CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ZEE NEWSના સંવાદદાતા સાથે ગેરવર્તણૂંક
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ હવે દિલ્હી (Delhi) પોલીસ હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. જામિયા (Jamia) ના વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર મોડી રાતે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસના હેડક્વાર્ટર બહાર ધરણા પર બેસી ગયા છે. વિદ્યાર્થીઓએ મીડિયા સાથે પણ ગેરવર્તણૂંક કરી. વિદ્યાર્થીઓએ ZEE NEWSના સંવાદદાતા સાથે ગેરવર્તણૂંક કરી. જ્યારે વિદ્યાર્થીઓને એ સવાલ પૂછવામાં આવ્યો કે જામિયા નગરમાં બસોને આગ કોણે લગાવી? તો તેઓ જવાબ આપી શક્યા નહીં પરંતુ ગેરવર્તણૂંક પર ઉતરી આવ્યાં હતાં.
દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર પ્રદર્શન
પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ સાથે હિંસા કરી છે. આથી તેઓ પોતાના વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા છે. જો કે દિલ્હીમાં સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય વિસ્વાલે થોડીવાર પહેલા જ ઝી ન્યૂઝને કહ્યું હતું કે પોલીસે જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કોઈ ગેરવર્તણૂંક કરી નથી. પ્રદર્શનકારીઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતાં, તેમને કાઢવા માટે પોલીસ યુનિવર્સિટીમાં ગઈ હતી.
આ બાજુ દિલ્હીમાં હિંસા બાદ ડીએમઆરસીએ દિલ્હી મેટ્રોની 11 સ્ટેશનો પર મેટ્રો સેવા બંધ કરી છે. સુખદેવ વિહાર, જામિયા મિલયા ઈસ્લામિયા, ઓખલા વિહાર, જસોલા વિહાર, શાહીન બાગ મેટ્રો સ્ટેશનો પર બધા ગેટ બંધ છે. આ સ્ટેશનો પર મેટ્રો થોભશે નહીં.
દિલ્હી સરકારનો શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
આ બાજુ દિલ્હીમાં સાઉથ ઈસ્ટ જિલ્લામાં ઓખલા, જામિયા, ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, મદનપુર, ખાદર વિસ્તારની તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ કાલે બંધ રહેશે. વર્તમાન હાલાત જોતા દિલ્હી સરકારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ આ જાણકારી આપી છે.
જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) વિરુદ્ધ પૂર્વોત્તર અને પશ્ચિમ બંગાળ (West Bengal) બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) જામિયાન અને શાહીન બાગ વિસ્તારમાં પણ હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ જામિયા (Jamia) નજીક આવેલા જસોલામાં 3 બસો ફૂંકી મારી અને આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઉપર પણ હુમલો કરી દીધો. હિંસા પર ઉતરી આવેલા લોકોએ ફાયર ફાઈટર્સ ઉપર પણ હુમલો કરી દીધો જેમાં બે ફાયરકર્મીઓ ઘાયલ થયા છે. જે સારવાર અર્થે હોસ્પિટલમાં છે.
જુઓ LIVE TV
હુમલામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ
સ્થળ પર પોલીસકર્મીઓ પર જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. હુમલામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે હુમલા બાદ અનેક ઉપદ્રવીઓ યુનિવર્સિટીમાં ઘૂસી આવ્યાં હતાં. તેમને પકડવા માટે પોલીસફોર્સે યુનિવર્સિટી પરિસરની અંદર ઘૂસવું પડ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે