Lalu Yadav Verdict: ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ

ઘાસચારા કૌભાંડમાં ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાનું ગબન કરવાના મામલે દોષિત ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે.

Lalu Yadav Verdict: ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ

રાંચી: ઘાસચારા કૌભાંડમાં ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાનું ગબન કરવાના મામલે દોષિત ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે. લાલુએ 60 લાખ રૂપિયા દંડ પણ ભરવો પડશે. અત્રે જણાવવાનું કે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ એસ કે શશિએ 15 ફેબ્રુઆરીના રોજ તેમને દોષિત ઠેરવ્યા હતા અને સુનાવણી માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. ઘાસચારા કૌભાંડનો આ પાંચમો કેસ છે. 

લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત મોહમ્મદ સહીદને 5 વર્ષની સજા અને 1.5 કરોડ રૂપિયાનો દંડ, મહેન્દર સિંહ બેદીને 4 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ, ઉમેશ દુબેને 4 વર્ષ, સતેન્દ્રકુમાર મહેરાને 4 વર્ષ, રાજેશ મહેરાને 4 વર્ષ, ત્રિપુરારીને 4 વર્ષ, મહેન્દ્રકુમાર કુંદનને 4 વર્ષની સજા મળી. 

જ્યારે ડોક્ટર ગૌરી શંકરને 4 વર્ષ, જસવંત સહાયને 3 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ, રવિન્દ્રકુમારે 4 વર્ષની સજા, પ્રભાતકુમારને 4 વર્ષની સજા, અજિતકુમારને 4 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ, બિરસા ઉરાંવને 4 વર્ષની સજા  અને 3 લાખ રૂપિયાનો દંડ તથા નલિની રંજનને 3 વર્ષની સજા થઈ છે. 

આરોપીઓ દોષિત ઠર્યા
સીબીઆઈના સ્પેશિયલ પ્રોસિક્યૂટર બીએમપી સિંહે જણાવ્યું કે સ્પેશિયલ કોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. 41 આરોપીઓમાંથી કોર્ટમાં હાજર થયેલા 38 દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે સજા સંભળાવવામાં આવી. 

કોર્ટમાં ઉપસ્થિત ન થવા બદલ વોરન્ટ બહાર પડ્યું
તેમણે કહ્યું કે ત્રણ અન્ય દોષિતો 15 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં ઉપસ્થિત રહી શક્યા નહતા જેના પગલે કોર્ટે ત્રણેય વિરુદ્ધ ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. 

બીએમપી સિંહે જણાવ્યું કે જે 38 દોષિતોને સજા સંભળાવવામાં આવી તેમાંથી 35 બિરસા મુંડા જેલમાં કેદ છે. જ્યારે લાલુ પ્રસાદ યાદવ સહિત ત્રણ અન્ય દોષિતો સ્વાસ્થ્ય કારણસર રિમ્સમાં દાખલ છે. 

— ANI (@ANI) February 21, 2022

જેલ પ્રશાસને તમામ 38 દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવાની વ્યવસ્થા કરી હતી. તેમણે જણાવ્યું કે રિમ્સમાં લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત ડોક્ટર કેએમ પ્રસાદ અને યશવંત સહાય પણ દાખલ છે. 

ચારા કૌભાંડના ચાર અલગ અલગ કેસમાં 14 વર્ષ સુધીની સજા મેળવી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ સહિત 99 લોકો વિરુદ્ધ કોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news