વલસાડ પાલિકાના પાપે પ્રજાના પૈસાનો વેડફાટ, લાખોના વાહનો બની ગયા ભંગાર

સરકારી તંત્રની કામગીરી સામે હંમેશા સવાલો ઉભા થતાં હોય છે. તંત્રના રેઢિયાળ ખાતાને કારણે જનતાએ પરેશાનીનો સામનો કરવો પડે છે. હવે વલસાડ પાલિકાની બેદરકારી સામે આવી છે.

વલસાડ પાલિકાના પાપે પ્રજાના પૈસાનો વેડફાટ, લાખોના વાહનો બની ગયા ભંગાર

વલસાડઃ ગુજરાતમાં એવી અનેક નગરપાલિકાઓ છે જે દેવાળા ફૂંકી રહી છે, અણઘટ વહીવટ અને નઘરોળ તંત્રના કારણે અનેક નગરોમાં અંધારપટ છવાઈ ગયો છે. તો એવા પણ નગરો છે જ્યાં શાસકો રેઢિયાળ વહીવટને કારણે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ખરીદાયેલા લાખોના સાધનો વપરાશ વીના જ ધૂળ ખાઈ રહ્યા છે. આવું જ એક નગર એટલે આપણું વલસાડ...જ્યાં નગરપાલિકના ઘોર બેદરકાર શાસકોના પાપે ટેક્સના પૈસાથી ખરીદાયેલા પ્રજાના ઉપયોગી વાહનો ખંડેર બની ગયા છે...શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં.

ગુજરાત સરકારના સરકારી બાબુઓ કેવો વહીવટ કરે છે અને કેટલા નઘરોળ છે તેના જીવતા દ્રશ્યો જોઈ લો...તમે જોઈ લો કે પ્રજાના પૈસાથી જ મોંઘીદાટ ગાડીઓમાં આંટાફેરા મારતાં અને એસી ઓફિસની ઠંડી હવા ખાતા આ અધિકારીઓ કેટલા બેજવાબદાર છે?...જે પ્રજાના ટેક્સથી તેમનો પગાર થાય છે. તેમના મોજશોખ થાય છે તે જ પ્રજાની સુખાકારી માટે ખરીદાયેલા વાહનોની શું દશા તેમણે કરી છે?...લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા આ નવા નક્કોર વાહનો હાલ ખંડેર બની ગયા છે...ભંગારમાં પણ કોઈ ન લે તેવી દશા આ જાડી જામડીના અધિકારીઓએ કરી છે...નફ્ફટ અધિકારીઓની નફ્ફટાઈના આ દ્રશ્યો વલસાડના છે...વલસાડ નગરપાલિકાના અંધેર વહીવટનો નમૂનો બન્યા છે આ ભંગાર વાહનો....

રાજ્ય સરકારે દરેક નગરપાલિકાની માફક વલસાડ નગરપાલિકાને પણ પ્રજાની સુવિધા માટે ટ્રેક્ટર, ટેન્કર, JCB, બુલેટ સહિત સાધનો ફાળવ્યા હતા...પણ લાખોના આ કિંમતી વાહનોને વલસાડ પાલિકા સાચવી ન શકી...ન સાચવ્યા એટલું જ નહીં તેને ભંગારવાડામાં મુકીને ભંગાર થવા દીધા...તેના પર ધૂળ ચડવા દીધા...ન પ્રજા માટે કંઈ કામના રાખ્યા...નતો તેને વેચી શકાય તેવી કોઈ સ્થિતિ રાખી...પ્રજા અને વિપક્ષ નગરપાલિકાના આ અંધેર વહીવટથી આક્રોશિત છે...વિપક્ષ કોંગ્રેસ સત્તા પક્ષના શાસકોને આડે હાથ લીધા.

વલસાડ પાલિકા કયા અને કેટલા વાહનોને ભંગાર બનાવ્યા છે તે તમે જોઈ લો તો 9 નાના ટેમ્પો, 4 ટ્રેક્ટર, 4 ટ્રેલર, 2 JCB મશીન, કચરામાંથી ખાતર બનાવવાના 2 મશીન અને 4 હોડીઓ....આ તમામ સાધનોની કિંમત ગણીએ તો લાખ નહીં પણ કરોડમાં જતી રહે....પણ આ પૈસા ક્યાં પોતાના ખિસ્સામાંથી કાઢવાના હોય?...પ્રજાના ટેક્સમાંથી જ લેવાના હોય છેને...તો પછી ચિંતા શેની....જ્યારે આ મામલે અમે પાલિકાના ચીફ ઓફિસરને આ મામલે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે પુરતો સ્ટાફ ન હોવાથી આવી દશા થઈ છે...પરંતુ અમે આગામી સમયમાં તેને ભંગારમાં વેચીને પૈસા કમાઈ લેશું.

કયા વાહનો બન્યા ભંગાર?
9 નાના ટેમ્પો, 4 ટ્રેક્ટર, 4 ટ્રેલર, 2 JCB મશીન
કચરામાંથી ખાતર બનાવવાના 2 મશીન, 4 હોડી
તમામ સાધનોની કિંમત લાખ નહીં પણ કરોડમાં 

છેને આપણા ગુજરાતના હોશિયાર અને બાહોશ અધિકારી?...હવે ભંગારમાં લાખોના વાહનો વેચવા નીકળેલા આ અધિકારી શ્રીને કોઈ તો સમજાવો કે કેમ નવા નક્કોર વાહનોને તમારે ભંગારમાં વેચવાના દિવસો કેમ આવ્યા છે?, શું કામ તમે નવા વાહનોને ભંગાર થવા દીધા?, કેમ તમે પ્રજાના પૈસાનું પાણી કર્યું?, કેમ તમે આવો અંધેર વહીવટ કર્યો?, કેમ તમે મહામુલી વસ્તુઓ ન સાચવી શક્યા?, આ ઘટના પરથી એવું નથી લાગતું કે તમે બુદ્ધીનું દેવાળું ફૂક્યું છે?, પ્રજા પૈસાનો આ વેડફાટ તમારી પાસેથી કેમ ન વસુલવો જોઈએ?...આવા તો અનેક સવાલ આ જાડી ચામડીના અધિકારીઓને છે....જેનો જવાબ જનતા માંગી રહી છે...ત્યારે એ જોવાનું રહ્યું કે ગાંધીનગરથી વલસાડના આ નઘરોળ શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે શું એક્શન લેવામાં આવે છે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news