વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી રચ્યો ઈતિહાસ, કોરોના કાળ બાદ પ્રથમ જીત મેળવી
ENG vs WI Southampton Test Highlights: વિન્ડીઝની ટીમે રાઇઝ ધ બેટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી દીધું છે. આ સાથે કોરોના વાયરસ બાદ રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝની પ્રથમ જીત વિન્ડીઝના નામે રહી.
Trending Photos
સાઉથૈમ્પટનઃ ફટાફટ ક્રિકેટ એટલે કે ટી20ની માહિર વેસ્ટઈન્ડિઝ ટીમે વનડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ચોંકાવતા પ્રથમ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી છે. કોરોના વાયરસને કારણે 117 દિવસ બાદ ક્રિકેટની વાપસી થઈ હતી અને મહેમાન ટીમે યજમાન ટીમને ચાર વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ક્રિકેટના નવા અધ્યાયની જીત તેના નામે થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે તેને 200 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને તેણે 64.2 ઓવરોમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવીને હાસિલ કરી લીધો હતો. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 16 જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડમાં જૈવિક વાતાવરણમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે બ્લેકવુડે સૌથી વધુ 154 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા, જ્યારે રોસ્ટન ચેઝના નામે 88 બોલમાં 37 રન રહ્યાં હતા. જેસન હોલ્ડરે અણનમ 14 અને ડોવરિચે અણનમ 20 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે કેપ્ટન સ્ટોક્સના ખાતામાં બે વિકેટ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 204 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં 313 રન. બીજીતરફ વિન્ડીઝે પ્રથમ ઈનિંગમાં 318 રન બનાવ્યા અને તેને 200 રનનો લક્ષ્ય મળ્યો હતો.
શરૂઆત હતી ખરાબ
200 રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમની શરૂઆત જોફ્રા આર્ચરે ખરાબ કરી દીધી હતી. આર્ચરે સવારના સેશનમાં ક્રેગ બ્રેથવેટ (ચાર) અને સમર બ્રૂક્સ (0)ને પેવેલિયન મોકલી આપ્યા જ્યારે માર્ક વુડે શાઈ હોપ (9)ને આઉટ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી તે માટે પણ વધી કારણ કે ઓપનિંગ બેટ્સમેન જોન કેંપબેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આર્ચરનો યોર્કર તેના પગ પર લાગ્યો અને તેણે મેદાન છોડવુ પડ્યું હતું.
આ રીતે આઉટ થયા ઓપનર
આર્ચર અને જેમ્સ એન્ડરસને શરૂઆતથી ઘાતક બોલિંગ કરતા વિન્ડીઝના બેટ્સમેનોને મુશ્કેલીમાં રાખ્યા હતા. બારબાડોસમાં જન્મેલા ફાસ્ટ બોલર આર્ચરે છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી જ્યારે બ્રેથવેટ બોલ્ડ થયો હતો. આર્ચરે બ્રૂક્સને ત્યારબાદની ઓવરમાં LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ વુડે હોપને બોલ્ડ કરી દીધો હતો.
આ ભાગીદારી રહી મહત્વની
વેસ્ટ ઈન્ડિઝ માટે બીજા સેશનમાં આકર્ષક બ્લેકવુડની અડધી સદી રહી. તેણે અત્યાર સુધી ચેઝનો સારો સાથ મળ્યો હતો. ચેઝ આર્ચરના બાઉન્સર પર બટલરને કેચ આપી બેઠો હતો. આ વચ્ચે શેન ડોવરિચે 20 રન બનાવતા બ્લેકવુડ સાથે મહત્વની ભાગીદારી કરી હતી. ડોવરિચને બેન સ્ટોક્સે વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. વિન્ડીઝનો સ્કોર ત્યારે 5 વિકેટ પર 168 રન હતો.
સદી ચુક્યો બ્લેકવુડ
95 રનની શાનદાર ઈનિંગ રમનાર બ્લેકવુડ માત્ર 5 રનથી સદી ચુકી ગયો હતો. તેને બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. બ્લેકવુડે 154 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે