મુરતિયાઓ પર મંથન! ઘાટલોડિયાથી ચૂંટણી લડશે CM ભૂપેન્દ્ર પટેલ, અસારવા બેઠક પર ભાજપના 100થી વધુ દાવેદાર

બપોર બાદ નરોડા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ચાલુ ધારાસભ્ય બલરામ થવાણી, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ડો. નિર્મલાબેન વાધવાણી, નરોડાના પૂર્વ કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

મુરતિયાઓ પર મંથન! ઘાટલોડિયાથી ચૂંટણી લડશે CM ભૂપેન્દ્ર પટેલ, અસારવા બેઠક પર ભાજપના 100થી વધુ દાવેદાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા પણ આ અંગે મુરતિયાઓ પર મંથન ચાલી રહ્યું છે. કઈ બેઠક પરથી કોને ટિકિટ આપવી કોને ઉમેદવાર બનાવીને સાફો પહેરાવવો તે અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. તેના માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી દીધી છે. ભાજપ દ્વારા નિરીક્ષકો વિવિધ વિસ્તારોમાં વિવિધ બેઠકોમાં જઈને ત્યાંથી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક કાર્યકરોને મળીને સેન્સ લઈ રહ્યાં છે. ત્યારે એક વાત તો આજે સ્પષ્ટ થઈ ગઈ છેકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જ તેમની બેઠક પરથી જ ચૂંટણી લડશે. ભાજપે સર્વાનુમત્તે ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલને જ એક માત્ર દાવેદાર જાહેર કર્યા છે. અન્ય કોઈએ આ બેઠક પર દાવેદારી નોંધાવી નથી. જ્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં જ એક બેઠક એવી છે જ્યાં એક સાથે 100થી વધારે નેતાઓએ ભાજપમાંથી ચૂંટણી લડવા પોતાની દાવેદારી નોંધાવી છે.

સારબરમતી અને વેજલપુરમાં ભાજપ કોને આપશે ટિકિટ?
પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠકમાં સાબરમતી અને વેજલપુર વિધાનસભા બેઠકો માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાબરમતી બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના દાવેદરોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. સાબરમતી બેઠક ઉપર 10 થી 12 લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુર બેઠક ઉપર 15 થી વધુ દાવેદારો સેન્સમાં હાજર રહ્યા હતાં. વેજલપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને સંગઠનના હોદેદારો સહિત 15 જેટલા દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.

ભાજપમાં નરોડામાંથી કોણે કોણે ટિકિટ માંગી?
બપોર બાદ નરોડા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ચાલુ ધારાસભ્ય બલરામ થવાણી, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ડો. નિર્મલાબેન વાધવાણી, નરોડાના પૂર્વ કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. શાહીબાગ વિસ્તારના ઓસ્વાલ ભવન ખાતે આજે અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠક માટે અને સાયન્સ સીટી આર. કે. રોયલ ખાતે સાબરમતી, વેજલપુર, નારણપુરા અને ઘાટલોડિયા એમ કુલ 8 વિધાનસભાની સેન્સ લેવાશે. આવતીકાલે બાકી રહેલી 8 એમ કુલ 16 વિધાનસભાની પ્રક્રિયા પૂર્ણ કરાશે.

આ બેઠક પર ભાજપમાં 100થી વધુ લોકોએ માંગી ટિકિટ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક સહિત અમદાવાદની વિધાનસભા બેઠકો માટે ભાજપના 6 નિરીક્ષકો દ્વારા સવારથી સેન્સ લેવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારમાં શાહીબાગ વિસ્તારના ઓસ્વાલ ભવન અને પશ્ચિમ વિસ્તારમાં વિધાનસભા માટે સાયન્સ સિટી આર. કે. રોયલ ખાતે સેન્સ લેવાઈ રહી છે.અસારવા વિધાનસભા બેઠક માટેની સેન્સ લેવાઇ હતી. જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર, પૂર્વ કોર્પોરેટરો અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો સહિત 100થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news