INDvsENG: અંગ્રેજોની ધરતી પર વિરાટની પ્રથમ સદી, બીજા દાવમાં ઈંગ્લેન્ડ 9/1

ગત ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિરાટ કોહલીએ 10 ઈનિંગમાં 134 રન બનાવ્યા હતા. જ્યારે આ વખતે 149 રન ફટકાર્યા છે. 
 

 INDvsENG: અંગ્રેજોની ધરતી પર વિરાટની પ્રથમ સદી, બીજા દાવમાં ઈંગ્લેન્ડ 9/1

બર્મિંઘમઃ એજબેસ્ટનમાં ચાલી રહેલા પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રમત પૂર્ણ થઈ ત્યારે ઈંગ્લેન્ડે 1 વિકેટે 9 રન બનાવ્યા છે. બીજી ઈનિંગમાં અશ્વિને કુક (0) રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઈંગ્લેન્ડની કુલ લીડ 22 રનની થઈ ગઈ છે. 

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના પ્રથમ મુકાબલામાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 274 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડને પ્રથમ દાવના આધારે 13 રનની લીડ મળી છે. ભારતીય ટીમ તરફથી કેપ્ટન કોહલીએ સૌથી વધુ 149 રન ફટકાર્યા છે. 

ઈંગ્લેન્ડની ધરતી પર કોહલીની પ્રથમ સદી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની ધરતી પર ટેસ્ટ સદી ફટકારીને પોતાના ક્લાસનો પરિચય આપ્યો છે. આ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં 22મી સદી છે. ઈંગ્લિશ કંડીશનમાં આ કોહલીની પ્રથમ સદી છે. કોહલીએ 225 બોલમાં 149 રન બનાવી આઉટ થયો. જેમાં 22 ફોર અને એક સિક્સ સામેલ છે. કોહલીને બે વખત જીવનદાન મળ્યું હતું. જ્યારે 21 અને 51 રન પર બે વખત તેનો કેચ છોડી દેવામાં આવ્યો હતો. 

ટીમ ઈન્ડિયાની વિકેટ
ટીમ ઈન્ડિયાને મુરલી વિજય અને શિખર ધવને સારૂ શરૂઆત અપાવી. બંન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. પરંતુ 14મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા યુવા બોલર સૈમ કુરેને તેના પર પાણી ફેરવી દીધું. સૈમ કુરેને મુરલી વિજયને એલબી આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો આપ્યો. મુરલી વિજય 20 રન બનાવીને આઉટ થયો. 

એક બોલ બાદ સૈમ કુરેને લોકેશ રાહુલને બોલ્ડ કરતા ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો પણ આપ્યો. રાહુલ ચાર રન બનાવી આઉટ થયો. 16મી ઓવરમાં સૈમ કુરેને શિખર ધવનને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડને ત્રીજી સફળતા અપાવી. ધવન કુરૈનના બોલ પર સ્લિપમાં કેચ આઉટ થયો. તેણે 26 રન બનાવ્યા હતા. 

ધવન જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 59 રન પર 3 વિકેટ હતો. આ રીતે સારૂ શરૂઆત છતા ટીમ ઈન્ડિયાએ નવ રનની અંદર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી. ત્રણ બોલ બાદ એન્ડરસનનો બોલ કોહલીના બેટના કિનારાને લાગ્યો પરંતુ જોસ બટલર સ્લિપમાં મુશ્કેલ પકડવામાં અસફળ રહ્યો. ભારતીય કેપ્ટન તે સમયે શૂન્ય રને મેદાનમાં હતો. 

28મી ઓવરમાં બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો આપ્યો જ્યારે તેણે રહાણેને સ્લિપમાં કેચઆઉટ કરાવ્યો. રહાણે માત્ર 15 રન બનાવી શક્યો. ત્યારબાદ વિકેટકીપર દિનેશ કાર્તિક પણ શૂન્ય રને બોલ્ડ થયો. આ સમયે ટીમનો સ્કોર 5 વિકેટે 100 રન હતો. 
 
કોહલી જ્યારે 21 રન બનાવી રમતો હતો ત્યારે એન્ડરસનના બોલ પર ભાગ્યશાળી રહ્યો જ્યારે સ્લિપમાં મલાને તેને આસાન કેચ છોડી દીધો. પંડ્યા જ્યારે શૂન્ય પર હતો ત્યારે તેને પણ જીવનદાન મળ્યું. ત્યારબાદ કોહલી અને પંડ્યાએ છઠ્ઠી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. 

46મી ઓવરમાં સૈમ કુરેને હાર્દિક પંડ્યાને 22 રને એલબી આઉટ કર્યો. કોહલીએ ઈંગ્લેન્ડની જમીન પર પોતાની પ્રથમ સદી ફટકારી હતી. કોહલી 51 રન પર હતો ત્યારે ફરી મલાને તેનો કેચ છોડ્યો હતો. 

51મી ઓવરમાં જેમ્સ એન્ડરસને અશ્વિનને બોલ્ડ કર્યો હતો. અશ્વિને 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ શમી પણ એન્ડરસનના હાથે કેચઆઉટ થતા ભારતે આઠમી વિકેટ ગુમાવી હતી. ઈંશાંત શર્મા 5 રન બનાવી રાશિદની બોલિંગમાં એલબી આઉટ થયો હતો. 

ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 287 રનમાં ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 287 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફતી કેપ્ટન જો રૂટે 80 જ્યારે જોની બેયરસ્ટોએ 70 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 4 તથા મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. 

આ સિવાય ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 1-1 વિકેટ મળી. એક બેટ્સમેન રનઆઉટ થયો. ઈંગ્લેન્ડની ટીમ એક સમયે કેપ્ટન જો રૂટ (80) અને જોની બેયરસ્ટો (70)ની અર્ધસદીથી બંન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારીથી મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ભારત પોતાના બોલરોની મદદથી જોરદાર વાપસી કરવામાં સફળ રહ્યું હતું. 

આવી રહી ઈંગ્લેન્ડની ઈનિંગ
ડાબોડી બેટ્સમેન કુક અને જેનિંગ્સને ઇશાંતની બહાર જતા બોલ વિરુદ્ધ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેનિંગ્સ જ્યારે 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઈશાંતના બોલ પર કટ લાગી પરંતુ સ્લિપમાં રહેલ રહાણે તેને પકડવામાં અસફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટને તમામને ચોંકાવતા 7મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ આપી. અશ્વિને પણ કેપ્ટનને નિશાર ન કર્યો અને પોતાની બીજી ઓવરમાં ભારતને સફળતા અપાવી. આ ઓફ સ્પિનરે ટેસ્ટ ક્રિકેટમાં 8મી વાર કુકને આઉટ કર્યો. 

ત્યારબાદ કેપ્ટન જો રૂટ અને જેનિંગ્સે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. જેનિંગ્સ પોતાની અર્ધસદી તરફ આગળ વદી રહ્યો હતો ત્યારે શમીએ તેને 42 રને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ડેવિડ મલાન (8)ને શમીએ એલબી આઉટ કર્યો હતો. ત્યારબાદ બેયરસ્ટોએ રૂટ સાથે મળીને ઈંગ્લેન્ડની બાજી સંભાળી હતી. આ બંન્ને બેટ્સમેનોએ ભારતના બોલર્સોનો શાનદાર રીતે સામનો કર્યો હતો. આ દરમિયાન રૂટે પોતાની અડધી સદી પૂરી કરી અને ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. 

રૂટ અને બેયરસ્ટોએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 216 પર પહોંચ્યો ત્યારે રૂટ બે રન લેવાની ઉતાવળમાં કોહલીના શાનદાર થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. રૂટ આઉટ થતા ઈંગ્લેન્ડનો ધબડકો શરૂ થયો હતો. ત્યારબાદ અશ્વિને બટલર (0) એલબી આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. બેયરસ્ટો (70)ને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. સ્ટોક્સ (21), રાશિદ (13) અને બ્રોડ (1) રન બનાવી આઉટ થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news