ઠંડા પવનો ફૂંકાશે, વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા પાંચ-છ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. બપોરના સમયે તો લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાંથી હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.
હવામાન વિભાગે આ સાથે કહ્યું કે 22 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 22મી જાન્યુઆરીએ રાતથી પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
Trending Photos