IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં ભારતનું રાજ, આ છે ટીમ ઈન્ડિયાની રેકોર્ડ જીતના 5 'હીરો'

રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે ચોથા દિવસે શાનદાર જીત મેળવી છે. આ જીતમાં મહત્વની ક્ષણે દરેક ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ આપણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા પાંચ ખેલાડીઓની વાત કરીશું. 
 

 IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં ભારતનું રાજ, આ છે ટીમ ઈન્ડિયાની રેકોર્ડ જીતના 5 'હીરો'

રાજકોટઃ રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે 434 રને શાનદાર વિજય મેળવી પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ચોથા દિવસે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 122 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. આ મેચમાં પ્રથમ દિવસે 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડના બેઝબોલની હવા કાઢી નાખી હતી. ભારતની જીતમાં પાંચ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આપણે ભારતની જીતના પાંચ હીરો વિશે ચર્ચા કરીશું. 

કેપ્ટન રોહિત શર્મા
ભારતીય ટીમે મેચના પ્રથમ દિવસે માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ઈનિંગ સંભાળી હતી. રોહિતે જાડેજા સાથે મળી ચોથી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં 131 રન ફટકાર્યા હતા. 

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમી રહ્યો હતો. ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે જાડેજા પાંચમાં ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જાડેજાએ રોહિત શર્માની સાથે મજબૂત ભાગીદારી કરી હતી. પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 112 રન ફટકાર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. એટલે કે મેચમાં કુલ સાત વિકેટ લીધી હતી. 

યશસ્વી જાયસવાલ
ભારતીય ટીમે બીજી ઈનિંગમાં આક્રમક રીતે બેટિંગ કરી રન બનાવ્યા હતા. ભારતની આ ઈનિંગમાં સૌથી મોટો ફાળો યુવા બેટર યશસ્વી જાયસવાલનો રહ્યો હતો. યશસ્વીએ બીજી ઈનિંગમાં માત્ર 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સ સાથે અણનમ 214 રન બનાવ્યા હતા. જાયસવાલે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી છે. 

મોહમ્મદ સિરાજ
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસે શાનદાર સ્પેલ ફેંકી મેચમાં ભારતની વાપસી કરાવી હતી. મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં હતું ત્યારે ચાર વિકેટ ઝડપીને ભારતની વાપસી કરાવી હતી. 

સરફરાઝ ખાન
ભારતના યુવા બેટર સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. પોતાની પ્રથમ મેચ રમી રહેલા સરફરાઝે બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. પ્રથમ ઈનિગમાં સરફરાઝ ખાને 62 અને બીજી ઈનિંગમાં અણનમ 68 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news