મોંઘવારી નડી ગઈ... સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો
Food Oil Price hike : ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત એક અઠવાડિયાથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે. એક તરફ ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યા હવે ખાદ્ય તેલના ભાવમાં પણ મોંઘવારી નડી છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સતત બીજા દિવસે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.
નવા ભાવ મુજબ, તેલના ભાવમાં સતત એક સપ્તાહથી વધારો થઈ રહ્યો છે. એક તરફ, પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં અધધ વધારો થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ હવે જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ પણ માઝા મૂકી રહ્યાં છે. રાજકોટથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, સિંગતેલના ભાવમાં આજે 30 રૂપિયા વધારો કરાયો છે. 30 રૂપિયાનો વધારો થતાં સિંગતેલનો ડબ્બાનો ભાવ 2630 રૂપિયાએ પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550 થી 2580 રૂપિયા થયો છે.
સરકારના અચ્છે દિનનું સુત્ર માત્ર ચૂંટણી વાયદા સાબિત થઈ રહ્યુ છે. હાલ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-રશિયાના યુદ્ધની અસરના નામે તેલના ભાવમાં વધારો કરાયો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં આ બીજીવારનો વધારો છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સતત વધી રહેલા ખાદ્ય તેલોના ભાવોની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડી છે. તેલના ડબ્બા પાછળભાવ વધારો થતા ગૃહિણીઓ પોતાના રસોડા પાછળ જે 10 હજારથી 12 હજારનો ખર્ચ કરતી હતી, તે વધીને હવે 12 થી 15 હજાર જેટલો ફાળવવો પડે છે. જેથી ખાદ્ય તેલોના વધેલા ભાવે ગૃહિણીઓને પણ મુશ્કેલીમાં મૂકી છે અને તેઓના માસિક બજેટમાં વધારો કર્યો છે. તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ તોતિંગ વધી રહ્યા છે. દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે તેલના ભાવ પણ લોકોને ટેન્શન કરાવી રહ્યાં છે.
આમ, ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત એક અઠવાડિયાથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. તેલિયા રાજા બેફામ બની રહ્યાં છે, જેની અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે