ગાલે ટેસ્ટ SL v NZ: છેલ્લા દિવસે યજમાનને જીતવા માટે 135 રનની જરૂર
બીજી ઈનિંગમાં બંન્ને ઓપનરોએ શાનદાર બેટિંગ કરતા પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની સ્થિતિ મજબૂત લાગી રહી છે.
Trending Photos
ગાલેઃ પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે આપેલા 268 રનના લક્ષ્યનો પીછો કરતા ચોથા દિવસની રમતના અંતે શ્રીલંકાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 133 રન બનાવી લીધા છે. ખરાબ પ્રકાશને કારણે રમત રોકવી પડી ત્યારે દિમુથ કરૂણારત્ને 71 અને લાહિરૂ થિરિમાને 57 રન બનાવી ક્રીઝ પર છે.
ચોથા દિવસની રમતની શરૂઆત કીવી ટીમના બીજી ઈનિંગના સ્કોર 195/7થી શરૂ થઈ હતી. બીજે વોટલિંગ 77 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિલિયમ સોમરવિલેએ ક્રીઝ પર સમય પસાર કરતા 118 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ 26 રન બનાવી આઉટ થયો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડ 285 રન બનાવી આઉટ થયું હતું. એમ્બુલડેનિયાએ શ્રીલંકા માટે બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ધનંજય ડી સિલ્વાને 3 અને લાહિરૂ કુમારાને બે સફળતા મળી હતી.
શ્રીલંકાની ટીમે 268 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા શાનદાર બેટિંગ કરી હતી. દિમુથ કરૂણારત્ને અને થિરિમાનેએ નવા બોલનો સામનો કર્યો હતો. બંન્ને ન્યૂઝીલેન્ડના બોલરોને તક ન આપતા સદીની ભાગીદારી કરી હતી. દિવસ સમાપ્ત થયો ત્યારે કરૂણારત્ને 71 અને થિરિમાને 57 રન બનાવી રમી રહ્યાં હતા. શ્રીલંકાને જીત માટે 135 રનની જરૂર છે. એક દિવસની રમત બાકી છે અને યજમાન ટીમના તમામ ખેલાડી સુરક્ષિત છે. જેથી શ્રીલંકાનું પલડુ ભારે લાગી રહ્યું છે. તો ન્યૂઝીલેન્ડે આ મેચમાં પરત ફરવા માટે કોઈ ચમત્કારની જરૂર છે.
સંક્ષિપ્ત સ્કોર
ન્યૂઝીલેન્ડઃ 249/10, 285/10
શ્રીલંકા: 267/10, 133/0
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે