DC vs RR: દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત, રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું

IPL 2024: રિષભ પંતની ટીમે અંતિમ ચાર ઓવરમાં શાનદાર વાપસી કરતા રાજસ્થાન રોયલ્સને 20 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. દિલ્હી કેપિટલ્સ પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. 
 

DC vs RR: દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત, રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું

નવી દિલ્હીઃ  દિલ્હી કેપિટલ્સે પ્લેઓફનું ભાગ્ય પોતાના હાથમાં રાખતા મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવી દીધું છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર બાદ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે. દિલ્હીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા રિષભ પંતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 221 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શકી હતી. 

રાજસ્થાનના ઓપનરો સસ્તામાં આઉટ
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે બીજા બોલે વિકેટ ગુમાવી હતી. યશસ્વી જાયસ્વાલ 4 રન બનાવી ખલીલની ઓવરમાં આઉટ થયો હતો. જોસ બટલર પણ 17 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સ સાથે 19 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. 

કેપ્ટન સંજૂ સેમસનની વિસ્ફોટક ઈનિંગ
રાજસ્થાન રોયલ્સ તરફથી કેપ્ટન સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરી હતી. સંજૂ સેમસને 46 બોલમાં 8 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 86 રન ફટકાર્યા હતા. સંજૂ સેમસન બાઉન્ડ્રી પર કેચઆઉટ થયો હતો. જેના પર વિવાદ પણ જોવા મળ્યો હતો. રિયાન પરાગે 22 બોલમાં 27 રન બનાવ્યા હતા. જ્યારે શુભમ દુબેએ 12 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 25 રન બનાવ્યા હતા.

રોવમેન પોવેલ 13 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ડેવોન ફેરેરિયો 1 અને આર અશ્વિન 2 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ અને રસિખ ડારને એક-એક સફળતા મળી હતી. 

પાવરપ્લેમાં જેક-ફ્રેઝર મેકગર્કનો ધમાકો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત મજબૂત રહી હતી. જેક ફ્રેઝર મેકગર્કે પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરી હતી. મેકગર્કે માત્ર 19 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી. મેકગર્ક 20 બોલમાં 7 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય અભિષેક પોરેલે દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. પોરેલે આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 65 રન બનાવ્યા હતા. અભિષેકે 36 બોલમાં 7 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 65 રન બનાવ્યા હતા. 

શાઈ હોપ માત્ર 1 રન બનાવી રનઆઉટ થયો હતો. દિલ્હીએ ચોથા સ્થાને અક્ષર પટેલને મોકલ્યો પરંતુ તે પણ માત્ર 15 રન બનાવી શક્યો હતો. કેપ્ટન રિષભ પંત 15 રન બનાવી યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરોમાં ટ્રિસ્ટન સ્ટબ્સે કમાલની બેટિંગ કરી હતી, સ્ટબ્સે 20 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. ગુલબદ્દીન નાયબ 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

રાજસ્થાન રોયલ્સ તરફથી આર અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. આઈપીએલ-2024માં આર અશ્વિનનો આ બેસ્ટ સ્પેલ રહ્યો છે. અશ્વિને 4 ઓવરમાં 24 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને ચહલને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news