જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લાએ ગઠબંધન અંગે કર્યો મોટો ખુલાસો...
ફારૂક અબ્દુલ્લાએ પીડીપી અને કોંગ્રેસની સાથે ગઠબંધનની યોજના અંગે સ્પષ્ટતા કરવાની સાથે જણાવ્યું છે કે, જો અમારી સરકાર હોત તો જમ્મુ-કાશ્મીર બેન્કની આવી સ્થિતી ન હોતી
Trending Photos
જમ્મુઃ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિધાનસભા ભંગ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય હોબાળો મચેલો છે. બાપામુલામાં મીડિયા સાથે વાત કરતા નેસનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, આખરે પ્રજાએ એ નિર્ણય કરવાનો છે. અમે ક્યારેય સત્તા ભૂખ્યા ન હતા. PDP, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના રસ્તા અલગ-અલગ છે, પરંતુ અહીંની સ્થિતી કાબુ બહાર જતાં અમે એક થયા હતા.
અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, 'વર્તમાનમાં જમ્મુ-કાશ્મીર બેન્કની કેવી હાલત થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો. જો અમારી સરકાર હોત તો આવી હાલત થતી નહીં.'
કરતારપુર બોર્ડર ખોલી દેવાયા બાદ બંને દેશ વચ્ચે કેવા સંબંધ રહેશે એ સવાલના જવાબમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, અમારી પાર્ટી એ દરેક પગલાનું સમર્થન કરે છે, જેનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે. હું બે દેશો વચ્ચે મૈત્રીમાં વિશ્વાસ ધરાવું છું. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરતા હોય તો કાશ્મીરનો મુદ્દો આપમેળે જ ઉકેલાઈ જશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ભંગ કરાયા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, "તેમને પણ ધારાસભ્યોના ખરીદ-વેચાણની ફરિયાદો મળી હતી. ત્યાર બાદ મેં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભાજપ સિવાય રાજ્યના અન્ય ત્રણ પક્ષોએ આ નિર્ણયને બિનલોકશાહી જણાવ્યો હતો."
હકીકતમાં, પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ભેગામળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા જઈ રહ્યા હતા. આંતરિક સહમતી બની ગયા બાદ મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. જોકે, આ પત્ર રાજ્યપાલ સુધી પહોંચ્યો છે કે નહીં તેનું પુષ્ટિ થઈ શકી નથી. એ દિવસે જ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો હતો.
ગઠબંધનના સવાલ અંગે સત્યપાલ મલિકે જણાવ્યું કે, જો ત્રણેય પાર્ટીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન બન્યું હતું તો પછી છેલ્લા પાંચ મહિનાથી તેઓ શા માટે ચૂપ હતા. તેઓ સરકાર બનાવવાનો પ્રસ્તાવ લઈને મારી પાસે કેમ ન આવ્યા? રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગ કરવાના નિર્ણયનું ભાજપે સ્વાગત કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે