વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી પડી
Rajkot Mass Wedding : રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન શરૂ થાય તે પહેલા જ આયોજકો થયા ફરાર....વર, વધુ અને જાનૈયાઓ રઝળી પડ્યા....માધાપર ચોકડી પાસે ઋષિ ગ્રુપે સમુહ લગ્નનું કર્યું આયોજન
Trending Photos
Rajkot News : મીંઢોળા બાંધી દીધા હવે લગ્ન ન થાય તો... આ ચિંતા રાજકોટના 28 યુગલ અને તેમના પરિવારજનોને સતાવી રહી છે. સમુહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર થઈ જયા 28 યુગલોના લગ્ન અટકી પડ્યા છે. આજની ઘડીએ લગ્ન નહિ થાય તેની ચિંતાએ કન્યાઓ રડી પડી હતી. રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. પરંતું સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા હતા. અનેક વરરાજા, વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. જોકે, બાદમાં રાજકોટ પોલીસે જવાબદારી લઈને યુગલોના લગ્ન કરાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આજે 28 યુગલોના લગ્ન હતા. લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો. પરંતું જ્યારે જાનૈયાઓ અને વર-વધુ જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, અહી કોઈ જ વ્યવસ્થા ન હતા. તેઓએ જાણવા માટે આયોજકોનો સંપર્ક કર્યો તો માલૂમ પડ્યું કે, આયોજકો પણ ગાયબ થઈ ગયા હતા. આમ, આયોજનના અભાવે 28 યુગલોના લગ્ન અટકી પડ્યાં છે. લગ્નના દિવસે જ લગ્ન અટકી પડતા કન્યાઓ રડવા લાગી હતી. તો પરિવારજનોના ચહેરા પર હતાશા જોવા મળી હતી.
"મારા માવતર વ્યાજે પૈસા લઇને કન્યાદાન કરવાના હતા...", રાજકોટના સમૂહ લગ્નમાં માંડવે બેઠેલી કન્યાનો રોષ ઊભરાયો#Rajkot #Gujarat #BreakingNews #News #Trending #TrendingNow pic.twitter.com/94lmkhQzmt
— Zee 24 Kalak (@Zee24Kalak) February 22, 2025
કન્યા રડી પડી
એક કન્યાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, અમને કોઈ જવાબ આપતા નથી. આમ બધા મહિલા સંરક્ષણની વાતો કરે છે, અને આવું થાય છે ત્યારે દીકરીઓ સામે કોઈ જોતું નથી. મારા માતાપિતા વ્યાજે રૂપિયા લઈને મારા લગ્ન કરાવી રહ્યાં છે. કોઈ બીજાના પૈસે કન્યાાદાન થઈ રહ્યું છે. આના માટે મારે વ્યવસ્થા તો કરવાની ને.
"ત્રેવડ ન હોય તો માયકાંગલીનાઓ મરી જવાય:" રાજકોટમાં વરરાજાની માતાનો રોષ ભભૂક્યો, સમૂહ લગ્નના આયોજકો થઇ ગયા છે ફરાર#Rajkot #Gujarat #BreakingNews #News #Trending #TrendingNow pic.twitter.com/uzHCqHhuJl
— Zee 24 Kalak (@Zee24Kalak) February 22, 2025
દીકરાને લગ્ન માટે આવેલા માતાએ કહ્યું કે, મેં મારા દીકરાના લગ્ન માટે અહી 50 હજાર ભર્યા હતા. બીજા ખર્ચા કર્યા એ અલગ. પણ અહી આવ્યા ત્યારે બધુ જ ગાયબ હતું. કોઈ કંઈ કહેવા તૈયાર ન હતું.
એક પિતાએ કહ્યું કે, ગામમાંથી રૂપિયા માંગી માંગીને અમે દીકરા-દીકરીઓને અહી પરણાવવા આવ્યા છીએ. અહી કોઈ જવાબ આપતુ નથી.
વર અને કન્યા પક્ષો તૈયાર... આયોજકો ફરાર... રાજકોટમાં સમૂહ લગ્નના નામે કેટલાક તત્વો કાંડ કરીને રફ્ફૂચક્કર થઇ ગયા#Rajkot #Gujarat #BreakingNews #News pic.twitter.com/rdmzUsTeZI
— Zee 24 Kalak (@Zee24Kalak) February 22, 2025
મહેનતથી બધાએ રૂપિયા ભર્યા. આર્થિક સ્થિતિ તંગ હોય તેવા જ સમુહ લગ્નમાં આવે છે. ત્યારે આવા દીકરા-દીકરીઓને હવે કોણ પરણાવશે.
વરરાજાએ કહ્યું કે, અમને કહ્યું હતું કે, 6.30 કલાકે આવી જજો. તેના બાદ કોઈને એન્ટ્રી નહિ મળે. તેથી અમે સવારે 5 વાગ્યાના જ આવી ગયા હતા. પરંતુ અહી આવ્યા બાદ આયોજકો જ મળી નથી રહ્યાં. અહી આવ્યા તો બધાના મોઢા પડી ગયા છે, બધા જાનૈયા રડી રહ્યા છે. હવે અમે ફેરા ફર્યા વગર મીંઢોળ ક્યા છોડીએ. સો માણસો વચ્ચે અમારી આબરું ગઈ એ પાછી ક્યાંથી લાવશો. લગ્ન કંઈ રમત નથી. છોકરીઓની જિંદગી બરબાદ કરી. છોકરીઓ ફેરા ફર્યા વગર માંડવેથી પરત ફરી છે. આ દિવસ બહુ જ ખરાબ દિવસ છે.
રાજકોટ પોલીસે લગ્ન કરાવવાની જવાબદારી લીધી
જોકે, બાદમાં રાજકોટ પોલીસે આ યુગલોના લગ્ન કરાવવાની જવાબદારી લીધી હતી. વિવાદ થયાના થોડા ક્ષણોમાં યુગલોના લગ્નની વિધિ શરૂ કરવામા આવી હતી. વસરામ સાગઠિયા અને રાજકોટ પોલીસે મળીને દીકરી-દીકરાના લગ્ન કરાવવાની જવાબદારી હાથમાં ઉપાડી છે. જોકે, ઘટના બન્યા બાદ પણ રાજકોટના મેયર ગાયબ હતા. તેઓ ક્યાંય દેખાયા ન હતા. રાજકોટના મેયરને પણ આ સમુહ લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિવાદ સામે આવ્યા બાદ રાજકોટ પોલીસે લગ્ન કરાવવાની જવાબદારી ઉપાડી હતી. રાજકોટ પોલીસે પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
જે હાજર છે તેમના લગ્ન કરાવ્યા, બાકીના પણ આવી જાય
રાજકોટ ડીસીપી સજજનસિંહ પરમારે કહ્યું કે, અમને ખબર પડીક કે મુખ્ય આયોજક ગાયબ હતા. પોલીસને આ વિશેની જાણ થઈ હતી. તેથી પોલીસનો કાફલો અહી આવી ગયો હતો. અમે જોયુ તો અહીં બધા રડી રહ્યા હતા. લગ્ન લખાય તેને બંધ ન રખાય તેવું આપણે માનીએ છીએ. જેટલા હાજર છે તેટલાના લગ્ન અમે કરાવી રહ્યા છીએ. ત્રણના લગ્ન હાલ કરાવી રહ્યા છે. જે લોકો જતા રહ્યા છે તેઓને ફોન કરીને બોલાવી રહ્યા છે જેથી તેઓ પણ અહી લગ્ન કરાવવા આવી જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે