છત્રી વિતરણ કાર્યક્રમમાં ભાજપની 2 મહિલા નેતા વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ Video

મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને મહિલા નેતા બોલાચાલી અને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો મીરા રોડ હાટકેશ વિસ્તારનો છે. જ્યાં વરસાદના કારણે પૂર્વ મેયર ગીતા જૈન તેમના સમર્થક ઇમરાન હાશમી સાથે વૃદ્ધોને છત્રી વહેંચવા માટે આવ્યા હતા. જ્યાં ગીતા જૈનના હાથે ગરીબ વૃદ્ધોમાં છત્રી વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન અચાનક વરસાદ શરૂ થઇ જતા વરસાદથી બચવા માટે ગીતા જૈન તેમના સમર્થકો સાથે વરિષ્ઠ નાગરિક કેન્દ્ર પહોંચી ગયા અને ત્યાં ડેરો જમાવ્યો હતો. જેવી આ વાતની જાણ ભાજપ નગર સેવિકા રુપાલી મોદીને થઇ તે ગુસ્સામાં વરિષ્ઠ નાગરિક કેન્દ્ર પહોંચી અન ત્યાં કાર્યક્રમ રોકવા કહ્યું હતું. આ વાતને લઇને ગીતા જૈને વાંધો દર્શાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઝગડા સુધી પહોંચી ગઇ હતી. બંને મહિલા નેતાઓમાં જોરદાર ધક્કા-મુક્કી થઇ અને તે દરમિયાન તેમના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ જોવા મળ્યો હતો.

Trending news