સમગ્ર દેશમાં ગરમીનો કહેર, શનિવારનો દિવસ સિઝનનો સૌથી ગરમ નોંધાયો, 30નાં મોત
છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉત્તર ભારતમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, રાજસ્થાનના ચુરુમાં 51 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું અને રાજ્યમાં અનેક વિસ્તારમાં સડકનો ડામર પણ ઓગળી ગયો હતો
Trending Photos
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ગરમી કહેર વરસાવી રહી છે. શનિવારનો દિવસ આ સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂની ઝપટમાં છે. રાજસ્થાન,પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, લૂની ઝપેટમાં છે. 145 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજસ્થાનનાં ગંગાનગરમાં તાપમાન 49.6 ડિગ્રી રહ્યું. રાજસ્થાનનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી ઉપર નોંધાયું. હવામાન વિભાગના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં લૂ લાગવાના કારણે 30 લોકોનાં મોત થયાં છે.
દેશમાં લૂ અંગે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નિકળવાની અને ઘરમાં રહેવાની ભલામણ કરી છે. જૂનના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો દોર ચાલુ રહી શકે છે. રાજસ્થાનમાં આ સમયે ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી ગરમ હવાઓ ચાલી રહી છે. આ ગરમીના કારણે ચોમાસામાં વિલંબ અને પ્રી મોનસૂન સીઝનમાં ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ચોમાસુ 6 જૂનથી કેરળમાં પહોંચવાની આશા છે.
દિલ્હીમાં તાપમાન 46 ડિગ્રીને પાર
હવામાન વિભાગ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પાલમ હવામાન ખાતાની કચેરીમાં મહત્તમ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીનો પ્રકોપ ચાલી રહે તેવી સંભાવના છે.
રાજસ્થાનના ચુરૂમાં તાપમાન 50ને પાર
રાજસ્થાનના થારણ રણમાં જેઠ મહિનાની ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે. રાજ્યનો મોટોભાગ અત્યારે લૂની ઝપટમાં છે અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજસ્થાનના ચુરૂમાં તો તાપમાન દેશનું સૌથી વધુ 51 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. અજમેરમાં 44.5, જયપુરમાં 45.2, કોટામાં 46.0, બીકાનેરમાં 47.9 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
યુપીના બાંદામાં તાપમાન 48ને પાર
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યનો બાંદા વિસ્તાર સૌથી ગરમ રહ્યો. અહીં 48.40 ડિગ્રી તાપમાન રહ્યું. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી એક-બે દિવસમાં તોફાની પવન સાથે ઝાપટા પડવાની સંભાવના છે. જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળે તેવી સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આગરા, વારાણસી, અલાહાબાદ, મુરાદાબાદ, ઝાંસી અને મેરઠમાં લૂની અસર જોવા મળી હતી.
હરિયાણામાં પણ બેકાબુ ગરમી
પંજાબ અને હરિયાણામાં શનિવારે ધોમધખતી ગરમી વચ્ચે હરિયાણાના નારનોલમાં પારો 47.2 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હવામાન વિભાગ અનુસાર હિસારમાં તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ 45.6 ડિગ્રી સેલ્યિસયસ થઈ ગયું હતું. રાજ્યના અંબાલા અને કરનાલમાં પણ તાપમાન ક્રમશઃ 41.6 ડિગ્રી અને 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પંજાબમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર
પંજાબ પણ ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી. અહીં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચેલો છે. રાજ્યના અમૃતસરમાં 45.7 અને લુધિયાણામાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પટિયાલામાં પણ સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયુંહતું. પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની હરિયાણામાં પણ 42.5 ડિગ્રી તાપમાનના કારણે લોકોએ ગરમીમાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. હવામાન વિભાગના આગાહી અનુસાર પંજાબ અને હરિયાણામાં શનિવારે લૂનો પ્રકોપ ચાલુ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં પારો 43 ડિગ્રીને પાર
લોકો ઉનાળામાં જમ્મુ-કાશ્મીર ફરવા જતા હોય છે, પરંતુ આ વખતે જમ્મુ-કાશ્મીર પણ ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી. રાજ્યની રાજધાની જમ્મુમાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે