રાજભા ગઢવી પર દુખોનો પહાડ તૂટી પડ્યો! જેણે કલાનો વારસો આપ્યો એ પિતાનું નિધન થયું
Rajbha Gadhvi Father Death : ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ, કલાકારના માથેથી છીનવાઈ પિતાની છત્રછાયા
Trending Photos
Rajbha Gadhvi : ગુજરાત એ કલા અને સંસ્કૃતિને સાચવી રાખતી ધરોહર છે. અહીંના કલાકારોની ગુંજ દેશવિદેશમાં ફેલાયેલી છે. ત્યારે ગુજરાતના જાણીતા લોકકલાકાર રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ ફેલાયો છે. રાજભા ગઢવીના પિતાનું નિધન થયું છે. ખુદ કલાકારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી શેર કરી છે.
રાજભા ગઢવીએ લખી પોસ્ટ
લોકકલાકાર રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ ગઢવીનું બુધવારે 70 વર્ષની વયે નિધન થયું હતુ. ખુદ રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે, 29 જાન્યુઆરીની સાંજે છ વાગ્યાની આસપાસ પિતાનું નિધન થયું છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી રાજભાના પિતા બીમાર હતાં.
રાજભા ગઢવીની પોસ્ટ પર અનેક લોકોએ પ્રતિક્રીયા આપી હતી. એક પોસ્ટમાં લખ્યું કે, સો વર્ષે પડતો દુષ્કાળ એ પણ દુષ્કાળ જ કહેવાય પિતા ગમે એટલી ઉંમર પછી પણ કૈલાસ સીધાવે તો એનો વિરહ વહમો જ હોય ઈશ્વર ચારણ માત્મા ના આત્મા ને નિજ સામિપ્ય પ્રદાન કરે .
રાજભાને પિતા પાસેથી મળ્યો હતો કલાનો વારસો
આલસુરભાઈ સામત પરિવાર સાથે ગીરના જંગલમાં આવેલા લીલાપાણીમાં નેસમાં રહેતાં હતા. આપણા ગુજરાતના નામી સંત ઈન્દ્રભારતી બાપુએ પિતાને ઘેરા વડલાંની ઉપમા આપી હતી એટલે એ અર્થમાં રાજભાનો 'ઘેરો વડલો' ન રહ્યો. રાજભા ગઢવીને પિતા પાસેથી કલાનો અમૂલ્ય વારસો મળ્યો હતો. આજે તેમના પિતાને કારણે રાજભા આ મુકામ સુધી પહોંચી શક્યા છે. તેઓ પોતાના પિતાને બાપા કહીને સંબોધતા હતા.
રાજભા ગઢવી અગાઉ કહી ચૂક્યાં છે કે લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી તેમના માનસ ગુરુ છે પરંતુ સાહિત્યનો સાચો વારસો તો તેમને પિતા પાસેથી મળ્યો હતો. રાજભા ભણ્યાં નથી પરંતુ પિતા પાસેથી સાહિત્યની વાતો સાંભળી હતી. એક પોસ્ટમાં પિતા અને કાકાની તસવીર શેર કરતા રાજભાએ લખ્યું હતું કે, મારા બાપુ અને કાકા પાંસે હું સાવ બચોળિયું લાગું છું ને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે