ગુજરાત હાઈકોર્ટે મોરબી હોનારત અંગે સુઓમોટો લઈ 14 નવેમ્બર સુધી જવાબ રજૂ કરવા કર્યો આદેશ

ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતા પુલની હોનારતની ઘટનાની ગંભીર નોંધ લઈને આ અંગે સુઓમોટો લીધી છે. આ કેસમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે આ મામલે રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે.

ગુજરાત હાઈકોર્ટે મોરબી હોનારત અંગે સુઓમોટો લઈ 14 નવેમ્બર સુધી જવાબ રજૂ કરવા કર્યો આદેશ

આશ્કા જાની, અમદાવાદઃ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દીધો હતો. ક્ષમતા કરતા વધારે લોકોને એક સાથે પહેલાં પુલ પર ટિકિટો આપીને જવા દેવામાં આવે છે. અને બાદમાં અચાનક આ પુલ તૂટી પડે છે અને એકબાદ એક ટપોટપ લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયાં. આ ઘટનાએ નાના ભૂલકાઓથી માંડીને વડીલો સહિત કુલ 135 લોકોનો ભોગ લીધો. ત્યારે મોરબી હોનારત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.

ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતા પુલની હોનારતની ઘટનાની ગંભીર નોંધ લઈને આ અંગે સુઓમોટો લીધી છે. આ કેસમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે આ મામલે રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. સાથે જ ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, મ્યુનિસિપાલિટી કમિશનર, હ્યુમન રાઈટ્સ સહિતના અધિકારીઓને પણ મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં નોટિસ ફટકારવામાં આવી છે.

એટલું જ નહીં આજે મોરબી હોનારત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મોરબી હોનારત મામલે 14 નવેમ્બર સુધીમા જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. મોરબી ઘટનામાં 134 લોકોના મૃત્યુ મામલે પ્રસિદ્ધ સમાચાર અહેવાલો પણ ધ્યાનમાં લેવામાં રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે. વેકેશન પછી આજથી હાઈકોર્ટ ફરી શરૂ થઈ છે. કાર્યવાહીની શરૂઆતમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

 

ઉલ્લેખનીય છેકે, મહત્વનું છે કે 30 ઓક્ટોબરના દિવસે સાંજે 6:30 કલાકે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ મોરબીમાં સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news