કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? ફૂડ પ્રોસેસિંગ વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોનો મુદ્દો ચર્ચામાં છે. રાજ્યમાં અલગ-અલગ બ્રાન્ડના ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નિકળી રહી છે. આવી ઘટના સતત બની રહી છે. બહારના ભોજનને લઈને લોકો પણ ચિંતિત થઈ ગયા છે. તેવામાં ફૂડ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. 

કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? ફૂડ પ્રોસેસિંગ વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં જીવ-જંતુઓ નીકળવાની ઘટનાઓ યથાવત્ છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ વિભાગ કેટલો બેદરકાર છે તેના એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે. બાલાજી વેફરમાંથી દેડકો, સિઝલરમાંથી વંદો અને બર્ગરમાંથી જીવાત નીકળ્યા બાદ હવે મસાલા પાપડમાંથી ઈયળ અને ગુટખાના મસાલામાંથી જીવાત મળી આવી...જુઓ અખાદ્ય બનેલા ખાદ્ય પદાર્થોનો આ અહેવાલ....

ગુજરાતમાં બહારનું ખાતા પહેલા કે મંગાવતા પહેલા 100 વખત વિચાર કરજો. અત્યાર સુધી તો ખાદ્ય ચીજોમાં જીવાતો મળી આવતી હતી, પરંતુ હવે તો ગુટખા ખાનારાઓએ પણ સાવચેત રહેવું પડશે.. સૌથી પહેલાં આ બે દ્રશ્યો જોઈ લો, પહેલા દ્રશ્યો જામનગરના છે. જ્યાં જાણીતી વિશાલ ઈન્ટરનેશનલ હોટલના ભોજનમાંથી જીવાત નીકળી છે. તો બીજા દ્રશ્યો રાજકોટના છે. જે મસાલો રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે, તે જ મસાલાની તંબાકુમાંથી જીવડું નીકળ્યું છે. તો મહેસાણામાં પણ એક ગ્રાહકને કડવો અનુભવ થયો. ડીમાર્ટમાંથી ખરીદેલા દહીંમાં ફૂગ જોવા મળી છે.

જામનગરમાં એક વ્યક્તિને ઈન્ટરનેશનલ હોટલમાં જમવા જવાનું મોંઘુ પડ્યું છે. કેમ કે આ વ્યક્તિને એમ હતુ કે સારી હોટલમાં જમવા જઈશું તો સારૂ જમવાનું મળશે, પરંતુ એવું થયુ નહીં. કેમ કે જામનગરની જાણીતી વિશાલ ઈન્ટરનેશનલ હોટલમાં જમવા ગયેલા વ્યક્તિએ ભોજનનો ઓર્ડર આપ્યો તો ભોજન સાથે આવેલા મસાલા પાપડમાં જીવતી ઈયળ પીરસી દેવાઈ... જીહાં મસાલા પાપડમાં જીવતી ઈયળ જોતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. 

આમ તો રાજકોટવાસીઓ મસાલો ખાવાના ખુબ શોખીન હોય છે. કહેવાય છે કે સવારે ઉઠીને બ્રશ કરતા પહેલાં અમુક લોકો મસાલો ખાવાનું પસંદ કરતા હોય છે. માત્ર રાજકોટ નહીં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લોકો મસાલો ઘસતા જોવા મળે છે. સાથે જ પોતે તો ખાય છે પોતાના મિત્રોને પણ હોંશે હોંશે મસાલો ખવડાવતા હોય છે. પરંતુ હવે આવા મસાલા ખાનારાઓએ પણ સાવચેત રહેવું પડશે, કેમ કે પહેલાં તો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવાત નીકળતી હતી. પરંતુ હવે તો મસાલામાં નાંખવાના ગુટખામાં પણ જીવાતો નીકળવા લાગી છે. રાજકોટના એક વ્યક્તિને મસાલો ખાતા સમયે ગુટખામાં જ જીવડું મળી આવ્યુ હતુ. મસાલો ખાનારાઓને આમ તો જીવનું જોખમ હોય છે, પરંતુ હવે ગુટખામાં જીવડા નીકળવા લાગતા, આવા લોકોને જીવનું ડબલ જોખમ ઉભું થયું છે. 

હવે વાત મહેસાણાની પણ કરી લઈએ. કેમ કે મહેસાણામાં એક વ્યકિતએ ડીમાર્ટમાંથી 1 કિલો દહીં ખરીદ્યુ હતુ. જ્યારે આ વ્યક્તિએ દહીનો ડબ્બો ખોલ્યો તો તેમાં ફૂગ જોવા મળી. ડીમાર્ટમાંથી ખરીદેલા મિલ્કી મિસ્ટના દહીંમાં ફૂગ મળતાં વેપારી કાર્તિકભાઈ ડીમાર્ટ પહોંચ્યા અને રજૂઆત કરી. પરંતુ ત્યાંથી તેમને એવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળ્યો કે કાર્તિકભાઈને આ વીડિયો વાયરલ કરવાની ફરજ પડી છે. 

એવું નથી કે આ પહેલી ઘટના છે. આ પહેલાં પણ ઘણી ખાદ્યચીજ વસ્તુઓમાં જીવાત નીકળવાના કિસ્સા સામે આવી ચુક્યા છે.  ત્યારે જો બહારનું ખાતા પહેલા કે મંગાવતા પહેલા 100 વખત વિચાર નહીં કરો તો તમારી તબિયત બગડવાનું નક્કી સમજી લેજો... જો માનવામાં ન આવતું હોય તો આ દ્રશ્યો જોઈ લો. તમે જે વસ્તુઓ રોજ બહારથી મંગાવીને હોંશે હોંશે ખાઓ છો, તે જ વસ્તુઓ કેટલી બિનઆરોગ્યપ્રદ છે તે દ્રશ્યો જોઈને સમજી શકશો. વલસાડના એક કેફેના સિઝલરમાંથી વંદો નિકળ્યો છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા કોફી કલ્ચર કેફેના સિઝલરમાંથી વંદો નિકળતા હોબાળો થયો હતો. તો અમદાવાદના એક કેફેમાંથી ગ્રાહકે મંગાવેલા બર્ગરમાંથી જીવાત નિકળી હતી. તો અમદાવાદમાંથી જ થોડા દિવસ પહેલાં અથાણામાંથી ગરોળી નિકળી હતી. જેના કારણે પરિવારની તબિયત પણ ખરાબ થઈ હતી. એટલું જ નહીં જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ઘટના પણ સામે આવી ચુકી છે..

વલસાડમાં બહારનું ખાવાના શોખીન એક વ્યક્તિને એવો અનુભવ થયો કે તે હવે ક્યારેય બહારનું ખાવા નહીં જાય...ન તો તે ક્યારેય બહારથી ખાવાનું મંગાવશે..આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે કેમ કે એક ગ્રાહકે અબ્રામા વિસ્તારમાં આવેલી કોફી કલ્ચર કેફેમાંથી સિઝલર મંગાવ્યું હતું...પરંતુ તેને ખબર ન હતી કે માત્ર પૈસા કમાવવા માટે જ ધંધો કરતાં આ કેફેના માલિકોને લોકોના આરોગ્ય સાથે કંઈ જ લેવા દેવા નથી....જે સિઝલર મંગાવ્યું હતું તેમાં વંદો નીકળતાં ગ્રાહકોએ હોબાળો કર્યો હતો.

લોકોના ખાવામાંથી માત્ર વંદા જ નહીં દેડકા અને ગરોળી પણ નીકળી રહી છે. કેમ કે થોડા દિવસ પહેલાં જામનગરમાં એક ગ્રાહકે ખરીદેલી બાલાજીની વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હતો..જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ વેફર ખરીદીને ખોલતા તેમાં મરેલો દેડકો જોવા મળ્યો હતો. વેફરમાંથી દેડકો નીકળતા લોકપ્રિય બ્રાન્ડ ગણાતી બાલાજી કંપની સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. 

લોકોને આરોગ્યપ્રદ વસ્તુઓ મળે તે માટે ગુજરાત અને ભારત સરકારમાં ફૂડ ચેકિંગનો એક વિભાગ હોય છે. દરેક કોર્પોરેશનમાં પણ આવો એક ડિપાર્ટમેન્ટ હોય છે. પરંતુ આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માત્ર હપ્તા વસુલીમાં જ રસ હોય છે. હોટલ, રેસ્ટોરેન્ટ કે પછી કેફેમાંથી હપ્તાઓ એટલા મોટા પાયે મળે છે કે જેના કારણે અધિકારીઓ કોઈ કામગીરી કરતાં જ નથી. ચેકિંગના નામે માત્ર આ અધિકારીઓ નાટકો જ કરે છે. ખાલી હોટલોમાંથી વધુ હપ્તો મળે તે માટે કાર્યવાહીના ઢોંગ કરે છે. જો સાચી કાર્યવાહી કરવામાં આવે તો અવાર નવાર આવી ઘટનાઓ ન બને....જોવાનું રહેશે કે નઘરોળ તંત્રના અધિકારીઓ હવે ક્યારે જાગે છે?.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news