પાકિસ્તાનમાં નવાઝ શરીફ-ઈમરાન ખાન બંનેનો સરકાર બનાવવાનો દાવો, અપક્ષ ઉમેદવારો બનશે કિંગમેકર?
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીથી થયેલી સંસદીય અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતગણતરી હજુ ચાલુ છે. ચૂંટણી પહેલા નવાઝ શરીફની પાર્ટીને ફ્રન્ટરનર ગણાવવામાં આવી રહી હતી. પરંતુ જેલની અંદરથી ચૂંટણીની કમાન સંભાળી રહેલા ઈમરાન ખાને બધાને ચોંકાવી દીધા છે.
Trending Photos
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીથી થયેલી સંસદીય અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતગણતરી હજુ ચાલુ છે. ચૂંટણી પહેલા નવાઝ શરીફની પાર્ટીને ફ્રન્ટરનર ગણાવવામાં આવી રહી હતી. પરંતુ જેલની અંદરથી ચૂંટણીની કમાન સંભાળી રહેલા ઈમરાન ખાને બધાને ચોંકાવી દીધા છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થિત ઉમેદવારો સૌથી આગળ જોવા મળી રહ્યા છે. પંરતુ રસપ્રદ વાત એ છે કે મતગણતરી વચ્ચે જ નવાઝ શરીફ અને ઈમરાન ખાન બંનેની પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો ઠોંક્યો છે.
ઈમરાન ખાનની પાર્ટીના સમર્થિત ઉમેદવારોએ સેનાની પસંદ ગણાતા પીએમએલ-એન ચીફ નવાઝ શરીફની પાર્ટીને હાલ રેસમાં પાછળ છોડી છે. ઈમરાન ખાને જેલમાં રાખવાનો એક હેતુ તેમને ચૂંટણીની રેસમાંથી બહાર રાખવાનો પણ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ અત્યાર સુધી જેટલી પણ બેઠકોના પરિણામો સામે આવ્યા છે તે મુજબ તેમની પાર્ટીના સમર્થિત ઉમેદવારોની જીતે સેનાના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ છે.
રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં ચૂંટણી પરિણામો મુજબ 266 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ લગભગ 96 બેઠકો પર જીત નોંધાવી છે. નવાઝ શરીફની પીએમએલ-એન પાર્ટીએ 66 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ લગભગ 51 બેઠકો જીતી છે. એમક્યુએમ-પીએ 14 બેઠકો, પીએમએલે 3 બેઠકો, આઈપીપીએ 2 સીટો, જેયુઆઈ-પીએ બે સીટો અને પીએનએપી તથા એમડબલ્યુએમએ એક એક બેઠક પર જીત મેળવી છે.
આવામાં એવી અટકળો થઈ રહી છે કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાની સેનાએ આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે. પાકિસ્તાનના રાજનીતિક ઈતિહાસમાં 9 ફેબ્રુઆરી હવે એક મહત્વપૂર્ણ તારીખ બની ગઈ છે. દેશ પરિવર્તનને આરે ઊભો છે પરંતુ ચૂંટણી પરિણામો પર શંકા તોળાઈ રહી છે. પીટીઆઈ સમર્થિત ઉમેદવારો ઈન્ટરનેટ પર રોક અને મતવિસ્તારો માટે સ્પષ્ટ નિર્દેશોની કમી જેવા પડકારોને પાર કરતા રેસમાં આગળ છે.
પીએમએલ-એન સૌથી મોટી પાર્ટી, નવાઝ શરીફ
નવાઝ શરીફે મતગણતરી વચ્ચે પાર્ટી સમર્થકોને સંબોધિત કરતા દાવો કરી નાખ્યો કે પીએમએલ-એન દેશમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. ભાવુક થતા કહ્યું કે હું તમને અનેકવાર કહી ચૂકયો છું કે આઈ લવ યુ ટુ. હું તમારી આંખોમાં આજે ચમક જોઈ શકુ છું જે કહી રહી છે કે અમારા જખમ ભરો. આ ચમક કહી રહી છે કે અમારી જીંદગીઓ રોશન કરો. અમે આજે તમને બધાને શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ કે ચૂંટણીમાં પીએમએલ-એન દેશની સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. અમે પાકિસ્તાનના જખમ ભરવા માંગીએ છીએ. અમે જનાદેશનું સન્માન કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ એક સાથે આવીને મળીને સરકાર બનાવવાની જરૂર છે જેથી કરીને દેશને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી શકાય.
અમે પંજાબ-ખૈબર પખ્તુન્ખ્વા સહિત કેન્દ્રમાં સરકાર બનાવીશું- પીટીઆઈ
ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ પણ સરકાર બનાવવાનો દાવો ઠોંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે અમે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, અને કેન્દ્રમાં બહુમત મેળવ્યો છે. આ કારણે અમે આ ત્રણેય જગ્યાએ સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
અપક્ષો બનશે ગેમચેન્જર?
ચૂંટણી પંચે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું ચૂંટણી ચિન્હ બેટને રદ કરી નાખ્યું હતું. ત્યારબાદ તેમની પાર્ટીના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. હવે આ અપક્ષો સેનાની ગેમ બગાડી શકે છે. ચૂંટણીમાં જીતનારા ઉમેદવારો સાંસદ બનશે જ્યારે અપક્ષો પાસે ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પાર્ટીમાં જોડાવવાનો વિકલ્પ પણ રહેશે. પાકિસ્તાનના એક પત્રકારનું કહેવું છે કે નિયમો મુજબ અપક્ષોએ એક મહિનાની અંદર કોઈ પણ પાર્ટીમાં જોડાવવું પડશે. જો આમ થાય તો પીટીઆઈ સમર્થિત ઉમેદવાર ઈમરાન ખાનના ગઠબંધનવાળા કોઈ પણ નાના પક્ષમાં જોડાઈને સંસદ સુધી પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે