છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામઃ 68 બેઠક સાથે કોંગ્રેસની ક્લીન સ્વીપ, ભાજપના સુપડા સાફ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થયો હતો. રાજ્યમાં હાલ મતગણતરી ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસને 68 જ્યારે ભાજપને 15 બેઠક પર વિજય પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે. હાલ અહીં કોંગ્રેસના 45 અને ભાજપના 10 ઉમેદવાર વિજેતા જાહેર કરાયા છે અને કોંગ્રેસના 23 જ્યારે ભાજપના 5 ઉમેદવાર લીડ કરી રહ્યા છે. અપક્ષોને 5 અને બહુજન સમાજ પાર્ટીને 2 બેઠક મળશે

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામઃ 68 બેઠક સાથે કોંગ્રેસની ક્લીન સ્વીપ, ભાજપના સુપડા સાફ

રાયપુરઃ છત્તીસગઢમાં અત્યાર સુધી આવેલા પરિણામમાં કોંગ્રેસના 45 ઉમેદવાર વિજેતા જાહેર થઈ ગયા છે અને 23 લીડ મેળવી રહ્યા છે. આ રીતે રાજ્યમાં કોંગ્રેસનો 68 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપના 10 ઉમેદવાર વિજેતા બન્યા છે અને 5 ઉમેદવાર લીડ કરી રહ્યા હોવાથી ભાજપને 15 બેઠક પ્રાપ્ત થશે. 90 બેઠકની છત્તીસગઢ વિધાનસભામાં બહુમત માટે 46 બેઠક મળવી જરૂરી છે, જેની સામે કોંગ્રેસના 68 ઉમેદવાર વિજેતા બનવાના હોવાથી અહીં કોંગ્રેસની સરકાર બનવી લગભગ નક્કી થઈ ગયું છે. 

રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢના 3 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે અને 2 ઉમેદવાર લીડ કરી રહ્યા હોવાથી તેને 5 બેઠક પ્રાપ્ત થશે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો 1 ઉમેદવાર વિજેતા થયો છે અને 1 ઉમેદવાર લીડ કરી રહ્યો છે, એટલે તેને 2 બેઠક પ્રાપ્ત થશે.

રમણ સિંઘનું રાજીનામું:
છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંઘે હાર સ્વીકારવાની સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. રમણ સિંઘ છેલ્લી ત્રણ ટર્મથી રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા અને ચોથી વખત તેમના મુખ્યમંત્રી બનવાની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેમને એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો હતો. રમણ સિંઘ 2003થી રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા. રાજીનામું આપવાની સાથે જ રમણ સિંઘે હારની જવાબદારી પણ પોતાના માથે લીધી હતી.

મુખ્યમંત્રી પદ માટે 4 દાવેદાર
છત્તીસગઢમાં કોંગ્રેસે ચૂંટણી તો ભવ્ય રીતે જીતી લીધી છે, પરંતુ હવે તેના માટે સૌથી મોટો સવાલ મુખ્યમંત્રી પસંદ કરવાનો છે. કેમ કે અહીં પણ મુખ્યમંત્રી પદ માટે 4 દાવેદાર છે. છત્તીસગઢના રાજપરિવારમાંથી આવતા અને પૂર્વ વિધાનસભાના વિપક્ષના નેત ટી.એસ. સિંઘદેવ મુખ્ય દાવેદાર છે. આ ઉપરાંત રાજ્યમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ એવા તમરધ્વજ સાહુ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તેમની સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચંદ્રદાસ મહંત અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ ભુપેશ બઘેલ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે ત્યારે હાઈકમાન્ડ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની મુશ્કેલી ઉભી થશે.

પ્રત્યેક વર્ગનો સહકારઃ ભૂપેશ બઘેલ
છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ ભૂપેશ બઘેલે જણાવ્યું કે, કોંગ્રેસ સમાજના તમામ વર્ગોની પડખે ઊભી રહી છે તેના પરિણામે તેને આ વિજય પ્રાપ્ત થયો છે. આ માટે તેમણે રાજ્યના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને રાહુલ ગાંધીને વિજયનો શ્રેય આપ્યો હતો.

2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
 

પક્ષ સીટ
ભાજપ 49
કોંગ્રેસ 39
બસપા  01
અપક્ષ 01

 

Chattisgadh-1

છત્તીસગઢમાં છેલ્લી 4 વિધાનસભાનો કાર્યકાળ 

વિધાનસભા સમયગાળો(બેઠક) મુખ્યમંત્રી
પ્રથમ 2000-2003 (કોંગ્રેસ-48, ભાજપ-38) અજીત જોગી(કોંગ્રેસ)
બીજી 2003-2008 (ભાજપ-50, કોંગ્રેસ-37) રમણ સિંઘ (ભાજપ)
ત્રીજી 2008-2013 (ભાજપ-50, કોંગ્રેસ-38) રમણ સિંઘ (ભાજપ)
ચોથી 2013-2018 (ભાજપ-49, કોંગ્રેસ-39) રમણ સિંઘ (ભાજપ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news