50 પૈસાના સિક્કાની ટોપલી ભરી RMCમાં વેરો ભરવા પહોંચ્યા એક ભાઈ, અધિકારીઓ સિક્કા જોઈ ચોંકી ઉઠ્યા

રાજકોટમાં એક વ્યક્તિ મહાનગર પાલિકાની કચેરી ખાતે વેરો ભરવા માટે સિક્કાઓ લઈને પહોંચી ગયા હતા. પહેલા તો મનપા કર્મચારીએ તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 

50 પૈસાના સિક્કાની ટોપલી ભરી RMCમાં વેરો ભરવા પહોંચ્યા એક ભાઈ, અધિકારીઓ સિક્કા જોઈ ચોંકી ઉઠ્યા

રાજકોટ/ગૌરવ દવે : રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે અજીબો ગરીબ ઘટના સામે આવી. એક બ્રાહ્મણ કરદાતા 50 પૈસાના સિક્કા લઈને કરવેરો ભરવા પહોંચ્યા હતા. જોકે સિક્કાની ટોપલી જોઈને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો લોકો ડીઝીટલ ભરે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. જે મિલકત ધારકો પોતાનો મિલકત વેરો ડિજિટલ ભરે છે તેને વળતર પણ આપવામાં આવે છે. જોકે આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરીના સિવિક સેન્ટરમાં મિલકત વેરો ભરવા કરદાતા હેમેન્દ્રભાઈ ભટ્ટ સિક્કાની ટોપલી લઈને પહોંચ્યા હતા. 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા હોવાથી પહેલા તો વેરો સ્વીકારવાની કર્મચારી દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જોકે ટેક્સ બ્રાન્ચના અધિકારીએ બેન્ક પાસેથી 50 પૈસા સ્વીકારશે તેવી પરવાનગી લીધા બાદ મિલકત વેરો સ્વીકારવામાં આવ્યો હતો. 

હેમેન્દ્રભાઈ ભટ્ટે કહ્યું હતું કે, તેઓ બ્રાહ્મણ કામ કરે છે જેથી પૂજા, પાઠ અને કર્મકાંડ સમયે જે પરચુરણ આવે છે તે લઈને તેઓ રૂ. 1800 નો વેરો ભરવા માટે આવ્યા હતા. તેમાં 1200 રૂપિયાના સિક્કા હતા. જ્યારે 600 રૂપિયાની ચલણી નોટ હતી. તેમ છતાં કર્મચારીઓએ 50 પૈસાના સિક્કા લેવાનો ઇન્કાર કરી દીધો હતો. ચલણમાં 50 પૈસાના સિક્કા ચાલે છે તેવી દલીલના અંતે તેમનો વેરો સ્વીકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં રૂ. 10ના સિક્કા પણ કોઈ વેપારીઓ કે પછી કચેરીઓમાં સ્વીકારવામાં આવતા નથી. આવા સમયે 50 પૈસાના સિક્કાની ટોપલી લઈને હેમેન્દ્રભાઈ ભટ્ટ મિલ્કત વેરો ભરવા આવતા ટેક્સ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. અંતે બેન્ક આ 50 પૈસાના સિક્કા સ્વીકારશે તેવી ખાત્રી કોર્પોરેશનને મળતા હેમેન્દ્રભાઈનો મિલકત વેરો સ્વીકારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news