RCB vs RR, Match Highlights: હર્ષલ પટેલે બોલિંગમાં કર્યો કમાલ, બેંગલોરે રાજસ્થાનને 7 રને હરાવ્યું
IPL 2023: 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ એક સમયે મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટ ગુમાવતા તેણે હારનો સામનો કરવો પડ્યો.
Trending Photos
બેંગલુરૂઃ RCB vs RR IPL 2023: આઈપીએલની 16મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (RCB)રાજસ્થાન રોયલ્સને રોમાંચક મુકાબલામાં સાત રનથી પરાજય આપી આ સીઝનની ચોથી જીત મેળવી છે. રાજસ્થાનની ટીમને આરસીબી તરફથી 190 રનનો લક્ષ્ય મળ્યો હતો પરંતુ મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે બોલિંગમાં કમાલ કરતા આ લક્ષ્ય હાસિલ કરવા દીધો નહીં. હર્ષલ પટેલે મેચમાં ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. રાજસ્થાનની ટીમને અંતિમ ઓવરમાં 20 રન બનાવવાના હતા, પરંતુ ટીમ માત્ર 12 રન બનાવી શકી હતી.
લીગમાં રાજસ્થાન રોયલ્સે સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં રાજસ્થાન રોયલ્સની ટીમે લખનઉ સુપર જાટન્ટ્સ સામે પણ મેચ ગુમાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમ 155 રનનો લક્ષ્ય હાસિલ કરી શકી નહીં. આ હારની સાથે શાનદાર લયમાં ચાલી રહેલી રાજસ્થાનની ટીમના આત્મવિશ્વાસને ફટકો પડ્યો હતો.
પ્રથમ ઈનિંગમાં ડુ પ્લેસિસ અને મેક્સવેલની અડધી સદી
રાજસ્થાન વિરુદ્ધ આ મેચમાં આરસીબીએ પ્રથમ બોલ પર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે ધમાકેદાર બેટિંગ કરી. ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 77 રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગમાં મેક્સવેલે 6 ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. આ સિવાય ડુ પ્લેસિસ 39 બોલમાં 61 રન બનાવી આઉટ થયો હતો. ડુ પ્લેસિસે 8 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય દિનેશ કાર્તિકે 16 રનનું યોગદાન આપ્યું હતું.
રાજસ્થાનની ઈનિંગનો રોમાંચ
આરસીબીએ આપેલા 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો જોસ બટલર (0) ના રૂપમાં લાગ્યો. ત્યારબાદ યશસ્વી જાયસવાલ અને દેવદત્ત પડિક્કલે રાજસ્થાનની ઈનિંગને સંભાળી હતી. યશસ્વી 47 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. પડિક્કલે 52 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી હતી, આ સિવાય કેપ્ટન સંજૂ સેમસન 22 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં યુવા બેટર ધ્રુવ જુરેલે 16 બોલમાં અણનમ 34 રન ફટકાર્યા પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે