રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, કોંગ્રેસના એલાનથી ડાબેરીઓ કાળઝાળ

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત એક અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધ્યક્ષને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે.

રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, કોંગ્રેસના એલાનથી ડાબેરીઓ કાળઝાળ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત એક અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધ્યક્ષને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર બનશે કે રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. એવા પણ અહેવાલ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીની બેઠક મુશ્કેલીમાં જોતા પાર્ટીએ તેમને અન્ય જગ્યાએથી પણ ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આથી તેમના માટે અત્યંત સુરક્ષિત બેઠક નક્કી કરાઈ છે. જો કે કોંગ્રેસ દ્વારા આ જાહેરાત કરાતા ડાબેરીઓ ભડકી ગયા છે. કારણ કે  કેરળ આમ તો ડાબેરીઓનો ગઢ ગણાય છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ આજે જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક ઉપરથી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. એ કે એન્ટોની અને રણદીપ સૂરજેવાલાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં આ અંગે જાહેરાત કરી. એન્ટોનીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એવી માગણી ઉઠી રહી હતી કે રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતની એક બેઠકથી ચૂંટણી લડવી જોઈએ. જેથી દક્ષિણમાં પાર્ટી ને મજબુતી મળે.

— ANI (@ANI) March 31, 2019

ડાબેરીઓ કાળઝાળ
સીપીએમએ કોંગ્રેસના આ નિર્ણયને ભાજપને 2019માં સત્તામાં આવતા રોકવા માટેની કોંગ્રેસની પ્રતિબદ્ધતા વિરુદ્ધનો ગણાવ્યો છે. સીપીએમના પૂર્વ મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવાનો અર્થ સ્પષ્ટ છે કે કોંગ્રેસની પ્રાથમિકતા હવે કેરળમાં ડાબેરીઓ સામે લડત લડવાની છે. એક બાજુ તેઓ ભાજપને 2019માં સત્તામાં આવતા રોકવા માટે પ્રતિબદ્ધતા બતાવે છે જ્યારે બીજી બાજુ વાયનાડથી રાહુલ ગાંધી મેદાનમાં છે.  કરાતે કહ્યું કે તેઓ કોંગ્રેસના મનસુબાને કેરળમાં સફળ થવા દેશે નહીં. સીપીએમના નેતાએ કહ્યું કે અમે  કોંગ્રેસના આ પગલાંનો આકરો વિરોધ કરીશું અને આ બેઠક પરથી રાહુલ ગાંધીની હારને સુનિશ્ચિત કરીશું. 

બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે રાહુલ ગાંધી કેરળની લોકસભાની 20 બેઠકોમાંથી એક બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે. તેને કોઈ બીજા સ્વરૂપે જોવાની જરૂર નથી. અમે તેમની સામે પણ લડીશું. તેમણે એક એવી બેઠક પરથી ચૂંટણી લડવી જોઈતી હતી કે જ્યાં ભાજપનો કોઈ ઉમેદવાર મેદાનમાં હોય. આ બીજુ કઈ નહીં પરંતુ સીધી લેફ્ટ વિરુદ્ધ લડાઈ છે. 

— ANI (@ANI) March 31, 2019

અત્રે જણાવવાનું કે કેરળ પ્રદેશ કોંગ્રેસે વાયનાડ લોકસભા બેઠક માટે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. આ સીટ રાજ્યમાં પાર્ટીનો ગઢ  ગણાય છે. એઆઈસીસી મહાસચિવ ઓમન ચાંડીએ પત્તનમતિટ્ટા જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ગાંધીને વાયનાડથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. પરંતુ તેમણે આ પ્રસ્તાવ પર કોઈ ટિપપ્પણી કરી નથી. તેમણે કહ્યું હતું કે પાર્ટી નેતા માંગણી કરે છે કે કોઈ દક્ષિણ ભારતીય બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ. અમે ગાંધીને વાયનાડથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. 

ચાંડીએ કહ્યું હતું કે તેમણે હજુ સુધી આ અનુરોધ પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ અમને આશા છે કે સકારાત્મક પ્રતિક્રિયા મળશે. પાર્ટી કેરળની 20 લોકસભા બેઠકમાંથી 16 પર ચૂંટણી લડી રહી છે. 14 ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. પરંતુ વાયનાડ અને વડાકરાથી જાહેરાત બાકી હતી. હવે વાયનાડથી રાહુલ ગાંધીનું નામ જાહેર થઈ ગયું. 

ઉત્તર પ્રદેશ છોડીને ભાગી રહ્યાં છે રાહુલ- ગોયલ
રેલ મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર ઉત્તર પ્રદેશને છોડીને ભાગવાનો આરોપ લગાવતા 25 માર્ચે દાવો કર્યો હતો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં રાહુલના અમેઠીમાંથી પણ ભાજપ જ જીતશે. ગોયલે વિજય સંકલ્પ સભાને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તર પ્રદેશ છોડીને કેરળથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. કારણ કે તેમને ડર છે કે આ વખતે તેમની પરંપરાગત સીટ અમેઠી તેમના હાથમાંથી નીકળી જશે.  

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news