પોકેટમની ભેગી કરીને ગુજ્જુ મિત્રોએ બનાવેલી ફિલ્મ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

Gujarati Film : બે ગુજરાતી યુવા અભિનેતાઓએ ભેગા મળીને વિચાર્યું કે કંઈક નવુ કરીએ. ચાલ ફિલ્મ બનાવીએ. આ વિચારમાં બીજા પણ જોડાયા, અને આ રીતે ગુજરાતને મળી અદભૂત શોર્ટ ફિલ્મ ‘બનાતા હૈ.’ હવે ગર્વની વાત એ છે આ ફિલ્મ દેશના જાણીતા મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગઈ છે. માયાનગરી મુંબઈની સ્ટ્રગલભરી જિંદગી પર બનાવવામા આવેલી ફિલ્મ ‘બનાતા હૈ’ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાંથી આ એકમાત્ર શોર્ટ ફિલ્મને ફેસ્ટિવલમાં એન્ટ્રી મળી છે. લગભગ દોઢ લાખ જેટલી એન્ટ્રીમાંથી ‘બનાતા હૈ’ ફેસ્ટિવલ પહોંચી છે. 

મુંબઈ ‘બનાતા હૈ’

1/4
image

અમદાવાદના અલગ અલગ ક્ષેત્રોના મિત્રોએ મળીને બનાવેલી  ‘બનાતા હૈ’ શોર્ટ ફિલ્મ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી છે. આ ફિલ્મ ‘ડાયમેન્શન ઓફ મુંબઈ’ કેટેગરીમાં પસંદગી પામી છે. ફિલ્મ મુંબઈની વાત રજૂ કરે છે, જ્યાં દર વર્ષે અસંખ્ય લોકો અનેક ખ્વાબ લઈને આવે છે, પરંતું અહી કેટલાક જ સપના પૂરા થાય છે. આ સપનાને પૂરા કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે તે ‘બનાતા હૈ’ માં રજૂ કરાયો છે. આ ફિલ્મમાં મુંબઈની સંઘર્ષભરી જિંદગી બતાવવાનો પ્રયાસ કરાયો છે.   

મિત્રોનું સાહસ

2/4
image

અભિનય ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કરણ પટેલ અને આર્ય સાગરને એક દિવસ વિચાર આવ્યો કે, આપણે પણ કંઈક કરીએ. આ વિચારથી જન્મી  ‘બનાતા હૈ’ ફિલ્મ. ફિલ્મ બનાવવામાં બીજા લોકો પણ જોડાતા ગયા. સરસ મજાની વાત એ છે કે, ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા તમામ લોકો નવોદિત અને યુવા છે. કરણ પટેલ અને આર્ય સાગરે આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. તો પ્રબુદ્ધ જોશી, અભી વાઘેલાએ કેમેરા પર કમાન સંભાળી હતી. ફિલ્મની પ્રોડક્શન મેનેજર નિશા કંડારી છે. દીયા બ્રહ્મા પ્રોડ્યુસર છે. ફિલ્મમાં સંદીપ પ્રજાપતિએ અભિનય કર્યો છે. દેવલ શુક્લા, પ્રેમકુમાર સિંહ, વિદુષી ટંડન અને હેત પ્રજાપતિ પણ ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા છે. આ તમામે 5 મિનિટની ફિલ્મ બનાવવા માટે પોતાના પ્રાણ રેડી દીધા છે. 

ઓછા બજેટમાં બની આ ફિલ્મ

3/4
image

આ ફિલ્મ વિશે તમને નવાઈ લાગશે કે, આ શોર્ટ ફિલ્મ તદ્દન ઓછા બજેટમાં બનાવવામા આવી છે. એટલુ જ નહિ, નવોદિત કલાકારોએ પોતાની પોકેટમનીમાંથી રૂપિયા કાઢીને ફિલ્મ બનાવી છે. કરણ પટેલ કહે છે કે, આ ફિલ્મ માટે અમે બધાએ 1,05,000 રૂપિયા ભેગા કર્યા હતા. 

4/4
image

આ ફિલ્મની યંગીસ્તાન ટીમ બતાવે છે કે, ગુજરાતના યુવાઓમાં કેવું અને કેટલુ ટેલેન્ટ છુપાયેલું છે. આ યંગસ્ટર્સની ટીમ આ ફિલ્મને અન્ય ફેસ્ટિવલમાં બતાવી શકાય તે માટે પ્રયત્નશીલ છે.