ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યું હરકતમાં, 8 ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા પર લગાવી રોક
બોર્ડ દ્રારા પુરાવાઓના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી બોર્ડની તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ઓફિસરની ભરતીમાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે નહી.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવરાજ સિંહ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા છે. સરકારી ભરતીઓમાં થઇ રહેલા મસમોટા કૌભાંડોને ઉઘાડા પાડી અત્યારે વિદ્યાર્થીઓ માટે હીરો બની ગયા છે. ત્યારે ફરી એકવાર યુવરાજ સિંહ જાડેજાએ પેપર ફૂટવાને લઇને મોતો ખુલાસો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે તેમણે ગૌણ સેવા પસંદગી પર આરોપ લગાવ્યા હતા અને ખુલાસો કર્યો હતો કે પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા છે. જેને લઇને ગૌણ સેવા હરકતમાં આવી ગયું છે અને પસંદગી મંડળે 8 ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
આજે યુવરાજસિંહ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાઈબલ ઓફિસરની પરિક્ષાના ગેરરીતીના આક્ષેપ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ સફાળે જાગી ગયું છે. યુદ્ધના ધોરણે પગલાં ભરતાં 8 ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા પર રોક લગાવી છે. બોર્ડ દ્રારા પુરાવાઓના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી બોર્ડની તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ઓફિસરની ભરતીમાં નિયુક્તિ પત્ર આપવામાં આવશે નહી. યુવરાજ સિંહે લગાવેલા આરોપો બાદ હાર્દીક પટેલ નામના વ્યક્તિ સામે તપાસ શરૂ કરવામાં આવશે.
શું છે મુદ્દો?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવખત પેપર ફૂટવા મામલે મોટા ખુલાસા કરીને ખળભળાટ મચાવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવાના પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા હોવાનો ખુલાસો કરીને જણાવ્યું છે કે પ્રાંતિજ જેવી ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે. જેમાં 22 જેટલા ઉમેદવારોને બીશા ઉમળ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. 72 ઉમેદવારમાંથી 22 ઉમેદવારોને સબ ઓડિટરના પેપર અપાયા હતા, અને આ સમગ્ર કાંડનો મુખ્ય સુત્રધાર તુષાર મેર હોવાનું જણાવ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભાવનગરના લોલિયા ગામમાં સબ ઓડિટરના પેપર આપવામા આવ્યા હતા. યુવરાજે વધુમાં જણાવ્યું હતું કે, તમામ ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે. પેપરના ભાવ 5 લાખથી 15 લાખ રૂપિયા હતો. જામનગર મનપાનું પેપર ચોટીલાથી લીક થયું હોવાનો આરોપ પણ મૂક્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. યુવરાજસિંહે ઉમેર્યું હતું કે, હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટ્યાની ઘટનામાં જે આરોપીઓ હજુ પણ પકડથી દુર છે, તેમના વિશે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. યુવરાજ સિંહે ખુલાસો કર્યો હતો કે હાઈકોર્ટના પટ્ટાવાળા સમગ્ર રેકેટ ચલાવતા હતા. તેમણે એવું પણ જણાવ્યું છે કે, મારા જીવને પણ જોખમ છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો પાસેથી 15થી 18 લાખ ઉઘરાવવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ નામના વ્યક્તિએ જવાબ ભરવા માટે લાખો રૂપિયા લીધા હોવાનું જણાવાઈ રહ્યું હતું. 72 ઉમેદવાર પૈકી એક ઉમેદવારે સોશિયલ મીડિયામાં પેપર શેર કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલિતાણામાં પણ પ્રાંતિજ જેવી ઘટના બની હતી. પાલીતાણાની ધર્મશાળામાં 22 ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા. જૈન દેરાસરમાં 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યું હતું. આ તમામ 72 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયેલા છે. યુવરાજસિંહે જણાવ્યું કે જસદણના વીંછિયા ખાતેથી પેપર લીકનું ખૂબ મોટું રેકેટ ચાલે છે. સરકાર પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવે તેમજ કૌભાંડીઓની ધરપકડ કરે તેવી માંગ યુવરાજસિંહ જાડેજાએ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે