ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઈતિહાસ, ક્રિકેટ જગતમાં આ સિદ્ધિ મેળવનારી બની પ્રથમ ટીમ

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં 209 રને પરાજય આપ્યો છે. આ સાથે કાંગારૂ ટીમે એક મોટો ઈતિહાસ રચી દીધો છે. 
 

ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઈતિહાસ, ક્રિકેટ જગતમાં આ સિદ્ધિ મેળવનારી બની પ્રથમ ટીમ

લંડનઃ WTC Final 2023 IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ટ્રોફી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ફાઈનલમાં 209 રને કારમો પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાને બેટર અને બોલર શાનદાર પ્રદર્શન કરી શક્યા નહીં. આ કારણે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને હરાવતા ઓસ્ટ્રેલિયાએ એક એવો રેકોર્ડ બનાવી દીધો છે, જે આ પહેલાં કોઈ ટીમ બનાવી શકી નથી. આવો જાણીએ આ વિશે...

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો આ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ 1987, ODI વર્લ્ડ કપ 1999, ODI વર્લ્ડ કપ 2003, ODI વર્લ્ડ કપ 2003 અને ODI વર્લ્ડ કપ 2015 જીત્યો હતો. ચેમ્પિયનશિપ ટ્રોફી 2006 અને 2009માં જીતી હતી. આરોન ફિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપ 2021નું ટાઈટલ અને પેટ કમિન્સની આગેવાનીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ટ્રોફી જીતી છે. ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયા એવી પ્રથમ ટીમ બની ગઈ છે, જેણે વનડે વિશ્વકપ, ટી20 વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. આ પહેલાં વિશ્વની કોઈ ટીમ આ સિદ્ધિ મેળવી શકી નથી. 

ભારતનો થયો કારમો પરાજય
ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય બેટર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યાં અને સારૂ પ્રદર્શન કરી શક્યા નહીં. ભારત માટે કોઈ બેટર અડધી સદી ફટકારી શક્યો નહીં. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 49 રન કોહલીએ બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 46 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ 43 રન, ચેતેશ્વર પુજારા 27 રન અને શ્રીકર ભરત 23 રન બનાવી આઉટ થયા હતા. ભારતીય ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઓસ્ટ્રેલિયાએ દેખાડી તાકાત
મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. તો ભારતીય ટીમ માત્ર 296 રન બનાવી શકી હતી. પછી બીજી ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયન બેટરોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 270 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો, જેનાથી ટીમ ઈન્ડિયાને 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news