જામિયા-AMU હિંસા મામલે સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કાર, અરજીકર્તાઓને કહ્યું- હાઈકોર્ટમાં જાઓ

Jamia Millia Islamia University અને એએમયુમાં થયેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમે અરજીકર્તાઓને સંબંધિત હાઈકોર્ટ્સમાં જવાનું કહ્યું છે. મંગળવારે આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાઓને પૂછ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં. હાઈકોર્ટમાં કેમ ગયા નહીં. 

જામિયા-AMU હિંસા મામલે સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કાર, અરજીકર્તાઓને કહ્યું- હાઈકોર્ટમાં જાઓ

નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University) અને એએમયુ (AMU) માં થયેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમે (Supreme Court)  અરજીકર્તાઓને સંબંધિત હાઈકોર્ટ્સમાં જવાનું કહ્યું છે. મંગળવારે આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાઓને પૂછ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં. હાઈકોર્ટ (High Court) માં કેમ ગયા નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો કોઈ કાયદો તોડે છે, પથ્થર મારે છે, બસ બાળી મૂકે છે તો પોલીસ (Police) શું કરશે? કોર્ટે આવો સવાલ ત્યારે પૂછ્યો જ્યારે અરજીકર્તાઓ તરફથી કહેવાયું હતું કે જામિયા (Jamia) અને અલીગઢ યુનિવર્સિટી (AMU) માં વિદ્યાર્થીઓ પર દાખલ કેસમાં તેમની ધરપકડ થવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આ મામલે તપાસના આદેશ આપી શકે છે. સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજ કે હાઈકોર્ટના પૂર્વ જજ દ્વારા પરંતુ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારને સાંભળ્યા બાદ હાઈકોર્ટ ધરપકડ અને મેડિકલ સુવિધાના મામલે આદેશ બહાર પાડી શકે છે. કોર્ટે કહ્યું કે આ મામલો અનેક રાજ્યોમાં ફેલાયેલો છે, આથી અમારું માનવું છે કે એક તપાસ કમિટીની રચનાથી કશું વળશે નહીં. 

સીધા સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી દાખલ  કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરતા બેન્ચના વકીલો- ઈન્દિરા જયસિંહ, અને નિઝામ પાશાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટને ટ્રાયલ કોર્ટની જેમ ટ્રીટ કરી શકો નહીં. બેન્ચે  કહ્યું કે અમે હસ્તક્ષેપ કરીશું નહીં. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ મામલે પક્ષપાતી નથી. પરંતુ જ્યારે કોઈ કાયદો તોડે તો પોલીસ શું કરશે? કોઈ પથ્થર મારે છે, બસ બાળે છે તો પોલીસને એફઆઈઆર કરતા કેવી રીતે રોકી શકો? આ કાયદા વ્યવસ્થાની સમસ્યા છે. બસ કેવી રીતે બળી? તમે હાઈકોર્ટમાં કેમ ગયા નહીં? હાઈકોર્ટ સુનાવણી કરવામાં સક્ષમ છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે પોલીસ એક્શનથી નારાજ વિદ્યાર્થીઓ જો સંબંધિત હાઈકોર્ટમાં ગયા હોત તો વધુ સારું થાત. 

આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજુ કરતા કોર્ટને જણાવ્યું હતું કે કોઈ પણ વિદ્યાર્થીની ધરપકડ થઈ નથી. તેમણે કહ્યું કે હિંસા દરમિયાન 31 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 67 લોકોને ઈજા થઈ. જેમને પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યાં. 20 ગાડીઓને આગ લગાવવામાં આવી છે. અહીં યુપી પોલીસ અને દિલ્હી પોલીસ બંનેના ટોચના અધિકારીઓ હાજર છે. તમે તેમને પૂછી શકો છો. પરવાનગી વગર પોલીસના જામિયા કેમ્પસમાં ઘૂસવાના આરોપો પર મહેતાએ દાવો કર્યો કે પ્રોક્ટરે પોલીસને ભલામણ કરી હતી. 

સીજેઆઈએ કહ્યું કે અમે તમારા નિવેદન નોંધીશું કે કોઈ ધરપકડ થઈ નથી પરંતુ ગેરકાયદે ગતિવિધિઓ થઈ શકે નહીં. પોલીસ પાસે પણ આવી અપરાધિક ગતિવિધિઓને રોકવાના અધિકાર છે. કેસની સુનાવણી બપોરે 12.30 વાગે શરૂ થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂછાયું હતું કે કેટલી બસો બાળી મૂકી? કોણે બાળી? સુનાવણી દરમિયાન અરજીકર્તાઓના વકીલ મહેમૂદ પ્રાચાએ કહ્યું કે દેશભરમાં CAA વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોર્ટે શું કરવું જોઈએ? વકીલ પ્રાચાએ કહ્યું કે દેશભરમાં વ્યાપક રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ આપણા માર્ગદર્શક છે. SCએ વિરોધ કરીને અમારા અધિકારોની રક્ષા કરવી જોઈએ. આ એક ધેરાબંધી હતી જ્યાં સશસ્ત્ર પોલીસે નિહત્થા નાગરિકો પર હુમલો કર્યો હતો. અરજીકર્તાઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ક રી રહ્યા હતાં. હિંસા કરનારા વિદ્યાર્થીઓ નહતાં. જેના પર સીજેઆઈએ પૂછ્યું કે તો પછી બસમાં આગ કોણે ચાંપી? તો વકીલે કહ્યું કે તેની પોલીસે તપાસ કરવી જોઈએ. એ પણ જાણવું જોઈએ કે હિંસા કોણે કરી. 

જુઓ LIVE TV

વકીલ પ્રાચાએ કહ્યું કે સરકાર આ વાતને ખરાબ રીતે રજુ કરવાની કોશિશ કરી રહી છે. સીજેઆઈ બોબડેએ કહ્યું કે અમે અહીં સરકારના વલણને નથી જોઈ રહ્યાં. હાલ અમે CAA 2019 પર નિર્ણય લેવાના પોઈન્ટ પર નથી. બીજી બાજુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે એક પણ વિદ્યાર્થીની ધરપકડ થઈ નથી. 

અરજીકર્તાઓએ સુપ્રીમ પાસે શું માગણીઓ કરી હતી?

- સુપ્રીમ કોર્ટ પોલીસને નિર્દેશ આપે કે જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કોઈ પણ એક્શન ન લે.
- બંને યુનિવર્સિટીમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના રિટાયર્ડ જજોની એક કમિટી બનાવવામાં આવે. 
- યુનિવર્સિટીની મંજૂરી વગર પોલીસ જામિયા અને AMUમાં પ્રવેશ ન કરી શકે. 
- ઘાયલ વિદ્યાર્થીઓને મફક ચિકિત્સક સેવાઓ ઉપલબ્ધ  કરાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news