તાજમહેલમાં નમાઝ બાદ હવે પૂજા કરવામાં આવી, બજરંગ દળે કહ્યું આગળ પણ કરીશું

બજરંગ દળની મહિલા સભાના જિલ્લા અધ્યક્ષ મીના દિવાકર તેમના કાર્યકર્તાઓ સાથે તાજમહેલમાં ગયા હતા અને અહીં અગરબત્તી સળગાવીને શ્લોકોનું પઠન કર્યું હતું 

તાજમહેલમાં નમાઝ બાદ હવે પૂજા કરવામાં આવી, બજરંગ દળે કહ્યું આગળ પણ કરીશું

આગરા/નવી દિલ્હીઃ તાજમહેલમાં નમાઝ પઢવાની ઘટના બાદ હવે પૂજા-અર્ચના કરવામાં આવી છે. તાજમહેલની મસ્જિદમાં બજરંગ દળે અગરબત્તી સળગાવીને પૂજા કરી છે. સાથે જ અહીં ગંગાજળનું આર્ધ્ય પણ આપવામાં આવ્યું છે. આ મસ્જિદની એ જગ્યા છે, જ્યાં મહિલાઓ નમાઝ પઢે છે. બજરંગદળની મહિલા સભાના જિલ્લા અધ્યક્ષ મીના દિવાકરે અહીં પૂજા કરી છે અને ભવિષ્યમાં પણ પૂજા કરતા રહેવાની જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તાજમહેલમાં નમાઝ પઢવાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળે તાજમહેલમાં પૂજા કરવાની જાહેરાત કરી હતી. એએસઆઈએ તાજમહેલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટનો હવાલો આપતાં શુક્રવાર સિવાય અન્ય દિવસો દરમિયાન તાજમહેલમાં નમાઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

તેમ છતાં થોડા દિવસો અગાઉ 14 નવેમ્બર, મંગળવારના રોજ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ પ્રતિબંધ હોવા છતાં પણ તાજમહેલમાં નમાઝ પઢી હતી. 

તાજમહેલમાં પૂજા-અર્ચના કરાયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોમાં પણ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આવું માત્ર વાતાવરણ બગાડવા માટે કરવામાં આવી રહ્યું છે. 

આ ઘટનામાં એએસઆઈની લાપરવાહી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. તેમણે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકોએ ટિકિટ ખરીદીને તાજમહેલની અંદર આવેલી મસ્જિદમાં નમાઝ પઢી હતી. 

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ માન્યા ન હતા. તાજમહેલમાં નમાઝ પઢવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

તાજમહેલ મસ્જિદ વ્યવસ્થાપન કમિટીના સભ્યો એએસઆઈ કચેરીમાં પુરાતત્વશાસ્ત્રી બસંત કુમારને મળ્યા હતા અને એક આવેદનપત્ર આપ્યું હતું. અધ્યક્ષ સૈયદ ઈબ્રાહીમ હુસૈન ઝૈદીએ જણાવ્યું કે, તેમણે એએસઆઈ પાસે તાજમહેલમાં નમાઝ ન પઢવાના સુપ્રીમના આદેશની નકલ માગી હતી, પરંતુ તેમની પાસે આવી કોઈ નકલ ન હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news