UP Assembly Election 2022: Yogi Adityanath એ અસદુદ્દીન ઓવૈસીને ગણાવ્યા દેશના મોટા નેતા, પડકાર સ્વીકાર્યો
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીના પરિણામો બાદ યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી દેશના મોટા નેતા છે અને ભાજપના કાર્યકરો તેમનો પડકાર સ્વીકારે છે. હકીકતમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે આ વખતે યુપીમાં યોગીને મુખ્યમંત્રી બનવા દઈશું નહીં. ઓવૈસીનો આ પડકાર સ્વીકારતા યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ 300થી વધુ સીટો યુપીમાં જીતશે.
યોગીના નિવેદનનું રાજકીય તારણ?
યુપીના સીએમ યોગી આદિત્યનાથનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ યુપીમાં 100 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને યુપીમાં સપા-કોંગ્રેસ પર ઓવૈસી સતત સવાલ પેદા કરી રહ્યા છે. આ નિવેદનના અનેક રાજકીય તારણો નીકળી રહ્યા છે.
ઓવૈસી સપાને કરી શકે છે નુકસાન
ઓવૈસી યુપીમાં મુસ્લીમોની ભાગીદારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હાલ યુપીમાં મુસ્લિમ મત બેંક સમાજવાદી પાર્ટી સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે. સપા એવો દાવો કરી રહી છે કે 2022માં ભાજપનો મુકાબલો ફક્ત સમાજવાદી પાર્ટી જ કરી રહી છે. પરંતુ ઓવૈસી યુપીમાં પોતાનો રાજકીય બેઝ શોધી રહી છે. જો ઓવૈસી 100 સીટો પર ચૂંટણી લડે તો સપાની વોટબેંકને નુકસાન થઈ શકે છે જેનો સીધો ફાયદો ભાજપને જ મળશે.
ભાજપ ઈચ્છે છે કે ઓવૈસી યુપીમાં ચર્ચાનો વિષય બને
યુપીમાં અનેક રાજકારણના ધૂરંધરો યોગીના નિવેદનને ભાજપની ચૂંટણી રણનીતિ તરીકે જોઈ રહ્યા છે. યોગીએ કહ્યું કે ઓવૈસી દેશના મોતા નેતા છે. યોગીના આ નિવેદનથી ઓવૈસીની સ્વીકાર્યતા મુસ્લિમોમાં વધી શકે છે અને કદાચ આથી જ યોગીએ ઓવૈસીના પડકારને પણ સ્વીકારી લીધો. જો યુપીમાં ઓવૈસી પૂરા જોર સાથે ચૂંટણીલડે તો સપાના મુસ્લિમ મતમાં ગાબડું પડી શકે છે. જેનો ફાયદો ઉઠાવવાની ભાજપની પણ તૈયારીઓ જોવા મળી રહી છે. આથી ભાજપના તમામ નાના મોટા નેતા હાલ ઓવૈસી પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે, જેથી કરીને ઓવૈસી યુપીમાં ચર્ચાનો વિષય બની રહે.
ઓવૈસી બંગાળમાં કશું ઉકાળી શક્યા નહીં
વિપક્ષ વારંવાર કહે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં AIMIM ના ચૂંટણી લડવાથી તેજસ્વી યાદવને અનેક બેઠકો પર નુકસાન થયું. જેના કારણે બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર બની ગઈ. જો કે બિહાર બાગ ઓવૈસીને બંગાળમાં તો કોઈ સફળતા મળી નહીં. પશ્ચિમ બંગાળના મુસલમાન મતદારો એકતરફી રીતે મમતા બેનર્જી સાથે આવી ગયા. મુસ્લિમ મતોના એકતરફી ધ્રુવીકરણના કારણે જ મમતા બેનર્જીની બંગાળમાં પૂર્ણ બહુમતની સરકાર બની શકી.
BSP અને કોંગ્રેસ આ વખતે લડાઈમાંથી બાકાત?
પશ્ચિમ બંગાળ બાદ જો યુપીના મુસ્લિમો એક સાથે સમાજવાદી પાર્ટી સાથે આવી જાય તો અનેક સીટો પર સપાની જીત સરળ બની જશે. ખાસ કરીને પૂર્વાંચલ વિસ્તારમાં. કારણ કે બંગાળ બાદ એવું મનાય છે કે મુસ્લિમ મતદારો એ જ પાર્ટીને મત આપશે જે ભાજપને હરાવતી જોવા મળશે. હાલ યુપીમાં સમાજવાદી પાર્ટી જ દરેક સીટ પર ભાજપ સામે લડતી જોવા મળી રહી છે. બીએસપી અને કોંગ્રેસ આ વખતે લડાઈથી દૂર જોવા મળી રહ્યા છે. આવામાં જો ઓવૈસી 100 બેઠકો પર ચૂંટણી લડે તો તેઓ યુપીની મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પરથી જ ઉમેદવારો ઉતારશે અને ઓવૈસીના મોટાભાગના ઉમેદવારો પણ મુસ્લિમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સપાના મુસ્લિમ મતબેંકને શું ઓવૈસી નુકસાન પહોંચાડવામાં સફળ રહેશે? આ એક મોટો સવાલ છે. જ્યારે સપાને લાગે છે કે ભાજપ વિરોધના બધા મતો તેમને મળશે. કારણ કે તેઓ બંગાળની જેમ જ મુખ્ય રીતે ભાજપના વિપક્ષમાં છે.
2017માં પણ AIMIM અનેક બેઠક પર લડી હતી ચૂંટણી
AIMIM પશ્ચિમ યુપીના મુરાદાબાદ, સંભલ, અમરોહા, બિજનૌર, કૈરાના, સહારનપુર જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. મુરાદાબાદની કાંઠ વિધાનસભા બેઠક સીટ પર સપા હારી ગઈ અને ભાજપ જીત્યો. તેની પાછળ AIMIM ને મળેલા મત સૌથી મોટું કારણ હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુરાદાબાદની કાંઠ વિધાનસભા બેઠકથી AIMIM ના ઉમેદવારને 22908 મત મળ્યા હતા. જ્યારે આ સીટ સપા ફક્ત 3000 મતથી હારી હતી. એટલે કે જો AIMIM ના ઉમેદવારને આટલા મત ન મળ્યા હોત તો ભાજપનું જીતવું મુશ્કેલ હતું. જ્યારે સંભલમાં AIMIM ને સૌથી વધુ 59,336 મત મળ્યા હતાં પરંતુ આ સીટ સપાના ઈકબાલ મહેમૂદ જ જીત્યા હતા.
2017માં ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન
આ બે સીટો ઉપરાંત પશ્ચિમ યુપીની મોટાભાગની વિધાનસભા બેઠકો પર 2017માં AIMIM નું પ્રદર્શન સારું ન રહ્યું. પાર્ટીને કઈંક આ પ્રકારે મત મળ્યા હતા.
સહારનપુર- 693 મત
કૈરાના- 1365 મત
નઝીબાબાદ-બિજનૌર- 2094 મત
મુરાદાબાદ શહેર - 947 મત
બદાયુ- 883 મત
બારાબંકી- 708 મત
આગરા દક્ષિણ- 232 મત
કોલ, અલીગઢ- 463 મત
નગીના- 4385 મત
અમરોહા-2861 મત
2017 થી 2021 માં સમીકરણો બદલાયા
2017થી હવે 2021 સુધીમાં 4 વર્ષ વીતી ગયા છે. અનેક રાજકીય સમીકરણો બદલાયા છે. જો આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ આ ચારેય પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડી રહી છે. ભાજપ ફક્ત નિષાદ પાર્ટી અને અપના દળ(એસ) સાથે ગઠબંધનમાં છે જ્યારે સપા પશ્ચિમ યુપીની આરએલડી, મહાન દળ અને પૂર્વી યુપીની જનવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં છે. સપાએ આ ચૂંટણીમાં બસપા અને કોંગ્રેસથી અંતર જાળવ્યું છે. બીએસપી અધ્યક્ષ માયાવતીએ પણ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. ભાજપને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો મુસ્લિમ મતબેંક પર પોતાનો અધિકાર જતાવે છે. આવામાં યુપીના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી કેટલો કમાલ કરી બતાવશે તે તો સમય જ બતાવશે. પરંતુ રાજકીય પક્ષોની પોત પોતાની ચૂંટણી તૈયારીઓ ઉત્તર પ્રદેશમાં હવે શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે