પણ પરત ખેંચાય - મુકેશ પટેલ
ઊંઝા ઉમિયા ધામના સહ મંત્રી મુકેશ પટેલે પાટીદારો પરના કેસ પરત ખેંચવા અંગે સરકાર અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ પાટીદાર યુવાનો પરના બીજા કેસો પણ પરત ખેંચાય તેવી માંગણી કરી છે. તેમણે કહ્યું કે, અનામત આંદોલન દરમિયાન થયેલા અન્ય કેસો પણ પરત ખેંચવામાં આવે.
સરકાર જાહેરાત કરે - ધારાસભ્ય કિરીટ પટેલ
કેસ પરત ખેંચેવાની જાહેરાત બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ જાહેરાત સરકાર દ્વારા કરાવવી જોઈએ. હાલ ઓફિશિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા થઇ નથી. દસ વર્ષ થવા આવ્યા છે ત્યારે કેટલાક કેસ પાછા ખેંચાયા છે. મારા સામે તેમજ પાટીદાર યુવાનો સામે ઘણા કેસ છે અને હજુ કેસ ચાલી રહ્યા છે પાછા ખેંચવાને બદલે અમારા સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરી છે તે કોર્ટે રદ કરી છે. હજુ પણ ઘણા બધા કેસ ચાલુ છે પણ કેસ પાછા ખેંચ્યા હોય તો ક્રેડિટ લેવા જેવી બાબત છે. પણ જો કેસ પાછા ખેંચવાની વાત દિનેશ બાંભણીયા કરી રહ્યા છે તો તે પુરાવા સાથે પ્રેસ કરી જાહેર કરે. પણ હાલ હું આ બાબતે સહમત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે