Prithvi Shaw: પૃથ્વી શોએ 379 રન ફટકારી રચ્યો ઈતિહાસ, તોડ્યો આ દિગ્ગજોનો રેકોર્ડ

Prithvi Shaw Triple Century: પૃથ્વી શોએ રણજી ટ્રોફીની મેચમાં આસામ વિરુદ્ધ તોફાની ઈનિંગ રમતા ત્રેવડી સદી ફટકારી છે. તેણે 379 રનની ઈનિંગ રમી છે. આ સાથે પૃથ્વીએ ટીમ ઈન્ડિયામાં આવવાનો દાવો ઠોકી દીધો છે. 

Prithvi Shaw: પૃથ્વી શોએ 379 રન ફટકારી રચ્યો ઈતિહાસ, તોડ્યો આ દિગ્ગજોનો રેકોર્ડ

મુંબઈઃ Mumbai vs Assam Ranji: સ્ટાર બેટર પૃથ્વી શો લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે, પરંતુ પસંદગીકારો તેના પર ધ્યાન આપી રહ્યાં નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં શો રનનો વરસાદ કરી રહ્યો છે. હવે તેણે મુંબઈ તરફથી રમતા રણજી ટ્રોફીમાં આસામ સામે 379 રન ફટકારી પસંદગીકારોને જવાબ આપ્યો છે. આ સાથે શોએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યાં છે. 

પૃથ્વી શોએ કર્યો કમાલ
અસમની ટીમે મુંબઈ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પૃથ્વી શો મેદાનમાં આવ્યો હતો. પૃથ્વી શોએ મેચના પ્રથમ દિવસે બેવડી સદી ફટકારી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે તેણે ત્રેવડી સદી પૂરી કરી હતી. તેણે મેદાનમાં ચારે તરફ રન બનાવ્યા હતા. પૃથ્વી શો 383 બોલમાં 379 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 49 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. પરંતુ તે 400 રનની ક્લબમાં સામેલ થતાં ચુકી ગયો હતો. 

આ દિગ્ગજોને પાછળ છોડ્યા
પૃથ્વી શો 379 રન બનાવવાની સાથે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સર્વાધિક સ્કોર બનાવનાર બીજો બેટર બની ગયો છે. તેણે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 377 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ બીબી નિંબલકરના નામે નોંધાયેલો છે. તેમણે 1948માં કાઠિયાવાડ વિરુદ્ધ તોફાની ઈનિંગ રમી હતી. ત્યારે 443 રન ફટકાર્યા હતા. 23 વર્ષના પૃથ્વી શોએ સુનીલ ગાવસકર અને ચેતેશ્વર પુજારાને પાછળ છોડી દીધા છે. ગાવસકરનો રણજી ટ્રોફીમાં સર્વાધિક સ્કોર 340 છે. તો પુજારાએ 2012માં કર્ણાટક વિરુદ્ધ 352 રન બનાવ્યા હતા. 

પસંદગીકારોને આપ્યો જવાબ
ભારતીય ટીમે ફેબ્રુઆરી અને માર્ચમાં ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પૃથ્વી શોએ ત્રેવડી સદી ફટકારી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં તક મળી શકે છે. પૃથ્વી શોએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 339 રન બનાવ્યા છે. જેમાં એક સદી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news