કેનેડામાં રોટલો ને ઓટલો નથી મળી રહ્યો, MBA દીકરી કોઈ રેસ્ટોરન્ટમાં કચરા-પોતા કરે છે
Canada Visa : છેલ્લાં બે વર્ષમાં ભારતમાં બધુ છોડીને કેનેડા સ્થાયી થયેલા લોકો પસ્તાઈ રહ્યાં છે... અહી નોકરી નથી રહી, સાથે જ ઘર ચલાવવું પણ મોટી ચેલેન્જ છે
Trending Photos
Canada News : 2023 ના અંતમાં એવું એવુ બની રહ્યું છે કે ભારતીયોનો કેનેડાનો મોહભંગ થઈ રહ્યો છે. તેના અનેક કારણો છે. કેનેડામાં હવે રોટલો અને ઓટલો મળવા મુશ્કેલ બની રહ્યાં છે. કેનેડામાં ગયેલા લોકો હવે પસ્તાઈ રહ્યા છે કે, આના કરતા તો અમે ભારતમાં સુખી હતા. હવે સ્થિતિ એવી છે કે, કેનેડામાં કેવી હાલતમાં જીવી રહ્યા છે તે ઘરવાળાને કહી શકાતુ નથી. કારણ કે, લાખોનો ખર્ચો કરીને માતાપિતાએ ડોલર કમાવવા સંતાનોને કેનેડા મોકલ્યા, પરંતુ અહી તો ડોલર કમાવવાના જ ફાંફાં પડી રહ્યાં છે. કેનેડામાં હવે નોકરી પણ મળી નથી રહી.
કેનેડામાં ભારતનું ભણતર અને ડિગ્રી કોઈ કામમાં આવતા નથી
જો તમે તમારા સંતાનોને એન્જિનયિર, એમબીએ, ફાર્મસી કે કોઈ અન્ય ડિગ્રી માટે લાખોનો ખર્ચ કરીને ભણાવ્યા છે અને તમે તમારા સંતાનોને બીજા લાખોનો ખર્ચો કરીને કેનેડા મોકલ્યા છે, તો સમજી લો કે તમારો એન્જીનિયર દીકરો કેનેડામાં વાસણો સાફ કરે છે. એમબીએ દીકરી કેનેડાની કોઈ રેસ્ટોરન્ટમાં કચરા-પોતા કરે છે. અથવા તો કોઈ મોલમાં સામાન ગોઠવે છે. આવી સ્થિતિ હાલ કેનેડામાં છે. કેનેડામાં ભારતનું ભણતર અને ડિગ્રી કોઈ કામમાં આવતા નથી. ત્યાં જઈને વિદ્યાર્થીઓ ત્યાનો લોકલ કોર્સ કરે તો જ વાત બને, અથવા તમારી પાસે ગમે તેટલી પીએચડીની ડિગ્રી હોય છતાં કેનેડામાં તેને અનુરૂપ નોકરી મળતી નથી.
કેનેડામાં ડોલરમાં ખર્ચા પોસાય તેમ નથી
હજી ગત વર્ષે જ કેનેડા ગયેલુ એક ગુજરાતી કપલની દાસ્તાન પણ દુખદાયક છે. કેનેડામાં એક જ વર્ષમાં તેમણે ચારથી પાંચવાર ઘર બદલ્યા. કેનેડામાં ભાડા વધારા હોવાથી તેમણે ઘર બદલવા પડી રહ્યા છે. સાથે જ તેમની નોકરીના કોઈ ઠેકાણા નથી. પત્ની એક રેસ્ટોરન્ટમાં થોડા કલાકો માટે નોકરી કરે છે. તો પતિ પણ છુટક કામ કરે છે. પતિ પાસે પીએચડીની ડિગ્રી છે, તો પત્ની પાસે એમબીએની ડિગ્રી છે. તેઓ કહે છે કે, અમારી પાસે જે ડિગ્રી છે તે મુજબ અમને કામ નથી મળી રહ્યું. આ કારણે અમારા ભણતરનો અમને અહીં કોઈ અનુભવ નથી મળી રહ્યો. અમે છુટક કામ કરીને કમાણી કરીએ છીએ. સારી નોકરી મળે તેની રાહ જોવી પડે તેમ નથી, કારણ કે કેનેડામાં ડોલરમાં ખર્ચા પોસાય તેમ નથી.
કેનેડામાં નોકરી કરવામાં મુશ્કેલી
કેનેડામા ભણીને નોકરીની શોધ કરી રહેલો યુવક કહે છે કે, અહી નોકરી શોધવા માટે બહુ જ પ્રયાસો કરવા પડે છે. કેનેડામાં નોકરીઓની અછત વધી જતી હોય છે, શિયાળામાં અહીં લોકો રાત્રે બહાર નીકળવાનું પસંદ કરતા નથી અને તેના જ કારણે મોલ કે સ્ટોરમાં જે કામ 4-5 લોકોથી ચાલતું હોય ત્યાં માત્ર 1થી 2 જણની જ જરુર પડતી હોય છે. આવામાં મોલમાં પણ નોકરી જલ્દી મળતી નથી.
કેનેડામા નોકરી માટે સ્પર્ધા
નોકરીની ભાગદોડ એટલી છે કે તમે શું કરી રહ્યા છો તે વિચારવાનો સમય જ નથી મળતો, તમે બીમાર હોવ કે નોકરીએ ન જવાની ઈચ્છા હોય તો પણ જવું પડે છે કારણ કે તમે નહીં જાવ તો તમારી જગ્યા જલદીથી ભરાઈ શકે છે. કેનેડામાં નોકરી માટે સ્પર્ધા પણ ધણી છે. તમે કામ નહિ કરો તો બીજા પચાસ કામ કરવા માટે લાઈનમાં ઉભા છે. તેથી તમે રજા લેવામાં પણ સો વાર વિચાર કરશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે