આતંકવાદ વિરોધી કાયદો 16 વર્ષ બાદ અમલી, પોલીસની પકડ મજબુત બનશે
પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબુલાતને માન્ય ગણવામાં આવશે, GUJCTOC હેઠળ ફરિયાદ દાખલ કર્યા વગર પણ કોઇની ધરપકડ કરી શકાશે
Trending Photos
અમદાવાદ : ગુજરાત સરકારના વિવાદિત આતંકવાદ વિરોધી કાયદા ગુજસીટોક ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આજથી રાજ્ય સરકારે આ કાયદાને અમલી બનાવ્યો છે. વર્ષ 2003 થી આ કાયદો વિવાદનું મૂળ બન્યો હતો પણ આખરે આજથી તેનો અમલ શરૂ થતાં પોલીસ તંત્રની સત્તાઓમાં વધારો થશે. રાજ્ય સરકારનો દાવો છે કે ગુજરાત જેવા સરહદી રાજ્યની સુરક્ષા માટે આતંકવાદ વિરોધી અલગ કાયદાની જરૂર હતી. મહારાષ્ટ્ર બાદ ગુજરાતને આવો અલગ કાયદો મળતા આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશે અને રાજ્યની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સુરક્ષામાં વધારો થશે. રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો જેને 5 નવેમ્બરે રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા આજથી રાજ્ય સરકારે કાયદાને અમલી બનાવ્યો છે.
આ કાયદાના અમલીકરણથી રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ વધશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે. આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવાશે.
આ કાયદો આતંકવાદ વિરોધી કાયદાઓ હોવાની સાથે તેની કેટલીક જોગવાઈઓને લઈને વિવાદ થયો હતો. આ કાયદામાં પોલીસ અધિકારીઓને મળતી સત્તા અને માનવ અધિકારોને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. આ કાયદા નો સૌપ્રથમ ડ્રાફ્ટ વર્ષ 2001 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ડ્રાફ્ટ ને પાછો મોકલ્યો હતો. વર્ષ 2003 માં રાજ્ય સરકારે વિધાનસભા માં ગુજકોક કાયદો પસાર કરીને કેન્દ્રમાં મોકલ્યો હતો પણ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ એ આ કાયદાને પરત મોકલ્યો હતો.
વર્ષ 2004 માં કેન્દ્રમાં યુપીએ સરકાર આવ્યા બાદ ફરી એકવાર આ બિલ કેન્દ્રમાં મોકલ્યું. કેન્દ્ર સરકારે 3 સુધારાઓ કરી બિલને પરત મોકલ્યું હતું. જો કે આ સુધારાઓ સાથેનું બિલ પસાર કરવાના બદલે રાજ્ય સરકારે વર્ષ 2014 માં થોડાક ફેરફારો સાથે ગુજસીટોક બિલને પસાર કરીને કેન્દ્રમાં મોદી સરકાર ને મોકલ્યું હતું. મોદી સરકારે આ બિલને રાષ્ટ્રપતિ ને મોકલી આપ્યું હતું. આખરે 5 નવેમ્બર 2019 એ રાષ્ટ્રપતિ એ આ બિલને મંજુરી આપી હતી. જેનો આજથી રાજ્ય સરકારે અમલ શરૂ કર્યો છે. જો કે આગામી દિવસોમાં ફરી આ મુદ્દે નવો વિવાદ શરૂ થાય તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે