જમ્મુ-કાશ્મીરઃ કલમ-370ની જોગવાઈઓને રદ્દ કરવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
જમ્મુ-કાશ્મીરના બે ભાગ કરીને તેને કેન્દ્રશાસિત બનાવવાના બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળી ગયા પછી તેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યું હતું
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-370ની જોગવાઈઓને રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. આ અગાઉ, જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વહેંચવાના અને કલમ-370ની જોગવાઈઓ દૂર કરવા સંબંધિત ખરડાઓને સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં પૂર્ણ બહુમત સાથે પસાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિની મંજુરી મળી ગયા પછી હવે તે કાયદો બની ગયા છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, "ભારતના બંધારણની કલમ-370ના ખંડ-1 સાથે વાંચવામાં આવતી કલ-370ના ખંડ-3માં આપવામાં આવેલી શક્તિઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર એ જાહેરાત કરે છે કે, 6 ઓગસ્ટ, 2019ના રોજથી ઉપરોક્ત અનુચ્છેદના ખંડ-1 સિવાયના તમામ ખંડ લાગુ થશે નહીં."
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચવાની સાથે જ બંને ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગેના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019ને પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં પૂર્ણ બહુમત સાથે પસાર કરવામાં આવ્યું હતું.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે