જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, અમિત ચાવડાએ કરી પરત ખેંચવાની માગ

ગુજરાત સરકારે સૂચિત જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરી છે ત્યારથી સતત વિવાદ થઈ રહ્યો છે. રાજ્યભરમાં બિલ્ડર અને ક્રેડાઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ પણ જંત્રીનો ભાવ વધારો પરત ખેંચવાની માગ સરકાર પાસે કરી છે.

 જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, અમિત ચાવડાએ કરી પરત ખેંચવાની માગ

ગાંધીનગરઃ ગુજરરાતમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિત જંત્રીનો બિલ્ડરો પણ વિરોધ કરી રહ્યાં છે. સરકાર દ્વારા જંત્રી દરમાં સૂચિત ભાવ વધારો કરવામાં આવ્યો તેમાં વાંધા-વિવાદ આપવાનો આજે અંતિમ દિવસ છે. આ વચ્ચે વિધાનસભા ખાતે ધારાસભ્ય અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર દ્વારા એકતરફી રીતે વગર વિચારે સરકારની તિજોરી ભરવા માટે જંત્રીનો સૂચિત વધારો જાહેર કરવામાં આવ્યો છે એની સામે વાંધા-વિરોધ આપવાનો આજે છેલ્લો દિવસ છે. સરકારી તિજોરી ભરવાના આશયથી સરકાર દ્વારા ગુજરાતીઓના માથે જે તોતિંગ જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવવધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથસાથે અર્થતંત્રને ખુબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદી પણ લાવશે. 

૨૦૧૧માં સરકારે જયારે જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો ત્યારે જાહેર કર્યું હતું કે મોંઘવારીનો દર, વિકાસનો દર, ફુગાવાનો દર એને ધ્યાનમાં રાખી જંત્રીનો ભાવ વધારો થશે, એનું મૂલ્યાંકન થશે. અને દર વર્ષે ૮%ના દરથી જંત્રીનો ભાવ વધારો કરીશું એવી વાત ૨૦૧૧માં કરવામાં આવી હતી. ૨૦૧૧ થી ૧૨ વર્ષ સુધી સરકારની ઉંઘ ના ઉડી, કોઈપણ જાતનો અભ્યાસ કે સર્વે કે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી કરવામાં આવી. અને ૨૦૨૩માં અચાનક જંત્રીમાં મોંઘવારીનો દર જોયા વગર, વિકાસનો દર જોયા વગર, ફુગાવાનો દર જોયા વગર અચાનક તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પણ લોકોએ ખુબ વિરોધ કર્યો હતો અને સરકારે પોતાની મનમાની કરીને જંત્રીને લાગુ કરી. 

આજે એક જ વર્ષમાં એટલે કે ૨૦૨૩માં જંત્રીનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો અને નવેમ્બર ૨૦૨૪માં ફરીથી એ જંત્રીમાં ૨૦૦ થી ૨૦૦૦ ટકા સુધીનો વધારો થાય એવો સૂચિત જંત્રીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ સરકારે પણ સમજવું પડશે કે જંત્રી એ સ્ટેમ્પ ડ્યુટી છે કોઈ ટેક્ષ નથી. સરકારે પોતાની સરકાર ચલાવવાનો જે ખર્ચ થાય છે એ એનું આવકનું સાધન ટેક્ષ હોવું જોઈએ નહિ કે સ્ટેમ્પ ડ્યુટી. આ સરકાર સ્ટેમ્પ ડયુટીને સરકાર ચલાવવા માટે આવકનું સાધન બનાવવા મથે છે, આ ભાવ વધારો કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી એનો અમે સખત વિરોધ કરીએ છીએ. 

જંત્રીનો ભાવવધારો અમલમાં આવશે તો બાંધકામ ઉદ્યોગને નવા પ્રોજેક્ટ     હાથ ધરવામાં ખુબ જ મુશ્કેલી થશે તેમજ નાણાકીય ભીડનો સામનો કરવો પડશે. નવા પ્રોજેક્ટ શરુ નહિ થાય તો મજૂરોને રોજગારીનો પ્રશ્ન ઉભો થશે તેમજ રો-મટીરીયલના વેચાણમાં ઘટાડો થશે જે એકંદરે અર્થતંત્રને અસર કરશે. 

• મકાન - ફ્લેટ - દુકાન - ઓફિસમાં સ્ટેમ્પ ડ્યુટી-રજીસ્ટ્રેશનના ભાવ વધારો થવાથી સામાન્ય નાગરિક તેમજ મધ્યમવર્ગના લોકોને ખરીદી માટેની મૂડી એકત્રિત કરવામાં મુશ્કેલી થશે અને ખરીદ શક્તિ ઘટી જશે. આ વર્ગના લોકો પોતાના આશ્રય સ્થાન એવા મકાન-ફ્લેટની ખરીદી મુલત્વી રાખશે તેમજ નાના ધંધાર્થીઓ ઓફીસ-દુકાનની ખરીદી કરવાનું ટાળશે.

• જંત્રીનો ભાવ વધારો અમલમાં આવશે તો મિલ્કતની કિંમત વધી જશે અને ભવિષ્યમાં આ મિલ્કત ઉપરના વેરાઓ પણ વધી જશે. જે એકંદરે સામાન્ય નાગરિકો ઉપર મોટો આર્થીક બોજો આવી જશે.

• ખેતીની જમીનમાં જંત્રીના ભાવ વધારાથી ખેડુતોને ખેતીની જમીન ખરીદવામાં મોટી રકમની સ્ટેમ્પ ડયુટી, રજીસ્ટ્રેશન ફ્રીની રકમ ચુકવવી પડશે. જેથી ખેતીની જમીન વેચાણ સમયે ખેડૂતોને મુશ્કેલી થશે.

• ખેતીની જમીનમાં હાલની જંત્રી કરતા અંદાજે બે થી દસ ગણો ભાવ વધારો સુચવવામાં આવેલ હોવાનું જણાય છે. જે હાલની બજાર કિંમત કરતા ખુબ જ વધારે છે ખેડુતોની જમીનના વેચાણના ટ્રાન્ઝેકશનમાં ખુબ જ મુશ્કેલી થશે જે લોકો ખેતીની જમીન વેચાણ કરવા માંગતા હશે તેઓ વેચાણ નહિં કરી શકે અને જેઓને ખરીદી કરવી હશે તે ખરીદી પણ નહિં કરી શકે.

• એકંદરે બજાર કિંમત કરતા જંત્રીમાં ભાવ વધારો સુચવવામાં આવેલ છે જે ખુબ જ વધારે છે અને આ વધારો સીધો જ સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગના નાગરિકોને તેમજ નાના ધંધાર્થીઓ અને ખેડુતોને વધુ અસર કરશે તેવું જણાય છે.

• સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય જણાતો નથી. જંત્રીના ભાવમા થયેલા વધારાને કારણે તેની ખુબ મોટી અસર રીયલ એસ્ટેટ ઉપર થવાની સંભાવના છે. માત્ર બિલ્ડરો ઉપર જ નહીં, પરંતુ ગ્રાહક તરીકે સામાન્ય પરિવારના લોકો જે ઘર ખરીદશે તેમને પણ ખુબ મોટી કિંમત ચુકવવી પડશે.

• દોઢ વર્ષે સરકારે જંત્રીમા સરવે કરી ૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ સૂચિત  જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજયમાં ૪૦ હજાર વેલ્યુઝોન છે. જેમાથી ૧૭ હજાર અર્બન વિસ્તારમાં અને ૨૩ હજાર ગ્રામ્ય વિસ્તારમા વેલ્યુઝોન આવેલા છે. 

• વર્ષ ૨૦૨૩ મા જંત્રીના ભાવમા જે રીતે વધારો થયો છે અને એક વર્ષ કરતા ઓછા સમયમા ફરીથી મોટો ધરખમ ભાવ વધારો કરવામા આવ્યો છે. વર્ષ ૨૦૧૧ ની જંત્રી કરતા બે હજાર ટકા વધારે વધારો જોવા મળી રહ્યો છે. આ જંત્રીના ભાવમા થયેલો વધારો સામાન્ય જનતા પર ભારે     અસર કરશે. જેથી આટલા મોટા ધરખમ વધારાને સરકારે પરત લેવો જોઈએ.    

૨૦૧૧ની જંત્રી ભાવ જોઈએ તો અનેક વિસ્તારોમાં ૨૦૦ થી ૨૦૦૦ ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો સૂચવ્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે જંત્રીના ધરખમ ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે મધ્યમવર્ગ જે ઘર ખરીદવા માંગે છે, દુકાન-ઓફીસ ખરીદવા માંગે છે એમના સ્વપ્ન રોળાઈ જશે અને બાંધકામ ક્ષેત્ર છે જેનાથી અનેક  ધંધા-રોજગારને આર્થીક રીતે મજબૂતાઈ મળે છે એ બાંધકામ ક્ષેત્રને ખુબ મોટી અસર થવાની ત્યારે ગુજરાતમાં સામાન્ય ખેડૂત, મધ્યમ વર્ગ કે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ હોયબધા જ વર્ગ તરફથી જંત્રીનો જયારે વિરોધ થઇ રહ્યો હોય ત્યારે અમે પણ સરકારને કહેવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત આવક વધારવાના આશયથી જંત્રીનો જે સૂચિત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એને સરકાર પરત લે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં રાજ્યમાં મોંઘવારીનો દર, ફુગાવાનો દર અને વિકાસનો અભ્યાસ કરી, લોકો સાથે પરામર્શ કરી દર વર્ષે થોડા થોડા પ્રમાણમાં વધારો થાય,એક સાથે વધારો થોપી રાજ્યના લોકોને આર્થિક નુકસાન, આર્થિક ભારણ ન આવે અને રાજ્યના અર્થતંત્રને પણ નુકસાન ન થાય એ માટે સરકાર તાત્કાલિક સૂચિત ભાવ વધારો પરત ખેંચે એવી માંગણી કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news