સૌરવ ગાંગુલી જન્મદિવસ સ્પેશિયલ: એક ભૂલ કે જેણે દાદાની કેરિયર ખતમ કરી...
Sourav Ganguly Birthday Special: સૌરવ ગાંગુલી જ એક માત્ર એવા ક્રિકેટર હતા કે જેમની દાદાગીરી બધાને પસંદ હતી. દાદાના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલી એક સફળ કેપ્ટન હતા કે જેમણે ટીમ ઇન્ડિયાને વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ સામે આંખ મિલાવી રમતા શીખવાડ્યું હતું. પરંતુ એક એવી ભૂલ થઇ કે જેણે આખી કેરિયર ખતમ કરી...
Trending Photos
નવી દિલ્હી: સૌરવ ગાંગુલી કે જેમણે વિવાદમાં ફસાયેલ ટીમ ઇન્ડિયાને બદલી અને વિશ્વ કપ ફાઇનલ સુધી પહોંચાડી. ક્રિકેટની દુનિયામાં 'દાદા' ના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલીનો પીચ પર એવો દબદબો હતો કે સ્પિનરો એમની સામે બોલિંગ નાંખતા પણ ડરતા હતા. ભારતીય ક્રિકેટને વિશ્વ સ્તરે એક અલગ ઓળખ અપાવનાર ઝઝૂની કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે જન્મ દિવસ છે. 8 જુલાઇ 1972 ના રોજ સૌરવ ગાંગુલીનો જન્મ થયો હતો. ક્રિકેટમાં સફળ ખેલાડી અને કેપ્ટન તરીકે ઓળખ બનાવનાર ગાંગુલીએ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇ અપાવી હતી. જોકે એક ભૂલ કે જેણે ગાંગુલીની કેરિયરને ખતમ કરી નાંખી, આવો જાણીએ કેવી રહી ગાંગુલીની ક્રિકેટ સફર...
11 વર્ષ પહેલા પોતાની આખરી ટેસ્ટ રમનાર ખેલાડી સૌરવ ગાંગુલીની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે કે, આજે એમના જન્મ દિવસે ગણતરીના કલાકોમાં જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. પોતાની કેરિયરની શરૂઆતમાં પ્રિન્સ ઓફ કોલકત્તા, બંગાળ ટાઇગર અને મહારાજા જેવા નામથી મશહુર સૌરવ જ્યારે 2008માં પોતાની આખરી ટેસ્ટ મેચ રમી ત્યાં સુધી તે બધાના દાદા બની ચૂક્યા હતા. ક્રિકેટ જગતના તે એક માત્ર એવા ખેલાડી છે કે જેમની દાદાગીરી બધાને પસંદ હતી.
સૌરવ ગાંગુલી ભારતના સફળ કપ્તાનો પૈકીના એક છે. મહેન્દ્ર સિંહ ધોનીથી લઇને વિરાટ કોહલી સુધી આજે ભલે એમનાથી આગળ નીકળી ગયા હોય પરંતુ બધા જાણે છે કે, એ સૌરવ ગાંગુલી જ હતા કે જેમણે ભારતીય ક્રિકેટરોને દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોની આંખમાં આંખ મિલાવીને રમતાં શીખવાડ્યું. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7212 રન અને 311 વન ડેમાં 11,363 રન બનાવ્યા છે.
સૌરવ ગાંગુલીને જાણનારા લોકો કહે છે કે ગાંગુલી પહેલી મુલાકાતમાં જ સામે વાળી વ્યક્તિને ઓળખી લેવાની ગજબ શક્તિ ધરાવે છે. પરંતુ ગાંગુલીથી એક એવી ભૂલ થઇ કે જેને તે પોતાની સૌથી મોટીભૂલ ગણાવે છે. આ ભૂલથી ગાંગુલી તો શિકાર બન્યો જ પરંતુ સાથોસાથ ટીમ ઇન્ડિયાને પણ ઘણું સહન કરવું પડ્યું. ગાંગુલીએ આ ભૂલ 2004માં કરી હતી. કોચ જ્હોન રાઇટના જવાથી ગાંગુલીએ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ગ્રેગ ચેપલનું નામ સૂચવ્યું. જે માટે અન્ય વરિષ્ઠ ક્રિકેટરોએ ગાંગુલીને આ નામ પર ફરી એકવાર વિચાર કરવા પણ કહ્યું,
પરંતુ ગાંગુલી ચેપલ માટે અડગ હતો. ગાંગુલી પોતાની આ ભૂલ અંગે પોતાની આત્મકથા 'અ સેન્ચૂરી ઇઝ નોટ ઇનફ' માં લખ્યું છે કે, મને લાગ્યું કે, ગ્રેગ ચેપલ પડકારજનક પરિસ્થિતિઓમાં ટીમ ઇન્ડિયાને નંબર વનના સ્થાને લઇ જવા માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. મેં જાતે જ જગમોહન ડાલમિયાને પોતાની આ પસંદગી અંગે વાત કરી હતી. સુનિલ ગાવસ્કર સહિતના કેટલાક લોકોએ મને આવું ન કરવાની પણ સલાહ આપી હતી. આમ છતાં હું મારા નિર્ણય પર અડગ હતો અને ચેપલની એન્ટ્રી થઇ.
ચેપલે ટીમ ઇન્ડિયામાં ફૂટ પડાવી અને ગાંગુલીની કેપ્ટનશીપ પણ છીનવી લીધી. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી કે વિશ્વકપ 2007 માં બાંગ્લાદેશ સામે હારીને ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ. ગાંગુલીએ આ અંગે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, કપ્તાની છીનવાઇ જવી એ એક આકસ્મિક ઘટના હતી. પરંતુ મારી સાથે જે જે થયું એ અન્ય કોઇ સાથે ન થવું જોઇએ. ગાંગુલી જ નહીં મોહમ્મદ કૈફ અને સચિન તેંદુલકર પણ આ કિસ્સાથી પરેશાન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે