આ 9 ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', જેણે મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધ
Women's Day Special: ભજન-સંતવાણીને ગુજરાતની સંસ્કૃતિ સાથે અજોડ નાતો રહેલો છે. લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. તેમાં પણ હવે મહિલા સિંગર પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. જેમણે નાની ઉંમરમાં સિંગિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી અને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું.
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ ભજન-સંતવાણીને ગુજરાતની સંસ્કૃતિ સાથે અજોડ નાતો રહેલો છે. લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. તેમાં પણ હવે મહિલા સિંગર પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. જેમણે નાની ઉંમરમાં સિંગિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી અને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. આ યાદીમાં નવ એવી મહિલા સિંગર્સની વાત કરીશું જેમણે ભલે નાના શહેર કે ગામડામાં જન્મ લીધો. પરંતુ પોતાના સુમધુર અને કોયલ જેવી અવાજથી શ્રોતાઓના દિલમાં સ્થાન અંકિત કર્યું.
1. ફાલ્ગુની પાઠક:
યાદ પીયા કી આને લગી, મૈંને પાયલ હૈ છનકાઈ, સાવરિયા તેરી યાદ મેં તેરી મેં પ્રેમ દીવાની ફેમ ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1964માં વડોદરામાં થયો. તેને દાંડિયા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. હાલ તે મુંબઈમાં રહે છે. તેમનું સંગીત, પરંપરાગત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંગીત સ્વરૂપ પર આધારિત છે. 1998માં તેમણે પોતાના પ્રોફેશનલ જીવનની શરૂઆત કરી હતી. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અનેક હિંદી ફિલ્મોમાં પણ તે પોતાનો અવાજ આપી ચૂક્યા છે.
2. દિવાળીબેન ભીલ:
ગુજરાતની કોયલ એટલે દિવાળીબેન ભીલ. દિવાળીબેન ભીલનો જન્મ 2 જૂન 1943માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. પિતાને જૂનાગઢ રેલવેમાં નોકરી મળતાં 9 વર્ષની ઉંમરે દિવાળીબેન જૂનાગઢ આવ્યા. શરૂઆતમાં તેમણે નર્સના ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. હેમુ ગઢવીએ આકાશવાણી રાજકોટ માટે સૌ પ્રથમ તેમનું રેકોર્ડિંગ કર્યુ હતુ. જેના માટે તેમને પાંચ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો. જ્યારે પ્રાણલાલ વ્યાસ સાથે અનેક સ્ટેજ કાર્યક્રમ પણ કર્યા. 1990માં તેમને યોગદાન બદલ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી સન્માન આપીને નવાજવામાં આવ્યા.
3. કિંજલ દવે:
કિંજલ દવેનું નામ મુખ પર આવે એટલે સૌથી પહેલાં ચાર ચાર બંગડીવાળી ગીત યાદ આવી જાય. કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999માં પાટણના નાનકડા ગામ જેસંગપરામાં બ્રાહ્મણ પરિવારમાં થયો. દેખાવમાં રૂપકડી લાગતી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. નાનકડા બાળકથી લઈ યુવાનોના દિલમાં કિંજલ રાજ કરે છે. તેનું બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે. પિતા હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો શોખ ધરાવતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જોનડિયો લગ્નગીત આલ્બમમાં ગાવાની તક મળી. કિંજલને બાળપણથી ગાવાનો શોખ હતો. અને ધીમેધીમે આ શોખ કમાણીનું માધ્યમ બની ગયો. આજે તે ગુજરાતી સંગીતમાં જાણીતું નામ બની ગયું છે.
4. ઐશ્વર્યા મજમુદાર:
ઐશ્વર્યા મજમુદારનો જન્મ 5 ઓક્ટોબર 1993માં અમદાવાદમાં થયો. તેણે 2007-2008માં આવેલ મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા-છોટે ઉસ્તાદમાં 15 વર્ષની ઉંમરે જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી. ઐશ્વર્યાના માતા-પિતા બંને ગાયક છે. તેણે માત્ર 3 વર્ષની ઉંમરે શ્રીમતી મોનિકા શાહ પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી હતી. જ્યારે સૂરના પાઠ પુરુષોત્તમ ઉપાધ્યાય અને અનિકેત ખંડેકર પાસેથી લીધા. 7 વર્ષની ઉંમરે સારેગામાપામાં ભાગ લીધો. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે નાગપુરમાં સૌ પ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો. ઐશ્વર્યાએ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિંદી ફિલ્મોમાં પણ પોતાનો સુમધુર અવાજ આપ્યો છે.
5. ગીતા રબારી:
રોણા શેરમા રે, રોણા શેરમા રે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમા રે... આ ગીતની પંક્તિ સાંભળતાં જ આપણી સમક્ષ એક માલધારીની દીકરી એટલે ગીતા રબારી સ્વંય અભિનય કરી રહ્યા હોય તેવું ચિત્ર તરતા લાગે. ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996માં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામમાં સામાન્ય પરિવારમાં થયો. તેમના પિતા સામાનના ફેરા મારતા હતા તો માતા આજુબાજુના ઘરમાં કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગીતા રબારીને નાનાપણથી જ ગીતો પ્રત્યે ખાસ લગાવ હતો. સૌપ્રથમ તેમણે સ્કૂલના એક કાર્યક્રમમાં ગાવાની શરૂઆત કરી. અને ત્યારબાદ ગામના મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા. ધીમે-ધીમે તેમનો કોકિલ કંઠી અવાજ દેશ અને દુનિયામાં ગૂંજતો થઈ ગયો.
6. ફરીદા મીર:
ભજન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે. જેમાં મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે નામના ધરાવે છે. પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા. જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે.
7. ભૂમિ ત્રિવેદી:
રામ ચાહે લીલા સોંગથી જાણીતી બનેલી ગુજરાતની દીકરી ભૂમિ ત્રિવેદી દેશ અને દુનિયામાં જાણીતી છે. તેનો જન્મ 23 ઓગસ્ટ 1988માં વડોદરામાં થયો હતો. તે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારથી તે સંગીત શીખવા લાગી હતી. તેના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. જ્યારે માતા ફોક સિંગર હતા. અને તેમનું પોતાનું મ્યુઝિક ગ્રૂપ હતું. ભૂમિ 2013માં આવેલી ફિલ્મ ગોલિયો કી રાસલીલા-રામલીલામાં પોતાનો અવાજ આપ્યો અને તે લાઈમલાઈટમાં આવી. ત્યારપછી તેણે 2016માં આવેલી રઈસમાં ઉડી ઉડી જાયેમાં પોતાનો સુમધુર અવાજ આપ્યો. તે અત્યાર સુધી બેસ્ટ પ્લેબેક સિંગર, મોસ્ટ એન્ટરટેઈનિંગ ફિમેલ સિંગર અને અપકમિંગ ફિમેલ વોકલિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂકી છે. હાલમાં હેલ્લારો ફિલ્મમાં તેના અવાજમાં ગીત વાગ્યો રે ઢોલ ધૂમ મચાવી રહ્યું છે.
8. કાજલ મહેરિયા:
પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી ફેમ કાજલ મહેરિયાનો જન્મ 21 નવેમ્બર 1992માં વિસનગરના ગોઠવા ગામમાં થયો. તેના પિતા ખેડૂત છે. કાજલ મહેરિયા છેલ્લાં આઠ વર્ષથી ગીત, ગરબા, ભજન, ભક્તિ ગીતમાં પોતાનો અવાજ આપી ચૂકી છે. કાજલ મહેરિયા ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણ પછી કાજલે ચીની વસ્તુઓના બહિષ્કારની અપીલ કરી હતી. એટલું જ નહીં ચાઈનીઝ એપ ટિકટોક પર 10 લાખથી વધારે ફોલોઅર્સ હોવા છતાં તેણે ટિકટોક એપ્લિકેશન ડિલિટ કરી દીધી હતી. 'મળ્યા માના આશીર્વાદ' તેનું ખૂબ જાણીતું ગીત છે.
9. સાંત્વની ત્રિવેદી:
યુ-ટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી આ નામ બહુ લોકપ્રિય છે. તેનો જન્મ 15 જુલાઈ, 1995માં થયો. સાંત્વનીએ નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. સાંત્વનીના માતા ભાવનાબેન ત્રિવેદી પણ સિંગર છે. તો પિતા બાલકૃષ્ણ ત્રિવેદી રિધમિસ્ટ છે. ભાઈ મેધાંત ત્રિવેદી પણ સંગીત સાથે ક્યાંયને ક્યાંક જોડાયેલો છે. એટલે સાંત્વનીને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન ઘર તરફથી પહેલેથી જ મળ્યું. સાંત્વની ત્રિવેદી મૂળ ગુજરાતના ગોધરા જિલ્લાની છે. ભણતરની વાત કરીએ તો સાંત્વની ત્રિવેદીએ માઈક્રોબાયોલોજિસ્ટ અને બીએડમાં ડિગ્રી મેળવી છે. સાથે જ સાંત્વનીએ શાસ્ત્રીય સંગીતનું પણ શિક્ષણ લીધું છે. તેને યૂ-ટ્યૂબ ક્વીન તરીકે ઓળખવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે